કડડભૂસ અર્થતંત્રો
કોરોના વાયરસને કારણે રૂની ગાંસડી જેવા આરોગ્ય તંત્ર અને અર્થતંત્રમાં તણખો પડ્યો છે તેની આગ બધું રાખ કરી રહી છે. મોતનો આંક એક લાખને પાર થઈ ગયો છે ત્યારે ઘણા બધા દેશો સામે વધારે મોટું આર્થિક સંકટ ઊભું થઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા હાલમાં જ સ્પષ્ટતા કરાઈ છે કે છેલ્લા ત્રણ મહિનાના અંદાજો વીંખાઈ ગયા છે અને 170 દેશોમાં માથા દીઠ આવક ઘટવા લાગી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના હાલના એક અભ્યાસમાં પણ જણાવાયું છે કે, વિશ્વભરમાં રોજગારી પૂરી પાડતા ઉદ્યોગોમાંથી 81 ટકા (330 કરોડ) કામદારોની રોજગારી પર અસર પડી રહી છે.
IMFએ ચેતવણી આપી છે કે, કોરોના સંકટ લાંબુ ચાલશે તો સ્થિતિ વધુ વણસશે. Oxfam દ્વારા મૂકાયેલા અંદાજ અનુસાર કોરોનાનો ચેપ ફેલાતો અટકશે ત્યાં સુધીમાં વિશ્વની વસતિના 50 ટકા લોકો ગરીબીમાં ધકેલાઇ ગયા હશે.
માત્ર અમેરિકામાં જ 7 કરોડ બેરોજગારોએ બેકારી ભથ્થા માટેની અરજી મૂકી છે. તેના પરથી જ વૈશ્વિક મંદીનો અણસાર આવી જાય છે! 1930ની મહામંદી કરતાંય સ્થિતિ વિકટ બનશે તેવી IMFની ચેતવણી વધારે ચોંકાવનારી છે!
પાંચ કરોડ લોકોનો ભોગ લેનારો સ્પેનિશ ફ્લૂ!
બીજા વિશ્વ યુદ્ધનપા અંત વખતે સ્પેનિશ ફ્લૂની મહામારી ફેલાઈ હતી અને તેમાં 5 કરોડ જેટલા મોત સાથે માનવજાત માટે ટ્રેજેડી ઊભી થઈ હતી. તેના 10 વર્ષ પછી મહામંદી આવી અને અમેરિકાનું શેરબજાર પડી ભાંગ્યું. તેના કારણે વિશ્વના અનેક દેશોમાં આર્થિક અસ્થિરતા પેદા થઈ હતી.
આજે કોરોના સંકટના કારણે વિશ્વના દેશો સામે આર્થિક અસ્થિરતાનો પડકાર પણ ઊભો થયો છે. ચેપ ફેલાવાના ડરના કારણે 100થી વધુ દેશોએ પોતાની સરહદો બંધ કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય વેપાર પડી ભાંગ્યો તેના કારણે સૌથી વધુ ભોગવવાનું આવ્યું છે વિકાસશીલ દેશોએ.
G20 સંગઠના દેશો સ્થાનિક ઉદ્યોગોને સહાયરૂપ થવા માટે $5 ટ્રિલિયન ડૉલરનું રાહત પેકેજ તૈયાર કરી રહ્યા છે. આવી આર્થિક તાકાત ના ધરાવતા દેશો આંતરરાષ્ટ્રીય સહાય માટેની રાહ જોઈ રહ્યા છે. WTOના અંદાજ અનુસાર આ વર્ષે વૈશ્વિક વેપારમાં 13થી 32 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. તેને એવો ડર પણ છે કે દેશો પોતાના વેપારઉદ્યોગોને બચાવવા માટેની 1930ના દાયકામાં હતી તેવી નીતિઓને ફરી લાગુ કરશે. વિકાસશીલ દેશો માટે અઢી ટ્રિલિયન ડૉલરનું રાહત પેકેજ આપવામાં નહિ આવે તો વિશ્વના ગરીબોની હાલત કફોડી થવાની છે.
ભારતનો વ્યૂહ
માનવતાના ભાવી સામે કોરોના રાક્ષસ સમાન છે એવું ઉચિત નિવેદન કરનારી ભારતીય રિઝર્વ બેન્કના અંદાજ અનુસાર વૈશ્વિક અર્થતંત્રમાં વાર્ષિક પાંચ ટ્રિલિયન ડૉલરનો ઘટાડો જોવા મળી શકે છે. જાપાનની જીડીપી કરતાંય આ રકમ મોટી છે! રસીની શોધ નહિ થાય ત્યાં કોરોનાનું સંકટ ટળવાનું નથી ત્યારે બધા જ દેશો એકબીજાને મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે.
FICCI તથા અન્ય સંગઠનોના આર્થિક નિષ્ણાતો માને છે કે ભારતે 10 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવું જરૂરી છે. ત્રણ અઠવાડિયાના લૉકડાઉનને કારણે ભારતને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. આર્થિક સ્થિરતા માટે ભારતના ઉદ્યોગોને ચાર લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવું જરૂરી બન્યું છે, ત્યારે ભારતનો વ્યૂહ સાર્વત્રિક હોવો જરૂરી છે!