નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ: ભવિષ્ય તરફ નજર
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ઘણો પ્રભાવિત કરનારો અને મહત્ત્વાકાંક્ષી દસ્તાવેજ છે અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઘડાયેલો આશાસ્પદ પ્રયાસ છે. સમિતીના કેટલાક સભ્યો સાથે મુલાકાત અને ચર્ચા પછી શિક્ષણ નીતિમાં ભવિષ્યલક્ષી પ્રયાસોની મને નવાઈ લાગી નથી – ભવિષ્યલક્ષી ઝોક સહજ અને અપેક્ષિત લાગે છે. મને જે નિષ્ણાતો સાથે ચર્ચા કરવાની તક મળી હતી, તેમાં જાણીતા વિજ્ઞાની ડૉ. કે. કસ્તુરીરંગન, બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના અનુભવ સાથેના શિક્ષણશાસ્ત્રી ડૉ. એમ.કે. શ્રીધર મકામનો સમાવેશ થાય છે. મકામ હાલમાં બેંગાલુરુમાં ઉચ્ચ શિક્ષણમાં સંશોધન અને નીતિવિષયક સંસ્થાના વડા તરીકે પણ કામ કરે છે. જોકે સૌથી વધુ ધ્યાન ખેંચનારા સભ્ય છે પ્રિન્સેટનના મેથેમેટિક્સના પ્રોફેસર મંજુલ ભાર્ગવ. ફિલ્ડ્સ મેડલ મેળવનારા ભાર્ગવ પોતાની ગણિતની કુશળતા માટે બારતના શાસ્ત્રીય સંગીત માટેના પોતાના પ્રેમને ક્રેડિટ આપે છે.
જોકે ભારત જેવા વિશાળ દેશને ભવિષ્યની કોઈ દિશામાં લઈ જવો તે બહુ મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે અને તેથી તેને કેટલી સફળતા મળશે તેનો આધાર, તેની પાછળ કેટલા સ્રોતો ફાળવવામાં આવે છે અને કેટલાનો સહકાર મળે છે તેના પર છે. હંમેશા કહેવાતું હોય છે તે પ્રમાણે: કેટલો સારી રીતે અમલ થાય છે તેના આધારે જ નીતિનું મૂલ્યાંકન થતું હોય છે.
ઉચ્ચ શિક્ષણની બાબતમાં કેટલીક બાબતો તરત જ ધ્યાનાકર્ષક બની છે.
સૌ પ્રથમ તો જુદા જુદા પ્રવાહો વચ્ચે જે જડ પ્રકારનું વિભાજન કરીને રખાયું છે તેની આકરી ટીકા કરવામાં આવી છે. આપણા જેવા જેમણે પણ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો છે, તેમને ખ્યાલ છે કે કઈ રીતે જુદા જુદી વિદ્યાશાખાઓને જડ રીતે જુદી પાડી રાખવામાં આવી છે. વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન એમ ત્રણ ચોકઠા હાઈ સ્કૂલથી જ પાડી દેવામાં આવે છે અને પછી તેના આધારે જ તમારી કારકીર્દિ અને જીવન મર્યાદિત પ્રવાહમાં બંધાઈ જાય છે.
દેખીતી રીતે જ પરીક્ષાલક્ષી બ્રિટિશ સામ્રાજ્ય વખતની શિક્ષણ પદ્ધતિને ચાલુ રાખવામાં આવી છે. આ લંડન યુનિવર્સિટીની પદ્ધતિ છે, ઓક્સબ્રીજની પદ્ધતિ નથી. આ પદ્ધતિ પાછળનો હેતુ ઘઉંવર્ણા માણસને અંગ્રેજો માટે લાયક ક્લર્ક બનાવવાનો હતો. આજ સુધી આ રીતી ચાલતી આવી છે. દરમિયાન દુનિયા બદલાઈ ગઈ અને 21 સદીમાં સ્ટેનફોર્ડના માર્ગે ચાલવા લાગી છે, જ્યાં ગણિત, સંગીત અને સાહિત્ય તેની લેબ્સ અને વિભાગોમાં સાથેસાથે જ ચાલતા રહે છે. આ સંસ્કૃત્તિએ સિલિકોન વૅલીને ધબકતી રાખી છે.
