અનામતની લક્ષ્મણ રેખા - વાંચન વિશેષ
મહારાષ્ટ્રમાં મરાઠાઓને અપાયેલી અનામતને રદ કરીને અને તેને ગેરબંધારણીય ગણાવીને સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે અને સૌને ચોંકાવી દીધા છે. કેટલાક શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકરોએ ઉઠાવેલાને વાંધાઓના સંદર્ભમાં છેલ્લા બે વર્ષથી આ મામલો અદાલતમાં હતો.
ન્યૂઝ ડેસ્ક: મહારાષ્ટ્રમાં મરાઠાઓને અપાયેલી અનામતને રદ કરીને અને તેને ગેરબંધારણીય ગણાવીને સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે અને સૌને ચોંકાવી દીધા છે. કેટલાક શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકરોએ ઉઠાવેલાને વાંધાઓના સંદર્ભમાં છેલ્લા બે વર્ષથી આ મામલો અદાલતમાં હતો અને ગાજી રહ્યો હતો.
જૂન 2019માં મુંબઈ હાઈ કોર્ટે મરાઠા અનામતની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને જણાવ્યું હતું કે સરકારી નોકરીઓમાં 13 ટકા, જ્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે 12 ટકા અનામત રહેશે. મહારાષ્ટ્ર સરકારે કાયદો પસાર કર્યો ત્યારે 16 ટકા અનામત આપવામાં આવી હતી. સરકારે ગાયકવાડ પંચ બેસાડ્યું હતું અને તેની ભલામણ પ્રમાણે મરાઠાઓને અલગથી અનામત આપવાનો કાયદો બનાવાયો હતો.
આ મામલાની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે સવાલ ઊઠાવ્યો હતે કે “કેટલી પેઢી સુધી અનામત ચાલુ રાખવી પડશે?” આખરી ચુકાદો આપતી વખતે અદાલતે જણાવ્યું કે મરાઠા અનામતને કારણે સમાનતાના સિદ્ધાંતનો ભંગ થાય છે. તેના કારણે ન્યાયાધીશોએ અરજદાર કરેલી રજૂઆતને માન્ય રાખી કે રાજ્ય સરકારને કોઈ અધિકાર નથી કે તે પોતાની રીતે મરાઠાને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાહેર કરી દે.
અદાલતે આ ચુકાદો આપ્યો તેમાં બે અનામત વચ્ચે સ્પષ્ટ ભેદ કરવામાં આવ્યો છે - કેન્દ્ર સરકારે બંધારણીય સુધારો કરીને આર્થિક આધાર પર બિનઅનામત વર્ગને આપેલી અનામત અને મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને આપેલી અનામત. સાથે જ અદાલતે જણાવ્યું કે ઇન્દ્રા સાહની ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે 50 ટકાથી અનામત વધવી જોઈએ નહીં તેમ જણાવ્યું હતું તેના પર પુનઃવિચાર કરવાની કોઈ જરૂર નથી. આ મુદ્દાને વધુ મોટી ખંડપીઠને સોંપવાની જરૂર નથી એમ ન્યાયાધીશોએ જણાવ્યું.
આ રીતે ચુકાદો આપીને અદાલતે કેટલીક બાબતોને સ્પષ્ટ કરી છે. અદાલતે ચુકાદમાં જે જણાવ્યું છે તેના પડઘા દેશભરમાં ઘણી બધી બાબતો પર પડશે. અદાલતે જણાવ્યું કે ગાયકવાડે પંચે અથવા હાઈ કોર્ટે બેમાંથી એકેય એવી કોઈ વિશેષ સ્થિતિ હોવાનું જણાવ્યું નથી કે જેના કારણે મરાઠાઓને અનામત આપીને 50થી વધારે અનામત ના આપવાના નિયમમાં અપવાદ કરી શકાય.
