બેંગાલુરૂ:ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનના જાગવાની હવે કોઈ આશા નથી. આ વાત એક જાણીતા અંતરિક્ષ વિજ્ઞાનિકે કહી છે. જે ભારતના ત્રીજા ચંદ્ર મિશનના સંભવિત અંતનો સંકેત છે. મિશન સાથે સક્રિય રીતે જોડાઈ રહેલા અંતરિક્ષ આયોગના સભ્ય અને ઈસરોના પૂર્વ અધ્યક્ષ એ.એસ.કિરણકુમારે કહ્યું હતું કે, હવે તે ફરી સક્રિય થાય તેવી કોઈ આશા નથી. જો તે થવાનું હોત તો અત્યાર સુધીમાં થઈ ગયું હોત. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ 22 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, નવો ચંદ્ર દિવસ શરૂ થયા બાદ સૌર ઉર્જા સંચાલિત વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસ કરાયા છે, તેથી તેની ફરી સક્રિય થવાની સંભાવના જાણી શકાય.
શું કહ્યું ઈસરોએ ?ઈસરોએ જણાવ્યું હતું કે, હાલ તો લેન્ડર અને રોવર દ્વારા કોઈ સંકેત મળ્યાં નથી. પરંતુ તેની સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસ શરૂ રહેશે. ચંદ્રયાન-3 મિશન સાથે ભારતે 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. આવું કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બની ગયો હતો. તેની સાથે જ ભારત ચંદ્રમાં પર સફળ સોફ્ટ લેન્ડિગની સાથે અમેરિકા, પૂર્વવર્તી સોવિયત સંઘ અને ચીન બાદ આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો હતો.
મિશનના અંતનું સિગ્નલ: ઈસરોએ ચંદ્રમાં પર રાત થયાં પહેલાં 4 અને 2 સપ્ટેબરે લેન્ડર અને રોવરને નિષ્ક્રિય અવસ્થા એટલે કે સ્લીપ મોડમાં કરી દીધા હતાં, ત્યાર બાદ 22 સપ્ટેમ્બરની આસપાસ આગલા સૂર્યોદય પર ફરીથી સક્રિય થવાની આશા હતી, લેન્ડર અને રોવરને એક ચંદ્ર દિવસની અવધિ (પૃથ્વીના લગભગ 14 દિવસ) સુધી કાર્ય કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું હતું. ઈસરોના અધિકારીઓ અનુસાર ચંદ્રયાન-3 મિશનના તમામ ત્રણ ઉદ્દેશ્ય હાંસલ કરી લીધા, જેમાં ચંદ્રમાંની સપાટી પર સુરક્ષીત સોફ્ટ લેન્ડિંગ ચંદ્રમાં પર ઘૂમનાર રોવરનું પ્રદર્શન અને ચંદ્ર સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગ સામેલ છે.