મુંબઇ: નાના પડદાના રિયાલિટી શો બિગ બોસ-13ની સફર પૂરી થઈ ગઈ છે. લગભગ 5 મહિના પ્રેક્ષકોનું મનોરંજન કર્યા પછી શનિવારે રાત્રે ગ્રાન્ડ ફિનાલેમાં શોના વિજેતાની ઘોષણા કરવામાં આવી હતી. આ રિયાલિટી શોની 13મી સિઝનનો તાજ સિદ્ધાર્થ શુક્લાના નામે રહ્યો હતો. બિગ બોસ-13ની લગભગ 5 મહિનાની મુસાફરી આખરે મુકામ પર પહોંચી ગઈ હતી. સિદ્ધાર્થ શુક્લાને આ સિઝનનો વિજેતા જાહેર કરાયો છે. અંતિમ રાઉન્ડમાં 6 ફાઇનલિસ્ટના દિલ થંભાવનારા વાતાવરણ વચ્ચે સિદ્ધાર્થ શુક્લાને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. જેથી સિદ્ધાર્થને ઇનામ રૂપિયા 50 લાખ આપવામાં આવ્યાં હતાં.
સિદ્ધાર્થ શુક્લાએ અસીમ રિયાઝને હરાવીને બિગ બોસની ચમચમાતી ટ્રોફીને પોતાના નામે કરી લીધી છે. ફાઇનલ પહેલા જ અટકળો લગાડવામાં આવી હતી કે, છેલ્લી ટક્કર અસીમ અને સિદ્ધાર્થની વચ્ચે હશે. આ ચર્ચિત અને વિવાદીત રિયાલિટી શોના 6 સ્પર્ધકો ફાઇનલમાં પહોંચ્યાં હતાં. જેમાં સિદ્ધાર્થ શુક્લા, અસીમ રિયાઝ, શહનાઝ ગિલ, રશ્મિ દેસાઈ, આરતી સિંહ અને પારસ છાબરા. ગ્રાન્ડ ફિનાલેમાં પારસ છાબરા પ્રથમ આઉટ થયો હતો. તેણે 10 લાખ રૂપિયા લઈને વિજેતાની દોડથી પોતાને અલગ કરી દીધા હતાં. આ પછી આરતી સિંઘ, રશ્મિ દેસાઇ અને શહનાઝ ગિલ જાહેર જનતાના મતને આધારે રેસમાંથી બહાર નીકળી ગયા હતા.