મુંબઇઃ અભિનેતા ઋષિ કપૂરની અસ્થિ રવિવારે બાણગંગામાં વિસર્જિત કરવામાં આવી હતી. તેમના મોટા ભાઇ રણધીર કપૂરે આ જાણકારી આપી હતી.
બે વર્ષથી લ્યૂકેમિયા સામે લડાઇ લડી રહેલા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે 30 એપ્રિલે નિધન થયું હતું.
રણધીર કપૂરે જણાવ્યું કે, શનિવારે ઋષિ કપૂર માટે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, પ્રશાસન પાસેથી અમને હરિદ્વાર જવાની પરવાનગી મળી ન હતી, જે બાદ આજે અમે બાણગંગામાં તેમની અસ્થિનું વિસર્જન કર્યું છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા એક ફોટામાં ઋષિ કપૂરા ફોટા સામે તેની પત્ની નીતૂ કપૂર અને અભિનેતા પુત્ર રણબીર કપૂર બેઠેલા જોવા મળે છે.
પરિવારના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અભિનેતાની પુત્રી રિદ્ધિમા કપૂર સાહની પણ પ્રાર્થના સભામાં સામેલ થઇ હતી. દિલ્હીથી માર્ગ મારફતે આવવાનું કારણે તેના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ શકી ન હતી.
તેમણે જણાવ્યું કે, તેમાં વધુ લોકો ન હતા, માત્ર પરિવારના પાંચ- છ લોકો જ સામેલ થયા હતા.
અમેરિકામાં લગભગ એક વર્ષ સુધી સારવાર બાદ ઋષિ કપૂર ગત્ત સપ્ટેમ્બરમાં ભારત પરત ફર્યા હતા. ફેબ્રુઆરીમાં તેમને બે વાર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.