નવી દિલ્હી: “શ્રુંગલાની બાંગ્લાદેશ મુલાકાત પાછળ તીસ્તા જળના મામલાનો એજન્ડા હોવો જોઇએ,” તેમ ભારત-બાંગ્લાદેશના સબંધોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરનારા એક નિરીક્ષકે નામ ન આપવાની શરતે ઇટીવી ભારતને જણાવ્યું હતું.
“ભારત તેમને જણાવતું હોવું જોઇએ કે, અમને તમારી ચિંતા છે,” તેમ તેમણે જણાવ્યું હતું.
માર્ચ મહિનામાં લાદવામાં આવેલાં મહામારી સંબંધિત નિયંત્રણો બાદ શ્રુંગલાનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હતો. મંગળવારે તેઓ ઢાકા પહોંચ્યા હતા અને બુધવારે બાંગ્લાદેશના વિદેશ સચિવ મસુદ બિન મોમેન સાથેની મિટિંગ બાદ તેમણે માધ્યમોને જણાવ્યું હતું કે, ભારત કોવિડ-19ની રસી, જે અત્યારે ત્રીજા સ્ટેજની ટ્રાયલ પર છે, તે બાંગ્લાદેશને પ્રાથમિકતાના ધોરણે આપશે.
“જ્યારે રસી વિકસાવવામાં આવશે, ત્યારે મિત્રો, ભાગીદારો અને પાડોશીઓ વિના કહ્યે તે મેળવશે... અમારા માટે બાંગ્લાદેશ હંમેશાં પ્રાથમિક રહ્યું છે,” તેમ પોતાની ટૂંકી મુલાકાતને “અત્યંત સંતોષજનક” ગણાવતાં શ્રુંગલાએ જણાવ્યું હતું.
ભારતીય વિદેશ સચિવ શ્રુંગલા અગાઉ બાંગ્લાદેશમાં ભારતીય હાઇ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, વિશ્વની કુલ પૈકીની 60 ટકા વેક્સિન્સ (રસી)નું ઉત્પાદન કરનાર ભારત વ્યાપક સ્તરે રસીનું ઉત્પાદન કરવાના ઉદ્દેશ સાથે રસીની ટ્રાયલના તબક્કે પહોંચી ચૂક્યું છે.
આ તરફ મોમેને જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ ભારતને તેના દેશમાં રસીનું પરીક્ષણ શરૂ કરવા માટેની સહાય પૂરી પાડવા માટે સજ્જ છે.
“તેમણે (ભારતે) આપણને જણાવ્યું છે કે, રસી માત્ર ભારત માટે જ નહીં બનાવાય, બલ્કે બાંગ્લાદેશ માટે આ રસી પ્રાથમિકતાના ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવશે,” તેમ તેમણે જણાવ્યું હતું.
મહામારી ફાટી નિકળ્યા બાદ ભારતે બાંગ્લાદેશને પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ), આરોગ્યલક્ષી અન્ય ઉપકરણો અને દવાઓ પૂરાં પાડ્યાં હતાં.
મોમેને મંગળવારે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ તમામ ઉપલબ્ધ રસીની પ્રાપ્યતા મેળવવા માંગે છે, પછી તે રસી ચીનની હોય, રશિયન હોય કે અમેરિકન હોય.
શ્રુંગલા ઢાકા પહોંચ્યા, ત્યાર બાદ મંગળવારે રાત્રે તેમણે બાંગ્લાદેશના વડાપ્રધાનને ફોન કર્યો હતો અને દક્ષિણ એશિયાના આ બે પાડોશી દેશો વચ્ચેનું દ્વિપક્ષી જોડાણ વધુ મજબૂત કરવાના ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ બાંગ્લાદેશના વડાપ્રધાનને પહોંચાડ્યો હતો.
મોમેન સાથેની બુધવારની મિટિંગ બાદ શ્રુંગલાએ હસીના સાથેની તેમની એક કલાક લાંબી ચાલેલી મિટિંગનો સંદર્ભ ટાંકતાં જણાવ્યું હતું કે, મોદીએ મહામારીના સમયગાળામાં પણ ભારત-બાંગ્લાદેશ વચ્ચેના ઉત્કૃષ્ટ સબંધોને આગળ ધપાવવા માટે તેમને મોકલ્યા છે.
