નવી દિલ્હીઃ ડૉ. આઘીએ કહ્યું કે, “પ્રત્યેક જીવન મહત્ત્વપૂર્ણ છે, પરંતુ વિશ્વના અન્ય દેશોમાં 1.3 અબજ જેટલી વિશાળ વસ્તી નથી. હવે વધુ મહત્ત્વપૂર્ણ, લોકોને આજીવિકા કેવી રીતે આપશો, તે વિચારવાનો સમય છે. અમેરિકામાં અમારા અનુભવની વાત કરીએ તો, અર્થવ્યવસ્થાને છેલ્લા ત્રિમાસિકમાં ભારે ફટકો પડ્યો છે, આર્થિક વિકાસ 4.8 ટકા જેટલો ઘટ્યો છે, જ્યારે પ્રોત્સાહન પેકેજ લાખો કરોડ ડોલરનું છે. ભારતનું પ્રોત્સાહન પેકેજ અત્યંત ઓછું છે. માપાંકન અને અર્થવ્યવસ્થા ધીમે ધીમે સુગમ કરવામાં આવે તે માટે મહત્ત્વપૂર્ણ છે કે એક એવું પ્રોત્સાહન પેકેજ જાહેર થાય જેનાથી નાગરિકો, વેપારી સમુદાયનો વિશ્વાસ વધે, પરંતુ નાનાં એકમો અને નાના છૂટક વિક્રેતાઓ ઉપર વધુ ધ્યાન અપાયું હોય એ અગત્યનું છે. જો તેઓ ડૂબવા માંડશે, તો અર્થતંત્રને આગામી 6-12 મહિનામાં બેઠું કરવું મુશ્કેલ બની જશે.”
ભારતને અચાનક દેશવ્યાપી લોકડાઉનની આવશ્યકતા હતી કે નહીં અને તે કેટલો લાંબો સમય ચાલુ રહેવું જોઈએ, તે વિશે પૂછતાં ડૉ. આઘીએ જણાવ્યું કે, “વડાપ્રધાન મોદીએ અસાધારણ કામ કરી બતાવ્યું છે, અમલદારશાહીએ સુકાન સંભાળ્યું અને વધુ મહત્ત્વનું કે નાગરિકોએ હાકલ ઝીલી લીધી, સહુ સાથે મળ્યા અને લોકડાઉન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ અત્યંત અસરકારક નીવડ્યુ અને તેનાં સકારાત્મક પરિણામો મળ્યાં, પરંતુ હવે તેને ધીમે ધીમે હળવું કરવાનો સમય થઈ ગયો છે. તમે નાગરિકો અને અર્થતંત્રને લોકડાઉનમાં બાંધીને આજીવિકાને પ્રભાવિત ન કરી શકો, કેમકે ભારત 60 ટકા વપરાશ આધારિત અર્થવ્યવસ્થા છે. જો તમે એ વપરાશ બંધ કરી દો તો અર્થતંત્ર સંપૂર્ણ પણે ઠપ થઈ જશે. એટલે, તમારે તેને ધીમે ધીમે કાર્યાન્વિત કરવું પડસે. લોકડાઉનને લાગેવળગે છે, ત્યાં સુધી અમેરિકા તેનો અસરકારક અમલ ન કરી શક્યું. અમે આનાથી વધુ અસરરકારક કામ કરી શકત. અત્યારે અમેરિકામાં વિયેતનામ સાથેના યુદ્ધમાં થયેલાં મોત કરતાં કોરોના વાયરસને કારણે થયેલાં મોતનો આંકડો ઊંચો છે. એટલે, લોકડાઉનના મુદ્દે અત્યંત અસરકારક કાર્યદક્ષતા દર્શાવનારા ભારતની સરખામણીએ અમેરિકાને પ્રથમ પાંચમાં પણ ગ્રેડ મળે તેમ નથી.”
તેમણે વધુને વધુ ચીજવસ્તુઓને આવશ્યક માલસામાનની શ્રેણીમાં સ્થાન મળવા માંડ્યું છે, તે સકારાત્મક સંકેત હોવાનો આશાવાદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આગામી બેથી ચાર સપ્તાહમાં ભારતમાં લોકડાઉન નોંધપાત્ર રીતે ખૂલ્યું હશે.
મહામારી માટે ચીનને જવાબદાર ઠેરવવા વિશેના સવાલના પ્રત્યુત્તરમાં ડૉ. આઘીએ જણાવ્યું કે અમેરિકામાં મિસૂરી રાજ્યે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી ઉપર કેસ માંડ્યો છે, જે દર્શાવે છે કે વૈશ્વિક સમુદાય આ મહામારી ફેલાવવા માટે બીજિંગને જવાબદાર ગણવાનો પ્રયાસ કરશે. જોકે, ડૉ, આઘીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતે આ કટોકટીનો સકારાત્મક દિશામાં ઉપયોગ કરવો જોઈએ અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પગપેસારો કરી લેવો જોઈએ.
તેમણે જણાવ્યું કે “ભારતે તેના નીતિ ઘડતરમાં પારદર્શક અને અનુમાન બાંધી શકાય તેવા રહેવું પડશે. તેણે ફક્ત બજારની પહોંચ આપવી પડશે, એટલું જ નહીં, પરંતુ બજારમાં સ્પર્ધાત્મક માહોલ પણ પૂરો પાડવો પડશે. વોલમાર્ટ જ્યારે ભારતમાં આવી અને ફ્લિપકાર્ટને ખરીદી લીધી, ત્યારે શું થયું ? બે સપ્તાહ બાદ તેમણે નીતિ બદલી. આંધ્ર પ્રદેશમાં સરકાર બદલાઈ અને નવી સરકારે તમામ કોન્ટ્રેક્ટ્સ સંપૂર્ણપણે ઉલટાવી નાંખ્યા, ત્યારે શું થયું ? કરારની પવિત્રતા જળવાવી જોઈએ. કોર્પોરેટ ટેક્સ ઘટાડીને ભારતે ઘણું સારું પગલું લીધું, કરવેરા ઘટતાં ઉત્પાદકો પણ ભાવ ઘટાડવા લાગ્યા. પરંતુ ભારતે હજુ શ્રમ કાયદા, જમીન સુધારા બાબતે પણ વિચારવું પડશે. જો વિયેતનામ, કમ્બોડિયા અને અન્ય ભૌગોલિક પ્રદેશો સાથે સ્પર્ધા કરીએ, તો આપણે આ તમામ પાસાંઓ ઉપર ફેરવિચાર કરવો અને તેને આગળ ધપાવવામાં શાણપણ હોવાની ખાતરી કરવી, એ મહત્ત્વપૂર્ણ છે.”