નવી દિલ્હી: યુનિસેફ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક અહેવાલમાં માલૂમ પડ્યું છે કે, ભારતમાં કોવિડ-19 મહામારી અને લોકડાઉનને કારણે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં ભણતા 247 મિલિયન બાળકો તથા આંગણવાડી કેન્દ્રોમાં પ્રિ-સ્કૂલ (શાળા અગાઉનું) શિક્ષણ મેળવી રહેલાં અન્ય 28 મિલિયન બાળકોનું શિક્ષણ પ્રભાવિત થયું છે.
અહેવાલ મુજબ, કોવિડ-19 મહામારીને પગલે દક્ષિણ એશિયાનાં ઓછામાં ઓછાં 600 મિલિયન બાળકો જોખમી પરિસ્થિતિમાં મૂકાઇ ગયાં છે.
બાળકના શિક્ષણ તથા અભ્યાસ અંગે ભારતના દ્રષ્ટિકોણનો ઉલ્લેખ કરતાં યુએનના અહેવાલમાં જણઆવવામાં આવ્યું હતું કે, "ભારતમાં, શાળાઓ બંધ થવાને કારણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લઇ રહેલાં 247 મિલિયન બાળકો પ્રભાવિત થયાં છે. આ ઉપરાંત, આ સ્થિતિને કારણે આંગણવાડી કેન્દ્રોમાં પ્રિ-સ્કૂલ શિક્ષણ મેળવી રહેલાં 28 મિલિયન બાળકો પ્રભાવિત થયાં છે. કોવિડ-19 કટોકટી અગાઉ શાળાએ ન જનારાં છ મિલિયન કરતાં વધુ છોકરાઓ અને છોકરીઓ તેમાં ઉમેરારૂપ છે."
અલબત્ત, અહેવાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બહુવિધ ઇ-પ્લેટફોર્મ્સ થકી બાળકોનું શિક્ષણ ચાલુ રાખવા માટે હાથ ધરાયેલા પ્રયાસો ઉજાગર કરવામાં આવ્યા છે. આ બહુવિધ ઇ-પ્લેટફોર્મ્સમાં બાળકો સુધી પહોંચવા માટે રેડિયો અને પોડકાસ્ટ્સ, ટીવી ચેનલો, મોબાઇલ એપ, વેબ પોર્ટલ્સ, દિક્ષા પ્લેટફોર્મ, સ્વયં પ્રભા ટીવી ચેનલો, ઇ-પાઠશાલા તથા નેશનલ રિપોઝિટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સિઝનો સમાવેશ થાય છે.
કોવિડ-19 લોકડાઉનને પગલે તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન્લ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઇઆરટી)એ ઘરે શિક્ષણ માટે માર્ગદર્શન મેળવવા માટેની સૂચિત પ્રવૃત્તિઓ સાથે ધોરણ એકથી ધોરણ 12 માટે એક વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર તૈયાર કર્યું છે.
મહત્વપૂર્ણ રીતે, યુનિસેફના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે, ભારતના માત્ર ચોથા ભાગના પરિવારો (24 ટકા) ઇન્ટરનેટની સુવિધા ધરાવે છે અને આ મામલે વ્યાપક પ્રમાણમાં શહેરી-ગ્રામીણ તથા જાતિગત (લિંગ આધારિત) અસમાનતા જોવા મળે છે.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, મોટી સંખ્યામાં બાળકો ઘરેથી શિક્ષણ મેળવવાની આ તકોથી વંચિત રહી જાય તેવી શક્યતા છે.
બાળ સુરક્ષાને લગતા પ્રશ્નો અંગે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની સેવા ચાઇલ્ડ પ્રોટેક્શન – ચાઇલ્ડલાઇન પર 20મી માર્ચથી 10 એપ્રિલના 21 દિવસમાં 4,60,000 ફોન કોલ આવ્યા હતા, જે રેગ્યુલર કોલ સંખ્યા કરતાં 50 ટકા વધારો સૂચવે છે.
"આ પૈકીના લગભગ 10,000 કોલ્સ દરમિયાનગીરીના કેસ હતા, જેમાં સહાયની જરૂરિયાત ધરાવતાં બાળકો સુધી પહોંચવા માટે ચાઇલ્ડલાઇન સ્ટાફની જરૂર પડી હતી. તે પૈકીના 30 ટકા કેસો હિંસા, બાળકોની જાતીય પજવણી, બાળ લગ્ન અને બાળ મજૂરીને લગતા હતા," તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
ભારતમાં યુનિસેફના પ્રતિનિધિ ડો. યાસ્મિન અલી હકે જણાવ્યું હતું કે, "મહામારીએ બાળકોની નાજુક સ્થિતિ છતી કરી દીધી છે. લાખો જરૂરિયાતમંદ બાળકો વિકાસ તથા શીખવાની તકો તેમજ અસ્તિત્વ ટકાવી રાખવાનો તેમનો અધિકાર ગુમાવી રહ્યાં છે. અત્યંત જરૂરિયાતમંદ પરિવારોનું સામાજિક સુરક્ષા યોજનાઓ દ્વારા રક્ષણ કરવું જરૂરી છે. આ યોજનાઓ તેમને આરોગ્ય તકેદારી, બાળકો માટે શાળાકીય શિક્ષણ, પોષણ વગેરેની પહોંચ મેળવવામાં મદદરૂપ નીવડી શકે છે. સરકાર તેમજ તમામ હિસ્સાધારકોની દ્રઢ કટિબદ્ધતા થકી જ આ કાર્ય સુનિશ્ચિત થઇ શકે છે.
કોવિડ-19 કટોકટીના ગૌણ પ્રભાવે બાળકો માટે પોસાય તેવા તથા પોષણયુક્ત આહારની પ્રાપ્યતાની સમસ્યાને વધુ વિકટ બનાવી છે.
"ભારતમાં પાંચ વર્ષ કરતાં નીચેની વયનાં આશરે 20 મિલિયન બાળકો કુંઠિતપણાથી પીડાય છે, 40 મિલિયન કરતાં વધુ બાળકો કુપોષણનો શિકાર છે તથા 15-49 વર્ષની વયની અડધા કરતાં વધુ ભારતીય મહિલાઓ રક્તક્ષીણતા ધરાવે છે," તેમ યુએનના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
લાન્સેટ ગ્લોબલ હેલ્થ જર્નલમાં જ્હોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, રોજિંદી આરોગ્ય સેવાઓના કવરેજના પ્રમાણમાં ઘટાડો થવાને કારણે, જીવન-રક્ષક રોગપ્રતિકારક પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પડવાને કારણે તથા બાળકોની કુંઠિતમાં વધારો થવાને કારણે એકલા ભારતમાં આગામી છ મહિનામાં 3,00,000 બાળકો મોતને ભેટી શકે છે.