કોલકાતા: રાજીવ બેનરજી અને પ્રોબીર ઘોષાલ પછી હવે દિનેશ ત્રિવેદીએ પણ તૃણમૂલ કોંગ્રેસને રામરામ કરી દીધા છે. તેમણે બહુ નાટકીય રીતે રાજ્ય સભામાં જ રાજીનામું આપી દીધું. તેમણે રાજીનામાની જાહેરાત કરતા કહ્યું કે પશ્ચિમ બંગાળમાં હિંસક સ્થિતિ ઊભી થઈ રહી હતી તેના કારણે તેઓ ગુંગળામણ અનુભવી રહ્યા હતા. "હું ગુંગળાઈ રહ્યો હતો. તેથી મેં મારા દિલની વાતને સાંભળી અને રાજીનામું આપી દીધું છે. હું મારા રાજ્યના લોકો માટે કામ કરવા માગું છું, જ્યાં નેતાજી, રવિન્દ્રનાથ ઠાકુર, વિવેકાનંદ જેવા મહાનુભાવો પાક્યા છે," એમ તેમણે કહ્યું.
ત્રિવેદીના રાજીનામા પછી પશ્ચિમ બંગાળના રાજકારણમાં એવો સવાલ પૂછાઈ રહ્યો છે કે શું વધુ એક રાજીનામા સાથે તૃણમૂલ કોંગ્રેસ માટે લાંબા ગાળાના નુકસાનની ખાઈ પહોળી થઈ ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસના કેટલાક નેતાઓએ ત્રિવેદીની નિંદા કરવાનું શરૂ કરી દીધું છે, પણ રાજકીય વિશ્લેષકો માને છે કે સંયમ સાથે તેમની ટીકા કરવામાં નહિ આવે તો ઉલાટનું તૃણમૂલને જ નુકસાન થશે.
મુકુલ રૉય અને શુભેન્દુ અધિકારી ભાજપમાં જોડાયા તે પછી તૃણમૂલ કોંગ્રેસે જણાવ્યું હતું કે આ નેતાઓ સીબીઆઈ અને ઈડીની કામગીરીથી બચવા માટે ભાજપના શરણે જઈ રહ્યા છે. આ નેતાઓ કોઈ ને કોઈ નાણાંકીય ગેરરીતિના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. રાજીવ બેનરજી અને પ્રોબીર ધોષાણ હાલમાં જ ભાજપમાં જોડાયા તે પછી જોકે આવી ટીકા કરી શકાય તેમ નહોતી. તેનું કારણ એ કે આ બંને નેતાઓની છાપ સ્વચ્છ છે.
જોકે તૃણમૂલના નેતાઓ કહે છે કે ચૂંટણી આડે ચાર જ મહિના બાકી હોય ત્યારે કોઈ પ્રધાનપદું છોડીને હરિફ પક્ષમાં જતા રહે તે નૈતિક રીતે જરાય યોગ્ય ના કહેવાય. બેનરજી અને ઘોષાલ માટે એવી પણ ટીકા થઈ રહી છે કે આમેય આ બંને નેતાઓને તૃણમૂલ કોંગ્રેસ આ વખતે ટિકિટ આપવાની નહોતી. તેના કારણે ટિકિટની લાલચમાં તેઓ ભાજપના ખોળે બેઠા છે.
આ બેમાંથી એકેય પ્રકારની ટીકા દિનેશ ત્રિવેદી માટે થઈ શકે તેમ નથી. ત્રિવેદીની છાપ સારી રહી છે અને તૃણમૂલ કોંગ્રેસના એક સારી છબી ધરાવતા નેતા તેઓ હતા. તેમને બેસ્ટ સાંસદ તરીકેનો અવૉર્ડ પણ મળેલો છે. તેમને એક વર્ષ પહેલાં જ રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે. તેથી તેમણે કાર્યકાળ પૂરો કર્યા પછી પદ માટે રાજીનામું આપ્યું તેવું પણ કહી શકાય તેમ નથી. તેના કારણે ત્રિવેદીની વિદાયનો કેવી રીતે બચાવ કરવો તે મુદ્દે તૃણમૂલ કોંગ્રેસમાં અવઢવ હોય તેમ લાગે છે.