નવી દિલ્હીઃ ભારતનું ત્રીજું ચંદ્રયાન મિશન સફળ રહ્યું છે. ભારતનું ચંદ્રયાન-3 સાંજે 6:04 કલાકે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થઈ ગયુ છે. દેશના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પર પીએમ નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. વર્ચ્યુઅલ રીતે જોડાયેલા પીએમ મોદીએ પોતાના સંદેશમાં કહ્યું કે, આ ક્ષણ 140 કરોડ ધડકનોની સામર્થ્યની છે. તેમણે કહ્યું કે આવી ઐતિહાસિક ઘટનાઓ, આ ક્ષણ અવિસ્મરણીય છે. આ એક વિકસિત નવા ભારતની પોકાર છે. આ ક્ષણ 140 કરોડ ધડકનોની સામર્થ્યની છે.
મારું મન પણ ચંદ્રયાનમાં:પીએમ મોદીએ કહ્યું કે, આ ભારતના ઉદયની સફળતાની અમૃત વર્ષા છે. આજે આપણે અવકાશમાં નવા ભારતની નવી ઉડાનનાં સાક્ષી બન્યા છીએ. તેણે કહ્યું કે હું દક્ષિણ આફ્રિકામાં છું પરંતુ દરેક ભારતીયની જેમ મારું મન પણ ચંદ્રયાનમાં વ્યસ્ત છે. આ ઉત્સાહ અને ઉલ્લાસમાં હું પણ મારા દેશવાસીઓ સાથે જોડાયેલો છું. દેશના તમામ વૈજ્ઞાનિકો, ઈસરોની ટીમને અભિનંદન આપતાં વડાપ્રધાને 140 કરોડ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.