મુંબઇ: કોરોના વાઇરસના રોગચાળાને લીધે દરેક વસ્તુ થંભી થઈ ગઈ છે. તેનાથી તમામ ક્ષેત્રોને અસર થઈ છે. આ સમયે ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગ પણ બાકાત નથી અને આવી સ્થિતિમાં આ ઉદ્યોગમાં કામ કરનારાઓ માટે મુશ્કેલી ઉભી થઇ છે. ટીવી કલાકારોમાંથી એક અભિનેતા રાજેશ કરીર પણ આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહ્યા છે. આવી મુશ્કેલી સમયે તેણે દરેકને તેની મદદ માટે વિનંતી કરી છે.
રાજેશ શિવાંગી જોશીના પિતા તરીકે લોકપ્રિય ટીવી શો 'બેગુસરાય'માં મુખ્ય પાત્ર ભજવતા જોવા મળ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી કામના અભાવે અભિનેતા આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે રાજેશ કરીરે પોતાના પુત્રના ફેસબુક પેજ દ્વારા ખૂબ જ ભાવનાત્મક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાજેશ ખૂબ જ હતાશ થઇને તેની પરિસ્થિતિ વિશે વાત કરી રહ્યો છે.
ટીવી અભિનેતા રાજેશ કરીરે વીડિયોમાં કહ્યું છે કે, હું એક કલાકાર છું અને મને આશા છે કે ઘણા લોકો મને ઓળખશે. વાત એ છે કે જો હું શરમ કરીશ તો જીવનભર ખૂબ જ ભારે પડશે. હું બસ વિનંતી કરવા માંગુ છું કે મને ખરેખર મદદની જરૂર છે કારણ કે મારી સ્થિતિ સારી નથી.
હું છેલ્લા 15-16 વર્ષથી મુંબઈમાં મારા પરિવાર સાથે રહું છું. મને લાંબા સમયથી કોઈ કામ મળ્યું નથી અને હવે છેલ્લા ત્રણ મહિનાથી શૂટિંગ ચાલી રહ્યું નથી. તે ક્યારે શરૂ થશે તે પણ અમને ખબર નથી. જો તમે લોકો 300-400 રૂપિયાની મારી મદદ કરી શકો, તો તે પણ મોટી મદદ થશે. કેમ કે મારે પંજાબ પાછા જવું છે. મારે જીવવું છે અને જીવન છોડવાની ઇચ્છા નથી.
નોંધપાત્ર વાત એ છે કે, અગાઉ ટીવી કલાકારોએ આર્થિક પરિસ્થિતિ સામે સંઘર્ષ કરતી વખતે મોતને ભેટ્યા હતા. તેમાં ટીવી એક્ટર મનમિત ગ્રેવાલ અને પ્રેક્ષા મહેતા સામેલ છે.