મુંબઈ: સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈની બાંદ્રા પોલીસ તેના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. આ મામલે મુંબઈ પોલીસે નિર્દેશક સંજય લીલા ભણસાલીને પણ પૂછપરછ માટે બે દિવસમાં હાજર થવાનો સમય આપ્યો છે.
સુશાંત સિંહ રાજપૂતને ભણસાલીની 'ગોલીયો કી રાસલીલા રામ-લીલા' ઓફર કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેમને ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. જેના માટે એવું કારણ આપવામાં આવ્યું હતું કે તે યશરાજ ફિલ્મ્સ સાથે કરારમાં જોડાયેલો હતો.
ઉપરાંત 'બાજીરાવ મસ્તાની' માટે પણ તે પ્રથમ પસંદગી હતી. પરંતુ તેમાં પણ તે કામ કરી શક્યો નહિ. તે સમયે તે યશરાજ ફિલ્મ્સની 'પાની' પર કામ કરી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘પાની’ માટે તૈયારી કરવા સુશાંતે 7 મહિના ટ્રેનિંગ અને વર્કશોપ કરી હતી પરંતુ થોડા સમય બાદ તે ફિલ્મનું નિર્માણકાર્ય જ બંધ પડી ગયું.
તેના મૃત્યુના કારણ અંગે તેને ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવતો હતો તે પ્રકારની અનેક અટકળો ચાલી રહી છે ત્યારે મુંબઈ પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.