નવી શિક્ષણ નીતિમાં વિદ્યાશાખાઓ વચ્ચે સામંજસ્ય સાધવાની કોશિશ કરવામાં આવી છે. આખરે ભારતનું ઉચ્ચ શિક્ષણ 21મી સદીની નવીન જ્ઞાનલક્ષી અર્થતંત્રની જરૂરિયાત તરફ જાગ્યું છે ખરું.
સંશોધન અને અભ્યાસને સાથે જોડે તે પ્રકારની એકથી વધુ પ્રવાહોની યુનિવર્સિટીઓ પર નવી શિક્ષણ નીતિમાં ભાર મૂકવામાં આવ્યો છે. માત્ર વિદ્યાશાખાઓ વચ્ચે વિસંવાદ નહિ, પણ અધ્યયન અને સંશોધન વચ્ચે પણ સ્પષ્ટ ભેદરેખા હતી તે પણ 19મી સદીના સામ્રાજ્યવાદનો જ વારસો હતી. સંશોધનનું કામ તે માટેની સંસ્થા, જેમ કે એશિયાટિક સૉસાયટી કે પછી વિજ્ઞાન કેન્દ્રોમાં ચાલતું હતું, જ્યારે અધ્યયનું કામ કૉલેજો પર છોડી દેવાયું હતું.
એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે તૈયાર કરેલા જર્મન મૉડલ પ્રમાણે સંશોધન અને અધ્યયનને સમાન મૂલ્ય અપાય છે. તેમાંથી પ્રેરણા લઈને 20મી સદીમાં અમેરિકાની ઉચ્ચ કક્ષાની યુનિવર્સિટીઓ તૈયાર થઈ. આપણી યુનિવર્સિટીઓમાં અમુક અપવાદ સિવાય આ બાબતનો તદ્દન અભાવ દેખાતો હતો. NEP 2020માં આ બાબતને ધ્યાને લેવાઈ છે અને તેમાં સંશોધન અને અધ્યયને જોડવાની વાત કરવામાં આવી છે.
જોકે એક જ સ્થળે સંશોધન અને અધ્યયનનું કામ શક્ય બને તે માટે ભારતમાં સંસ્થાઓના પ્રોફેશનલ લોકોની વિચારવાની દૃષ્ટિમાં ઘણા મોટા ફેરફારો કરવા પડશે. તે માટે સૌથી ઉચ્ચ કક્ષાએ સંશોધનની બાબતમાં મોટા પાયે ફેરફારો કરવા પડશે. સૂચિત નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ધાર્યા પ્રમાણે કામગીરી બજાવે તો આ સૌથી અગત્યની જરૂરિયાત પૂરી થઈ શકે છે.
આવા ઊંચા લક્ષ્ય સાથે સંશોધનમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણની, સંસાધનોની અને ફેક્ટલીને તૈયાર કરવાની પણ જરૂર પડશે. આ બાબતની નોંધ પણ NEPમાં લેવામાં આવી છે અને સ્પષ્ટપણે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણા દેશમાં સંશોધનની ગુણવત્તા અને તેના માટેની તાલીમનો એટલો અભાવ છે કે આ બાબત બહુ અગત્યની બની ગઈ છે. જોકે આવું પરિવર્તન રાતોરાત લાવવું શક્ય નથી, કેમ કે માત્ર વહિવટીતંત્ર બદલવાની વાત નથી, માનસિકતા બદલવાની વાત છે. એટલે કેટલી સફળતા મળશે તેની ધારણા બાંધવી મુશ્કેલ છે.
નવી શિક્ષણ નીતિમાં સૌથી અગત્યની બાબત છે ઉચ્ચ અભ્યાસમાં ડિગ્રી અભ્યાસક્રમમાંથી મુક્ત થવા માટેના જુદા જુદા વિકલ્પો. મને હંમેશા લાગ્યું હતું કે સર્વાંગી અંડરગ્રેજ્યુએટ અભ્યાસ માટે ચાર વર્ષનો અભ્યાસક્રમ જોઈએ. નવી નીતિમાં તે વાત હવે શક્ય બની છે. ચારેય વર્ષ દરમિયાન તેમાંથી એક્ઝિટના વિકલ્પો પણ અપાયા છે - ડિપ્લોમા, એડવાન્સ્ડ ડિપ્લોમા, અને 3 તથા 4 વર્ષે ડિગ્રી મળે. જોકે આ એટલું મોટું પરિવર્તન છે કે મને એમ કહેવાનું મન થાય કે તે જોખમી પણ બની શકે છે.
