મુંબઇ: બોલીવૂડના ઘણા સ્ટાર્સ કોરોના વાઇરસના કારણે લાગેલા લોકડાઉન દરમિયાન લોકોની મદદ કરવા આગળ આવ્યા છે. જેમાં અભિનેતા આમિર ખાનનું નામ પણ સામેલ છે.
જો કે તેમના વિશે એક સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે કે, સુપરસ્ટારે લોટની કોથળીમાં છુપાવીને ગરીબોની મદદ માટે પૈસા મોકલ્યા છે. હવે આમિરે ખુદ પોતાના ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ દ્વારા લોકોને સત્યનો ખુલાસો કર્યો હતો.
આમિર ખાને એક ટ્રક ભરીને ગરીબો માટે એક એક કિલો લોટના પેકેટ મોકલ્યા હતા, જેની અંદર 15 હજાર રૂપિયા પણ રાખવામાં આવ્યા હતા. જો કે આ વાતની હજી સુધી કોઇ પુષ્ટિ કરવામાં નથી આવી.
હવે આમિર ખાને આ સમાચારના જવાબમાં ટ્વીટ કર્યું છે કે, "મિત્રો, હું લોટ પેકેટમાં પૈસા મૂકનાર વ્યક્તિ નથી. આ કાં તો સંપૂર્ણ ખોટા સમાચાર છે અથવા તો રોબિનહુડ પોતે આ વાત જણાવવા નથી માંગતા. "
આમિર ખાનના આ ટ્વિટથી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઇ રહી છે. આમિરને લઇ ટિક ટોક પર એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જેણે પણ લોટના પેકેટ લીધાં છે, તેના હોશ ઉડી ગયા હતા. કારણ કે દરેક પેકેટમાં 15 હજાર રૂપિયા રાખવામાં આવ્યા હતા. આ સાથે, ટિક ટોક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આની પાછળ આમિર ખાનનો હાથ છે.
ફિલ્મોની વાતો કરીએ તો આમિર હવે રોમેન્ટિક-કોમેડી ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડામાં જોવા મળશે. આમાં આમિર સાથે કરીના કપૂર લીડ રોલમાં છે. આ ફિલ્મ હોલીવુડના વેટરન સ્ટાર ટોમ હેન્ક્સની ઓસ્કર વિજેતા ફિલ્મ "ફોરેસ્ટ ગમ્પ"ની રિમેક છે.