સાન ફ્રાન્સિસ્કો: એલોન મસ્કની ટેસ્લાએ ભારતીય મૂળના વૈભવ તનેજાને તેના મુખ્ય નાણાકીય અધિકારી (CFO) તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક એવા સમયે થઈ છે, જ્યારે કંપની ભારતને આગામી અગ્રણી સપ્લાય ચેઈન ઈકોસિસ્ટમ ઉત્પાદક બનાવવા માટે પ્રયત્નશીલ છે. વૈભવ 2016 વર્ષથી ટેસ્લામાં કામ કરી રહ્યા છે. તનેજા હાલમાં ટેસ્લા ખાતે ચીફ એકાઉન્ટિંગ ઓફિસર તરીકે સેવા આપે છે અને વધારાની જવાબદારી તરીકે CFO પદ સંભાળશે. તે ઝાચેરી કિર્કહોર્નનું સ્થાન લેશે જે ટેસ્લા સાથે તેમનો 13 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે.
મસ્ક આવતા વર્ષે ભારત આવશેઃકિર્કહોર્ને પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ LinkedIn પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આ કંપનીનો ભાગ બનવું એ એક વિશેષ અનુભવ છે અને 13 વર્ષ પહેલાં જોડાયા પછી અમે સાથે મળીને કરેલા કામ માટે મને ખૂબ જ ગર્વ છે," ટેસ્લાએ તેના ઓટો પાર્ટ્સ અને ઈલેક્ટ્રોનિક્સ રેન્જને નજીકના ભવિષ્યમાં દેશમાં લાવવા માટે ભારત સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરી હોવાના અહેવાલ છે. મસ્કે જૂનમાં યુએસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, તેઓ આવતા વર્ષે ભારત આવશે.