નવી દિલ્હી: સ્ત્રીઓની લગ્ન માટેની વય 18થી વધારીને 21 વર્ષ કરવી એ કેવળ એક ઉપરચોટિયો વિચાર છે અને માતા અને શિશુના આરોગ્ય સુધારવા માટે આ પગલું નહિવત્ રીતે મદદરૂપ બનશે અને તે જાતીય પ્રવૃત્તિઓના અપરાધીકરણ તરફ દોરશે, તેવો નિષ્ણાતોનો મત છે. તેમણે જણાવ્યું હતું કે, કાયદામાં સુધારો કરવાથી ન તો જાતિગત સમાનતા, મહિલા અધિકારોનું લક્ષ્ય હાંસલ કરી શકાશે કે ન તો તેનાથી છોકરીઓનું સશક્તિકરણ થશે.
લગ્નની લઘુતમ વય વધારવાની સરકારની દરખાસ્તની દેશભરના મહિલા અને બાળ અધિકાર ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા ટીકા કરવામાં આવી છે. જૂન મહિનામાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટાસ્ક ફોર્સ આ મામલે નાગરિક સમાજ સંગઠનના સભ્યો સાથે સલા8-મસલત કરી રહી છે. આ અંગે ચિંતા વ્યક્ત કરતાં કિશોર તથા યુવાન વયના લોકો, બાળ અધિકારો તથા મહિલા હક્કો પર સંશોધન અને હિમાયતનો વ્યાપક અનુભવ ધરાવતા 100 કરતાં વધુ નાગરિક સમાજ સંગઠનોએ ટાસ્ક ફોર્સ સમક્ષ ત્રણ રજૂઆતો કરી છે અને સરકારને લગ્ન માટેની વય ન વધારવાની ભલામણ કરી છે. આ માટે તેમણે લગ્નની વય વધારવાની જાહેરાત શા માટે ચિંતાપ્રેરક છે, તે પાછળનાં સુસંગત કારણો પણ દર્શાવ્યાં છે. લગ્નની વયમાં ફેરફાર કરવા મામલે ઘણા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે.
નાગરિક અધિકાર સંગઠનોએ એક સંયુક્ત નિવેદનમાં સવાલ કર્યો હતો કે, જ્યારે લગ્નની વય વધારવાનું પગલું ઘણી મહિલાઓના વૈવાહિક દરજ્જા અને અધિકારોને રદિયો આપે છે, ત્યારે આ નિર્ણય આગળ તરફનું પગલું કેવી રીતે કહી શકાય. સાથે જ તેમણે એવી રજૂઆત પણ કરી હતી કે, આ નિર્ણય જેમને રોજગારીની જરૂરિયાતો અને અસુરક્ષાને કારણે વહેલાં લગ્ન કરવાની ફરજ પડે છે, અને સાથે જ નાની વયથી જ આજીવિકાની પ્રવૃત્તિઓમાં જોતરાઇ જવું પડે છે, તેવા પરિવારોને અપરાધી ઠેરવવામાં ઉપયોગી નીવડશે.
જોકે, સંગઠનોએ અને વ્યક્તિઓએ સરકારને લગ્નની વય ન વધારવા અનુરોધ કર્યો છે અને દાવો કર્યો છે કે, "આ પગલું જાતિગત સમાનતા, મહિલા અધિકારો કે છોકરીઓના સશક્તિકરણ તરફ નહીં દોરે તેમજ માતા અને શિશુના આરોગ્યને સુધારવા માટે નહિવત્ ઉપયોગી નીવડશે." "સ્ત્રી અને પુરુષ માટે લગ્નની વય 21 વર્ષ કરવી એ જાતિગત સમાનતા સૂચવે છે – આ તદ્દન ઉપરચોટિયો દ્રષ્ટિકોણ છે, પરંતુ કોઇક રીતે આ વિચાર ઉદારતાવાદી વર્તુળોમાં વ્યાપક અપીલ ધરાવે છે,” તેમ 100 કરતાં વધુ સીએસઓ અને 2500 યુવાનોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું. સ્ત્રી હક્કોના નિષ્ણાતોનો એવો દ્રષ્ટિકોણ છે કે, બાળ લગ્નનું પ્રમાણ ઘટી રહ્યું છે અને આથી લગ્નની વય વધારવાનો કોઇ અર્થ સરતો નથી. બલ્કે, તેને સ્થાને શાળાકીય શિક્ષણ તથા રોજગારી પર વધુ ભાર મૂકવો જોઇએ.
