હૈદરાબાદઃ રોકેટ વિજ્ઞાનના પિતા ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. વિક્રમ સારાભાઈનો પરિવાર ભારતનો એક ધનાઢ્ય અને ઔદ્યોગિક પરિવાર હતો. વિક્રમ સારાભાઈએ પ્રાથમિક, માધ્યમિક કે સાર્વજનિક શાળામાં અભ્યાસ કર્યો નહોતો. પિતાએ બાળકો માટે પોતાના ઘરમાં જ ખાનગી શાળા શરૂ કરાવી હતી. ડૉ. વિક્રમ સારાભાઈને નાનપણથી જ યંત્રોનો શોખ હતો.
વિક્રમ સારાભાઈનો પરિવારઃવિક્રમ સારાભાઈ અંબાલાલ અને સરલા દેવીના 8 સંતાનોમાંના એક હતા. સારાભાઈને ભારતના અવકાશ સંશોધન કાર્યના પિતા પણ માનવામાં આવે છે. વિક્રમ સારાભાઈના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલીની સારાભાઇ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા સારાભાઈ જે પ્રખ્યાત નૃત્યકાર છે.
અંતરિક્ષમાં યોગદાનઃડૉ. વિક્રમ સારાભાઈ ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકો પૈકી એક છે. તેમણે જ 1962માં ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રની સ્થાપના કરી હતી. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ની સ્થાપના તેમની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક હતી. ઈસરોએ પોતાનો પહેલો ઉપગ્રહ 'આર્યભટ્ટ' સફળતાપૂર્વક અંતરિક્ષમાં લોન્ચ કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. આ સિદ્ધિ હાંસલ કરવામાં મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની ભૂમિકા હતી. માટે તેમને ભારતના સ્પેસ પ્રોગ્રામના પિતામહ માનવામાં આવે છે. ડૉ. વિક્રમ સારાભાઈએ ઈસરોથી લઈને IIM, અમદાવાદની સ્થાપના સુધી મહત્વની ભૂમિકા ભજવી હતી.