મુંબઈ: બોલિવૂડ અભિનેતા આમિર ખાનની આવનારી ફિલ્મ 'લાલસિંહ ચઢ્ઢા'ની રિલીઝને લઇને મોટી જાહેરાત કરવામાં આવી છે. મોટા પડદે આમિરને જોવા માટે તેના ચાહકોએ હજુ થોડી રાહ જોવી પડશે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ નહી થાય.
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે તેના ટ્વીટર એકાઉન્ટ દ્વારા આ વિશે માહિતી આપી હતી. તેણે ટ્વીટમાં લખ્યું હતું કે આ ફિલ્મ આવતા વર્ષના ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા હવે અનલૉક ની જાહેરાત થયા બાદ ફિલ્મો તથા ટીવી સિરિયલોના શૂટિંગને મંજૂરી આપી દેવામાં આવી છે. 'લાલસિંહ ચઢ્ઢા' નું પણ થોડુંઘણું શૂટિંગ કરવાનું બાકી હોવાથી હાલ આમિર તેના ટર્કીના શેડ્યુલનું શૂટિંગ પૂર્ણ કરી રહ્યો છે.
'લાલસિંહ ચઢ્ઢા' અમેરિકન સુપરસ્ટાર ટોમ હેંક્સની ઑસ્કર વિનર ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની ઑફિશિયલ હિન્દી રિમેક છે. જેમાં આમિર એક કરતા વધુ પાત્રોમાં જોવા મળશે.