“મારૂં અહીં આવવા પાછળનું પ્રયોજન એ છે કે, અમારા વડાપ્રધાનનું માનવું છે કે કોવિડના સમયગાળા દરમિયાન ખાસ સંપર્ક ન હોવા છતાં સબંધ અકબંધ રહેવો જોઇએ,” તેમ તેમણે જણાવ્યું હતું.
“આપણે આપણા મજબૂત દ્વિપક્ષી સબંધો તરફ આગળ વધવાનું યથાવત્ રાખવું જોઇએ અને હું મુખ્યત્વે તે હેતુથી અહીં આવ્યો છું."
ભારત બાંગ્લાદેશનું મોટું વિકાસ સહાય ભાગીદાર છે અને બંને પક્ષો નાગરિકો વચ્ચેના જોડાણને વેગ આપવા ઉપરાંત જોડાણના વિશાળ પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યા છે.
બંને દેશોએ બાંગ્લાદેશની સ્થાપના કરનારા નેતા શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દિ – મુજીબ બોર્ષોની ઊજવણી કરવા માટે 2020-21માં શ્રેણીબદ્ધ કાર્યક્રમો પણ તૈયાર કર્યા છે. આ ઉપરાંત, ભારત અને બાંગ્લાદેશ, બંને દેશો આગામી વર્ષે રાજનીતિક સબંધોનાં 50 વર્ષની પણ ઊજવણી કરશે.
જોકે, શ્રુંગલાની મુલાકાતમાં કોવિડ-19ની રસી વિકસાવવા અંગે બંને દેશો વચ્ચેના સહકાર પર ભાર મૂકવામાં આવ્યો હતો, તેમ છતાં લડાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદીય તંગદિલી પ્રવર્તી રહી છે, ત્યારે બાંગ્લાદેશ પર ચીનના વધી રહેલા પ્રભાવને પગલે વિદેશ સચિવની બાંગ્લાદેશની આકસ્મિક મુલાકાત મામલે વ્યાપક અટકળો વહેતી થઇ છે.
બાંગ્લાદેશની રાષ્ટ્રીય મેડિકલ રિસર્ચ એજન્સીએ અગાઉ ચીનના સિનોવેક બાયોટેક લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલી કોવિડની સંભવિત રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણની મંજૂરી આપી હતી, પરંતુ હવે આ મંજૂરીને મોકૂફ રાખવામાં આવી છે.
બાંગ્લાદેશને તીસ્તા પાણીનાં જળના વ્યવસ્થાપન માટે આશરે એક અબજ ડોલર જેટલી લોન આપવાનો ચીનનો નિર્ણય ભારત માટે માથાનો દુખાવો બન્યો છે. કોઇ દક્ષિણ એશિયન દેશના નદીના જળના વ્યવસ્થાપના મામલામાં ચીન સંકળાયું હોવાનો આ પ્રથમ બનાવ છે.
બાંગ્લાદેશ ભારતના નિકટતમ પાડોશીઓ પૈકીનું એક હોવા છતાં તીસ્તા નદીના પાણીની વહેંચણી બંને દેશો માટે દાયકાઓથી અત્યંત વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે.
2011માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંઘે ઢાકાની મુલાકાત લીધી, તે દરમિયાન ભારત અને બાંગ્લાદેશ તીસ્તા નદીના પાણીની વહેંચણી અંગેની સંધિ પર હસ્તાક્ષર કરવાની વેતરણમાં જ હતા, પરંતુ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નોંધાવેલા વિરોધને પગલે છેલ્લી ઘડીએ આ સંધિ અભેરાઇએ ચઢાવી દેવાઇ હતી.
તીસ્તા નદીનું ઉદ્ભવ સ્થાન પૂર્વીય હિમાલયમાં આવેલું છે અને બાંગ્લાદેશમાં પ્રવેશતાં પહેલાં આ નદી ભારતનાં સિક્કિમ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાંથી વહે છે. આ નદી મુખ્યત્વે બાંગ્લાદેશના મેદાનોમાં પૂર આવવા પાછળનો સ્રોત હોવા છતાં શિયાળાના લગભગ બે મહિના આ નદી સૂકાઇ જાય છે.