ચિંતા એ પણ થાય છે કે એક જ વર્ષનો કૉલેજનો અભ્યાસ પૂર્ણ કરીને વિદ્યાર્થી શું પ્રાપ્ત કરી શકશે? આપણા જમાનામાં પણ B.A./B.Sc/B.Com પાસ અને ઓનર્સ એ પદ્ધતિમાં ઓનર્સ વિના બે વર્ષ કૉલેજમાં ભણવું પડતું હતું. તે પણ બહુ ઓછું શિક્ષણ ગણાતું હતું. આશા રાખીએ કે એક જ વર્ષમાં એક અભ્યાસ પૂરો કરી દેવાની બાબતનો દુરુપયોગ ના થાય. તેના કારણે કૉલેજ અભ્યાસનું મામુલીકરણ ના થઈ જાય તે જોવું રહ્યું.
છેલ્લે નવી શિક્ષણ નીતિ હેઠળ આંતરરાષ્ટ્રીય (ટોપ 100 સ્ટાન્ડર્ડ રેન્કિંગ ધરાવતી) યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ માટેની મંજૂરી મળશે. આ બહુ મોટું પગલું છે - એક રીતે ભારતીય શિક્ષણનું ઉદારીકરણ કરવામાં આવ્યું છે. તેના સારા કે નકારાત્મક પરિણામો બહુ પડઘા પાડનારા હશે અને તેની ધારણા અત્યારે કરવી મુશ્કેલ છે. તેના કારણે સ્થાનિક ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રને શું અસરો થશે તે જોવાનું રહે છે. અમેરિકા અને યુકે જેવા દેશોની યુનિવર્સિટીઓને પણ સીધી અસર થશે, કેમ કે તેમની સામે અત્યારે અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. નાણાંકીય તંગી, ઘટતા બજેટ, ઓછા વિદ્યાર્થીઓ અને સરકારની આક્રમક નીતિઓ તેમને પણ નડી રહી છે.
વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર જ મોટા ભાગે આધાર રાખતી આ યુનિવર્સિટીઓએ ભારતમાં કેમ્પસ ખોલવું હોય તો મોટું રોકાણ કરવું પડે અને સાથે જ અન્યો સાથે જોડાણ કરવું પડે. સાથે જ તેના કારણે આવકનો નવો સ્રોત પણ શરૂ થઈ શકે છે. સિંગાપોરમાં Yale-NUS અને મધ્ય પૂર્વમાં ન્યૂ યોર્ક યુનિવર્સિટીના ઘણા બધા કેમ્પસ ખૂલ્યા છે. સ્વાભાવિક છે કે ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં ઉદારીકરણના આ પગલાં વિશે ટાઇમ્સ હાયર એજ્યુકેશને કવર સ્ટોરી કરી છે.
તેના કારણે સ્થાનિક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પર શું અસર થશે? શું તેના કારણે સ્થાનિક યુનિવર્સિટીઓ માટે સ્પર્ધા વધશે? શું તેમના માટે સ્પર્ધા બિનતંદુરસ્ત સાબિત થશે? શું વિદ્યાર્થીઓ મળતા બંધ થઈ જશે? શું તેનાથી લોકોનું ઉચ્ચ શિક્ષણ વિશેનો અભિગમ બદલાઈ જશે? પરિવર્તનની અસરો કોના પર જોવા મળશે? મર્યાદિત વર્તુળ પર જ અસર થશે? શું દેશના વિશાળ યુવાધન માટે તેનાથી કોઈ અર્થ સરશે?
આ બધા સવાલોનો જવાબ સમય જ આપી શકશે. ભવિષ્યલક્ષી આયોજન મહત્ત્વાકાંક્ષી છે, પણ તે મોંઘું પણ સાબિત થઈ શકે છે.
સૈકત મજુમદાર, અશોકા યુનિવર્સિટીના ક્રિએટિવ રાઇટિંગ વિભાગના વડા, પ્રોફેસર ઑફ ઇંગ્લીશ નવલકથાકાર અને વિવેચક પણ છે. તેઓ ભારત અને અમેરિકામાં ભણ્યા છે અને છેલ્લે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સહિત ત્યાંની ઘણી યુનિવર્સિટીમાં અધ્યાપન કર્યું છે.