બંધારણમાં અનામત આપવામાં આવી ત્યારે તેની પાછળનો મૂળ હેતુ પેઢીઓથી શોષિત રહેલા અને વંચિત રહી ગયેલા વર્ગના લોકોને થોડા સમય માટે સમર્થન અને સહાય આપવાનો હતો. આ પછાત વર્ગના લોકોના કલ્યાણ માટે બંધારણમાં આ જોગવાઈ કરવામાં આવી હતી. બંધારણના ઘડવૈયા ડૉ. બી. આર. આંબેડકરે કહ્યું હતું કે નોકરીઓમાં અને શિક્ષણમાં 70 ટકા તકો માત્ર અમુક જ વર્ગના લોકોને મળી જાય તેવું કરવું એ સત્તાનો સૌથી મોટો દુરુપયોગ હશે.
પરંતુ વાસ્તવમાં અનામતથી શું ફાયદો થયો? સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે કુલ અનામતનું પ્રમાણ 50 ટકાથી વધવું જોઈએ નહીં, અનામતનું રાજકારણ ચાલતું જ રહ્યું છે. રાજ્યમાં સામાજિક રીતે શક્તિશાળી જૂથ અનામતની માગણી કરે અને રાજકીય પક્ષો તેને અનામત આપી દે તેવું થતું રહ્યું.
જોકે આ કાયદાકીય અને બંધારણીય મર્યાદા છતાંય તામિલનાડુમાં 69 ટકા અનામત છે, કેમ કે તે માટે બંધારણીય પગલાં લેવાયા હતા. મહારાષ્ટ્રમાં પણ મરાઠા અનામતને બાદ કરો તો 52 ટકા અનામત હતી જ. બીજા રાજ્યોમાં પણ અનામત વધારવાના પ્રયાસો થયા છે. મેઘાલયે પણ કહેલું કે 50 ટકા કરતાં વધારે અનામતની જોગવાઈ હોવી જોઈએ, કેમ કે તેમના રાજ્યમાં આદિવાસીઓની વસતિ 85.9 ટકા છે.
અનામતની ટોચ મર્યાદામાં અપવાદ કરીને વધારે અનામત આપવાના કારણે અસમાનતા વધશે એવું જણાવીને સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે એ સવાલ પણ રાજ્ય સરકારો સામે ઊઠાવ્યો છે - શું પછાત વર્ગોને લાભ આપવા માટે એક માત્ર અનામત જ ઉપાય છે? અદાલતે આ બાબતમાં કરેલી ટીપ્પણી પર વિચાર કરવા જેવો છે.
રાજ્ય સરકારોએ સમયાંતરે ઓબીસીની યાદીમાં જ્ઞાતિઓ ઉમેરવાનું ચાલુ રાખ્યું છે, પરંતુ આ જ્ઞાતિનું કલ્યાણ થાય તેવા વાસ્તવિક પગલાં ભાગ્યે જ લીધાં છે. એ ઉઘાડું રહસ્ય છે કે પછાત વર્ગો માટે જાહેર કરવામાં આવતી યોજનાઓનો ક્યારેય અમલ કરવામાં આવતો નથી.
મરાઠા અનામતના મુદ્દે ચર્ચા દરમિયાન સર્વોચ્ચ અદાલતે એવું પણ સૂચન કર્યું કે શા માટે શિક્ષણ સંસ્થાઓ સ્થાપીને વંચિત વર્ગોમાં શિક્ષણ વધે તે માટે પ્રયાસો કરવામાં નથી આવતા. સર્વોચ્ચ અદાલતે કરેલું આ સૂચન રાજ્ય સરકારોએ ગંભીરતાથી લઈને અમલમાં મૂકવા જેવું છે. લોકો પગભર થઈ શકે તે રીતે અનામત યોજનાનો અમલ થાય તો જ રાષ્ટ્રને ફાયદો થશે. જ્ઞાતિજાતિના ભેદભાવ વિના સૌ કોઈ સશક્ત થાય તેવું થાય ત્યારે જ સાચો ન્યાય થશે.