સેન્ટર ફોર વિમેન ડેવલપમેન્ટ સ્ટડીઝનાં ડિરેક્ટર મેરી ઇ. જોહ્ને ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “શિક્ષિત અને સમૃદ્ધ લોકો મોટી વયે લગ્ન કરે છે, તે કેવળ એક ગેરમાન્યતા છે. વાસ્તવમાં, ગરીબ વ્યક્તિ લગ્ન માટે ત્રણ વર્ષની રાહ જુએ, તો 21 વર્ષની વયે તે સમૃદ્ધ નથી બની જવાનો. જો ગરીબ લોકો માટે શાળા, કોલેજો કે રોજગારીની તકો જેવી અર્થપૂર્ણ ઉપલબ્ધ ન હોય, તો લગ્નની વય ત્રણ વર્ષ વધારવાથી શું ફરક પડી જવાનો છે? સરકારે આ બાબતે સર્વાંગી વિચાર નથી કર્યો."
“આપણે વયના તફાવતનો ઇતિહાસ ધરાવીએ છીએ, રાતોરાત આ સમાનતા લાવી શકાય નહીં, કારણ કે આપણે એક સામાજિક વ્યવસ્થા ધરાવીએ છીએ, જે વિચારે છે કે, આપણે ‘અનુલોમ વિવાહ’ને પ્રાધાન્ય આપવું જોઇએ, અર્થાત્ જ્ઞાતિની અંદર પુરુષનું સ્થાન ચઢિયાતું હોવું જોઇએ. પશ્ચિમી દેશોમાં આ માન્યતા પડી ભાંગી છે, પણ ભારતીય સમાજમાં આપણે હજી પણ કોટિક્રમ જાળવી રાખ્યો છે. આથી, 18 વર્ષની વયને યથાસ્થાને રહેવા દેવી જોઇએ, તે લગ્ન માટેની એક લઘુતમ વય-માત્ર છે, નહીં કે તે વયે વ્યક્તિએ લગ્ન કરી જ લેવાં જોઇએ. શાળા છોડી દેવી, ગરીબી વગેરે જેવા મુશ્કેલ સંજોગોનો સામનો કરી રહેલા પરિવારોની છોકરીઓ ઘરે બેઠી હોય, તો તેમને પરણાવી દેવી – આવા વિચાર સામે લગ્નની લઘુતમ વય એક સુરક્ષાત્મક કવચની ગરજ સારે છે.
“આવા અવરોધો હોવા છતાં લગ્નની વય વધી રહી છે અને લઘુતમ વય કરતાં નાની વયે લગ્ન કરવાનું પ્રમાણ ઘટી રહ્યું છે. રાજસ્થાનનાં કેટલાંક ગામડાંઓને બાદ કરતાં હવે બાળ લગ્નો થતાં નથી અને ત્યાં પણ આવાં લગ્નો ભાગ્યે જ થાય છે,” તેમ જણાવતાં જ્હોને ઉમેર્યું હતું કે, તેને સ્થાને લગ્નની વય પાછી ઠેલવા માટે ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ પર અને નોકરીની તકોની પ્રાપ્યતા પર ભાર મૂકવો જોઇએ. ઉપરાંત, નાની વયે લગ્ન પર રોક લગાવવા અને કુપોષણની સમસ્યા દૂર કરવા માટે ગરીબીની સમસ્યાના નિવારણ પર ધ્યાન આપવું જોઇએ.