બાંગ્લાદેશે ભારત-બાંગ્લાદેશ વચ્ચેની સરહદ નજીક ફરક્કા બેરેજ ખાતે સપાટીના જળની વહેંચણી કરવા માટેની સંધિ – ગંગા વોટર ટ્રિટી, 1996ને પગલે ભારત પાસેથી તીસ્તા નદીનાં જળની સમાન વહેંચણીની માગણી કરી છે.
ભારતનાં રાજ્યો વ્યક્તિગત ધોરણે આંતર સરહદીય સંધિઓ પર નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે, જેને પગલે પશ્ચિમ બંગાળ તીસ્તા સંધિનું સમર્થન કરવાથી દૂર રહ્યું છે. પશ્ચિમ બંગાળનું આ વલણ ભારતની વિદેશી નીતિ માટે અડચણરૂપ બની રહ્યું છે.
હવે, બાંગ્લાદેશે ગ્રેટર રંગપુર પ્રાંતમાં તીસ્તા રિવર કોમ્પ્રિહેન્સિવ મેનેજમેન્ટ એન્ડ રિસ્ટોરેશન પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને આ માટે ચીન પાસેથી 853 મિલિયન ડોલરની લોનની માગણી કરી છે. ચીને આ લોન આપવા સંમતિ દર્શાવી છે. 983 મિલિયન ડોલરના મૂલ્યના આ પ્રોજેક્ટ હેઠળ તીસ્તા નદીના જળનો સંગ્રહ કરવા માટે વિશાળ જળ એકમનું નિર્માણ કરવાનો ઉદ્દેશ છે.
“જો ભારતને એમ લાગે કે, આ (ચીનનું ધિરાણ મેળવીને તૈયાર કરવામાં આવનારો તીસ્તા વોટર્સ) પ્રોજેક્ટ આપણા દેશની સુરક્ષાનાં હિતો માટે વિપરિત અસરો ઊપજાવનારો બની રહેશે, તો કેન્દ્ર સરકારે પ્રતિકારક પગલાં વિચારવાં પડશે,” તેમ નિરીક્ષકે નોંધ્યું હતું.
આ ઉપરાંત ચીન ભારતના આ પૂર્વીય પાડોશી દેશના સંરક્ષણ પ્રોજેક્ટ્સને પણ વેગ આપી રહ્યું છે, જેમાં પેકુઆ, કોક્સિસ બઝારમાં બીએનએસ શેખ હસિના સબમરિન બેઝ બાંગ્લાદેશ નૌકા દળને બે સબમરિન આપવાનો સમાવેશ થાય છે.
નવી દિલ્હી માટે ચિંતાનો અન્ય એક વિષય એ છે કે, વડાંપ્રધાન શેખ હસિનાએ ચીનના પ્રમુખ ઝી જિનપિંગના પેટ બેલ્ટ અને રોડ ઇનિશિએટિવ (બીઆરઆઇ)નો પણ સ્વીકાર કર્યો છે. ભારતે બીઆરઆઇનો ભાગ બનવાનો ઇનકાર કરી દીધો છે, કારણ કે, બીઆરઆઇના ચાવીરૂપ પ્રોજેક્ટ્સ પૈકીનો એક પ્રોજેક્ટ – ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાંથી પસાર થાય છે.
ભારત દક્ષિણ એશિયાના તમામ દેશોમાંથી બાંગ્લાદેશ સાથે સૌથી નિકટતાપૂર્ણ સબંધ ધરાવતું હોવા છતાં, ઢાકાએ બંગાળના અખાતમાં ચીનને તેના મેરિટાઇમ મેનેજમેન્ટ પ્લાનમાં મદદ કરવા માટે સંમતિ આપી છે.
“હું માત્ર એટલું જ કહી શકું કે, બાંગ્લાદેશ પર ચીનનો પ્રભાવ વધી રહ્યો છે અને ઢાકા હવે ચાઇના કાર્ડ રમી રહ્યું છે,” તેમ નિરીક્ષકે ઇટીવી ભારતને જણાવ્યું હતું.
- અરૂણિમ ભુયાન