- એક મહિનાના ગાળામાં પેટ્રોલ અને ડિઝલના ભાવ દસ વાર વધ્યા
- બળતણના બે તૃતીયાંશ ભાવ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લાદેલી જકાત અને વેરા છે
- આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ મોટા પાયે તૂટ્યા હતા
ન્યુઝ ડેસ્કઃ સરકાર ભલે ગમે તેની હોય, પરંતુ પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં થતી વધઘટ સાથે સુસંગત રીતે બદલાતા હોવા જોઈએ. આમ છતાં જ્યારે પાંચ વિધાનસભાઓની ચૂંટણીઓ ચાલી રહી હતી, ત્યારે પેટ્રોલિયમ પેદાશોના ભાવો વધ્યા ન હતા, તે હકીકત જોતાં આ ભાવો ઉપર પણ રાજકારણનો પડછાયો પડ્યો હોય તેમ લાગે છે. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પેટ્રોલના ભાવ દર એકાંતરે દિવસે વધવા લાગ્યા હતા અને તેનાથી લોકોના ગજવાં ખાલી થવાં લાગ્યાં હતાં.
એક મહિનાના ગાળામાં પેટ્રોલ અને ડિઝલના ભાવ દસ વાર વધ્યા. પરિણામે, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાંક શહેરોમાં પેટ્રોલના ભાવે પ્રતિ લીટર રૂપિયા 100નો આંક પણ વટાવી દીધો. ઇંધણનું માર્કેટિંગ કરતી એજન્સીઓએ અગાઉની માફક જ ખુલાસો કર્યો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ વધીને 69 અમેરિકન ડોલર થઈ ગયા હોવાથી અમે નુકસાન સરભર કરવા પેટ્રોલ - ડિઝલના ભાવ વધાર્યા છે.
વર્ષ 2014માં જ્યારે એનડીએની સરકાર સત્તારૂઢ થઈ ત્યારે ક્રૂડ તેલનો આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 110 અમેરિકન ડોલર હતો. પરંતુ તે સમયે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 71 હતો અને ડિઝલ પ્રતિ લીટર રૂપિયા 57ના ભાવે વેચાઈ રહ્યું હતું. આ બન્ને સમયે તેની કિંમત સાથે સરખામણી કરવામાં આવે છે ત્યારે સામાન્ય માણસનો પેટ્રોલના હાલના ભાવ પાછળના તર્ક અંગેનો પ્રશ્ન વાજબી ઠરે છે કેમકે તે સમયે તો ક્રૂડ તેલનો પ્રતિ બેરલ 110 ડોલર ખર્ચ થતો હતો.
વડાપ્રધાન જ્યારે ભારતની ઉર્જા આયાતની નિર્ભરતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં પાછલી સરકારોને નિષ્ફળ ગણાવીને દોષ દે છે, ત્યારે તેઓ અર્ધસત્ય બોલે છે. એ નોંધવું જોઈએ કે કોવિડની મહામારી ફાટી નીકળી તે પહેલાં પેટ્રોલ ઉપર પ્રતિ લીટર ફક્ત રૂપિયા 19.98 એક્સાઈઝ ડ્યુટી હતી અને તે ક્રમશઃ વધારીને પ્રતિ લીટર રૂપિયા 32.98 કરવામાં આવી છે. તે જ રીતે, ડિઝલ ઉપરની એક્સાઈઝ ડ્યુટી આ જ ગાળામાં રૂપિયા 15.83થી વધારીને રૂપિયા 31.83 કરવામાં આવી છે. રાજ્ય સરકારોએ પણ બળતણના ભાવ ઉપર વેટ ઉમેરીને બળતામાં ઘી હોમ્યું છે. બળતણના બે તૃતીયાંશ ભાવ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લાદેલી જકાત અને વેરા છે. અર્થશાસ્ત્રીઓએ જણાવે છે કે જો પેટ્રોલિયમ ફ્યુઅલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 75 અને ડિઝલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 68 થશે. આ સલાહ માનવા જેવી છે.