વિશ્વભરમાં 18 વર્ષ એ સ્ત્રીઓ તથા પુરુષો માટે લગ્ન માટેની આદર્શ લઘુતમ વય છે. ભારત દ્વારા મંજૂર કરવામાં આવેલું બાળકોના હક્કો પરનું યુએન કન્વેન્શન 18 વર્ષની વય સુધી વ્યક્તિને બાળક તરીકે સ્પષ્ટીકૃત કરે છે. નિષ્ણાતો એવી પણ દલીલ કરે છે કે, કાયદા થકી લગ્નની વય વધારવાથી બાળ લગ્નની પ્રથા માત્ર એક અપરાધ બનશે, તેનું નિવારણ નહીં આવે. વળી, કોણે કાયદાનો સૌથી વધુ ઉપયોગ કર્યો હતો, તેની સમજૂતી મેળવવા માટે પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ (PCMA), 2006 હેઠળ નોંધાયેલા કેસોનું વિગતવાર વિશ્લેષણ દિલ્હી સ્થિત એનજીઓ પાર્ટનર્સ ઓફ લો એન્ડ ડેવલપમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.
વિશ્લેષણ કરવામાં આવેલા ડેટામાં 2008થી 2017 સુધીમાં હાઇકોર્ટ તથા જિલ્લા કોર્ટના 83 ચુકાદા તથા આદેશોને સમાવવામાં આવ્યા છે. આ ડેટાના આધારે જાણવા મળ્યું છે કે, 65 ટકા કેસોમાં સંમતિપૂર્વક નાસી છૂટેલા કિશોર અને કિશોરીને સજા આપવા માટે PCMAનો ઉપયોગ થયો હતો. બાળ લગ્નના બાકીના 35 ટકા કેસોમાં કારગત ન નીવડેલા લગ્નોને રદ કરવા માટે તથા કાયદાનો ભંગ કરવા બદલ માતા-પિતાને સજા ન કરવા માટે અડધા કરતાં વધુ કેસોમાં PCMA લાગુ કરવામાં આવ્યો હતો.
83 પૈકીના 56 કેસોમાં મોટાભાગે છોકરીના માતા-પિતા અને સબંધીઓ દ્વારા કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને માત્ર 14 ટકા કિસ્સામાં જ ચાઇલ્ડ મેરેજ પ્રોહિબિશન ઓફિસર જેવા કાનૂની અધિકારીઓએ કાયદાનો સહારો લીધો હતો. અભ્યાસમાં એ પણ માલૂમ પડ્યું હતું કે, એરેન્જ મેરેજને લગતા 35 ટકા કેસોમાંથી 48 ટકા કેસોમાં માતા-પિતા કે પતિ વિરૂદ્ધ લઘુતમ વય કરતાં નાની વયે લગ્ન કરવાની ફરજ પાડવા બદલ ફરિયાદ કે કાર્યવાહી કરવામાં આવી હતી. એરેન્જ મેરેજને લગતા બાકીના 52 ટકા કેસોમાં દહેજ, વિસંવાદિતા કે ઘરેલૂ હિંસાને કારણે લગ્નને રદ ઠેરવવામાં આવ્યાં હતાં.
નોંધનીય છે કે, 2005-2006માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) 3 અને NFHS-4ની વચ્ચે 15 વર્ષની વયે લગ્ન કરનારી 20-24 વર્ષની વય જૂથની સ્ત્રીઓનું પ્રમાણ 25.4 ટકાથી ઘટીને 6 ટકા થઇ ગયું હતું. જોકે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, 2015-16નો ડેટા દર્શાવે છે કે, 20-24 વર્ષની વચ્ચેની વયની છ ટકા મહિલાઓ 15 વર્ષની વયે, 26.8 ટકા સ્ત્રીઓ 18 વર્ષની વય સુધીમાં અને 48 ટકા મહિલાઓ 20 વર્ષની વય સુધીમાં લગ્નગ્રંથિથી જોડાઇ ગઇ હતી.