ગુજરાત

gujarat

ETV Bharat / opinion

નાનાં એકમોને પ્રોત્સાહનની જરૂર છે - etv bharat opinion

ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘે થોડા સમય પહેલાં જ ચેતવણી આપી છે કે ભારત સામે દેવાંની કટોકટી સર્જાય તેવી સંભાવના છે. ભારતના આર્થિક સુધારામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા ડૉ. સિંઘની ટિપ્પણી ખૂબ સુસંગત છે. કટોકટીની અસરથી નાનાં અને મધ્યમ કદનાં એકમો ડૂબી જશે તેવી તેમની ચેતવણી નકારી શકાય તેમ નથી. કોવિડ-19 મહામારી ફેલાઈ તે પહેલાંથી જ કટોકટીની ગંભીર અસરનો સામનો કરી રહેલાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો (એમએસએમઈ) ઉપર ટાળી ન શકાય તેવાં સંજોગોને કારણે લાદવામાં આવેલા લોકડાઉનથી મરણતોલ ફટકો પડ્યો હતો.

નાનાં એકમો
નાનાં એકમો

By

Published : Mar 8, 2021, 5:27 PM IST

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ અગાઉ એ વાતની પુષ્ટિ કરી હતી કે એમએસએમઈ એકમો ટકી રહેવા માટે પ્રવાહની સામે તરી રહ્યાં છે. મહામારીના સમયમાં પણ એમએસએમઈને કોઈ સહાય મળી ન હતી. ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીસે એવું તારણ આપ્યું છે કે કેન્દ્ર સરકારનું પેકેજ નાનાં એકમોને પુનર્જીવન આપવામાં નિષ્ફળ ગયું છે, જે એમએસએમઈની દુર્દશાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.

અભ્યાસોમાં એવું તારણ નીકળ્યું છે કે નાનાં એકમોને રૂા. 45 લાખ કરોડની સહાયની આવશ્યકતા છે. જોકે, બેન્કો જરૂરી સહાયના 18 ટકાથી પણ ઓછી મદદ કરી શકે તેમ છે. નાનાં એકમોનાં રોકાણો મર્યાદિત હોવા છતાં તે દેશના આર્થિક વિકાસમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. આ એકમો 11 કરોડથી વધુ રોજગાર પૂરો પાડે છે, એટલું જ નહીં, પરંતુ તેઓ અનેક પ્રકારની ચીજવસ્તુઓનું ઉત્પાદન પણ કરે છે. તેમના કટોકટીના સમય દરમ્યાન આ એકમો આતુર અને આજીજીભરી નજરે મદદ માટે રાહ જોઈ રહ્યાં છે. આ ક્ષેત્રને મદદ કરવી એ રાષ્ટ્રના હિતમાં છે તે સમજીને સુધારાનાં તાત્કાલિક પગલાં લેવાં જરૂરી છે.

સંબંધિત મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં 6.3 કરોડ નાનાં એકમો છે અને આ એકમો રાષ્ટ્રના કુલ ઘરેલુ ઉત્પાદનમાં 30 ટકા હિસ્સો આપી રહ્યા છે. પાડોશી દેશ ચીનમાં 3.80 કરોડ નાનાં અને મધ્યમ એકમો છે, જે તે દેશની જીડીપીમાં 60 ટકા હિસ્સો ધરાવે છે. ચીનમાં આ ક્ષેત્ર રોજગારની 80 ટકા તકો સર્જે છે. એક અનુમાન મુજબ, ચીનમાં દરરોજ 16,000થી 18,000 જેટલી નવી કંપનીઓ સ્થપાય છે. આવા પ્રોત્સાહક માહોલના અભાવને કારણે ભારતમાં નાનાં એકમોએ ટકી રહેવા માટે સતત પ્રયાસો અને ભારે પરિશ્રમ કરવો પડે છે.

ચીનમાં જ નહીં, યુએસએ, જપાન અને સિંગાપોર જેવા દેશો પણ નાનાં અને મધ્યમ કદનાં એકમોને ટેકનોલોજીને લગતી તેમજ અન્ય પ્રકારની મદદ કરીને પ્રોત્સાહન આપી રહ્યા છે, કેમકે આ ક્ષેત્ર તેમનાં અર્થતંત્રોને જીવન આપનાર હોવાનું તેનું મહત્ત્વ સમજે છે. કેનેડા, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ જેવા દેશો પણ નાનાં એકમોને લાભ થાય તેવી નીતિઓ અમલમાં મૂકી રહ્યા છે. જર્મનીમાં રોજગારના વધુ સારા ચિત્રનું કારણ એ છે કે તે દેશે મિટલસ્ટેન્ડ તરીકે ઓળખાતાં પોતાનાં નાનાં અને મધ્યમ એકમોને પ્રોત્સાહન આપ્યું છે.

કેટલીક સમિતિઓએ પોતાના અહેવાલોમાં આપેલી ભલામણો છતાં આ ક્ષેત્રને નિયમિત અને સંસ્થાકીય ટેકો અપાતો નથી. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (સીઆઈઆઈ)એ મહામારીનો માર ઝીલી રહેલાં નાનાં એકમોને પુનઃજીવિત કરવાનાં સાધનો સૂચવ્યાં છે. તેણે લઘુ અને મધ્યમ એકમોને ત્રણ વર્ષ માટે તમામ નિયમો અને નિયમનોમાંથી અપવાદ આપવાની ભલામણ કરી છે. આ ક્ષેત્રનાં એકમોને 59 મિનિટમાં લોન મંજૂર કરી દેવામાં આવે છે, પરંતુ લોનની રકમ જે-તે એકમ સુધી પહોંચતાં લાંબો સમય રાહ જોવી પડે છે. નાણાંકીય પ્રોત્સાહનોની જાહેરાતમાં ગંભીરતાનો અભાવ જણાય છે.

કટોકટીભરી સ્થિતિમાંથી પસાર થઈ રહેલાં નાનાં એકમોને લાયકાત, કામદારોને કૌશલ્ય વિકાસની તાલીમ અને બજાર સાથેની કનેક્ટિવિટી સાથે સુસંગત હોય તે રીતે નાણાંકીય સહાય આપવી જરૂરી છે.

આ પણ વાંચો: રાંધણ ગેસના ભાવમાં અધધ વધારો

ABOUT THE AUTHOR

...view details