મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કર્યું છે, જેમાં અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર અનેક ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. બિહાર સરકારે કહ્યું છે કે, રિયાએ સુશાંતની સંપત્તિ તથા પૈસા પડાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં સુશાંતને દવાનો ઓવરડોઝ આપીને તેની માનસિક બીમાર સાબિત કરવા માગતી હતી.
બિહાર સરકારે સુપ્રીમ કોર્ટને સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં પટણામાં નોંધાયેલી ફરિયાદ સ્થાંતરળ કરવાની અભિનેત્રી રિયા ચક્રવર્તીની અરજી રદ કરવા માગ કરી છે. સોગંદનામામાં જણાવાયું છે કે, રિયા અને તેના પરિવારનો ઉદ્દેશ સુશાંતના પૈસા પડાવી લેવાનો હતો.
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બિહાર સરકાર તરફથી વરિષ્ઠ પોલીસ અધિક્ષક ઉપેન્દ્ર શર્મા દ્વારા સુપ્રીમ કોર્ટમાં ફાઈલ કરેલી એફીડેવિટમાં કહ્યું છે કે, અભિનેતાને કોઈ માનસિક બીમારી નહોતી. રિયા ચક્રવર્તીએ સુશાંતની બીમારીની એક ખોટી અફવા ઉભી કરી હતી. તેને દવાઓનો ઓવરડોઝ આપવામાં આવતો હતો. રિયા સુશાંતને તેના ઘરે લઇ ગઇ હતી અને તેને દવાની માત્રાનો ઓવરડોઝ આપવાનો શરૂ કર્યો હતો. એટલું જ નહીં, રિયા ચક્રવર્તી તથા તેના પરિવારના સભ્યો સુશાંતના સંપર્કમાં આવીને તેના પૈસા પડાવી લેવા માગતા હતા.