ગુજરાત

gujarat

ETV Bharat / opinion

તબીબી ક્ષેત્રને બેઠું કરવાની ઉપચારની આવશ્યકતા છે - વાંચન વિશેષ

કોરોનાની પરિસ્થિતિએ ભારતની તબીબી સંસ્થાની મર્યાદા ઉઘાડી પાડી છે.તાજેતરમાં વિદેશ પ્રધાન શ્રી જયશંકરે વર્તમાન સમસ્યાની તેમની થિયરી પ્રસ્તુત કરી. તેમના મતાનુસાર, છેલ્લા સાડા સાત દાયકાથી આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે અપૂરતી બજેટ ફાળવણી જ સમસ્યાનું મૂળ છે. તેમણે જે કહ્યું તે સત્ય છે, પરંતુ એ પણ તથ્ય છે કે આરોગ્ય ક્ષેત્ર માટે બજેટરી ફાળવણીનું સ્તર એનડીએ શાસન દરમિયાન પણ કોઈ જુદું નહોતું.

તબીબી ક્ષેત્રને બેઠું કરવાની ઉપચારની આવશ્યકતા છે
તબીબી ક્ષેત્રને બેઠું કરવાની ઉપચારની આવશ્યકતા છે

By

Published : May 13, 2021, 9:53 PM IST

ન્યૂઝ ડેસ્ક: કૉવિડ કટોકટીએ દેશના ૧૩૯ કરોડ લોકોની આવશ્યકતાઓ પૂરી કરવા ભારતની તબીબી સંસ્થાઓની મર્યાદા ઉઘાડી પાડી દીધી. સર્વોચ્ચ ન્યાયાલયની બંધારણીય બેન્ચે સરકારની ટીકા કરતાં કહ્યું કે કૉવિડથી સુરક્ષા નાગરિકો માટે ભ્રામક છે. તાજેતરમાં અનેક રાજ્યોનાં ઉચ્ચ ન્યાયાલયોએ લોકોની જિંદગીની સુરક્ષા કરવામાં શાસનમાં રહેલા લોકોની નિષ્ફળતા માટે તેમને ફટકાર્યા.

તાજેતરમાં વિદેશ પ્રધાન શ્રી જયશંકરે વર્તમાન સમસ્યાની તેમની થિયરી પ્રસ્તુત કરી. તેમના મતાનુસાર, છેલ્લા સાડા સાત દાયકાથી આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે અપૂરતી બજેટ ફાળવણી જ સમસ્યાનું મૂળ છે. તેમણે જે કહ્યું તે સત્ય છે, પરંતુ એ પણ તથ્ય છે કે આરોગ્ય ક્ષેત્ર માટે બજેટરી ફાળવણીનું સ્તર એનડીએ શાસન દરમિયાન પણ કોઈ જુદું નહોતું.

કેન્દ્રીય તબીબી અને આરોગ્ય મંત્રાલયે ૨૦૨૧-૨૨ના વાર્ષિક બજેટ માટે રૂ. ૧.૨૧ લાખ કરોડની ફાળવણી માગી હતી. એક સંસદીય પ્રવર સમિતિનો અહેવાલ સ્પષ્ટપણે જણાવે છે કે કેન્દ્રએ આ મંત્રાલયની બજેટ આવશ્યકતામાં રૂ. ૫૦,૦૦૦ કરોડની કપાત મૂકી. જોકે, નાણા મંત્રીએ ગર્વભેર દાવો કર્યો કે બજેટમાં રૂ. ૨.૨૩ લાખ કરોડની ફાળવણી જાહેર આરોગ્ય અને સુખાકારી માટે કરાઈ છે. કરુણતા એ વાતની છે કે આ ફાળવણી પીવાના પાણીની પૂર્તિ, સફાઈ, વાયુ પ્રદૂષણ નિયંત્રણ અને અન્ય સેવાઓ સહિતના અનેક મુદ્દાઓને આવરી લેવા માટે છે. છેતરતો દાવો આ રીતે ઉઘાડો પડી જાય છે. આ ક્ષેત્રને સંપૂર્ણ રીતે અપૂરતી ફાળવણી આંતરમાળખાકીય સુવિધા, આપાતકાલીન સુધારાત્મક પગલાં અને સંશોધન માટે કંઈ છોડશે નહીં.

સંસદીય પ્રવર સમિતિએ આકરી ટીકા કરી કે આરોગ્ય સુરક્ષા માટે કેન્દ્રની ફાળવણી ક્ષુલ્લક છે. એમ કહેવાય છે કે આરોગ્ય ક્ષેત્ર માટે બજેટની આઠ ટકા ફાળવણી કરવાનું રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આહ્વાન કરતી રાષ્ટ્રીય નીતિનું આ અભિગમ સંપૂર્ણ ઉલ્લંઘન કરે છે. પેનલનાં અવલોકનો આરોગ્ય મોરચે દેશમાં પ્રવર્તતી અરાજક સ્થિતિનું પ્રતિબિંબ પાડે છે. કૉવિડના લીધે મોટી સંખ્યામાં મૃત્યુને આ પ્રકાશમાં જોવાં જોઈએ.

સ્વીડન અને જાપાન જેવા દેશો તેમના કુલ ઘરેલુ ઉત્પાદનના નવ ટકા આરોગ્ય ક્ષેત્રને ફાળવે છે જ્યારે ભારત માત્ર ૧.૪ ટકા જ ફાળવે છે. વર્લ્ડ બેન્કના આંકડા અને ઑક્સફામ અહેવાલ આરોગ્ય મોરચે ભારતના ખરાબ ટ્રેક રેકૉર્ડને સ્પષ્ટ રીતે ઉઘાડો પાડે છે. જર્મની, બેલ્જિયમ, યુકે અને સ્વીડન ગત અનેક દાયકાઓથી એકસમાન તબીબી કાળજી પૂરી પાડવાની યોજનાઓનો અમલ કરી રહ્યા છે. વિશ્વના ૧૯૬ દેશોમાં ભારત તબીબી ક્ષેત્ર માટે સરકારી ખર્ચ કરવાની રીતે ૧૫૮મા સ્થાને છે. વ્યક્તિદીઠ આરોગ્ય ખર્ચની આંતરરાષ્ટ્રીય સરેરાશ ૧૮ ટકા છે ત્યારે ભારતમાં આ હેતુ માટે સરેરાશ વ્યક્તિગત ખર્ચ ૬૩ ટકા છે.

પંચોતેરમો રાષ્ટ્રીય સેમ્પલ સર્વે સ્પષ્ટ રીતે કહે છે કે દેશના પરિવારના લગભગ ૮૦ ટકા મેડિકલ બિલ ચૂકવવાની તેમની અસમર્થતાના લીધે દેવાની જાળમાં ફસાય જાય છે. રાષ્ટ્રીય આરોગ્ય સુરક્ષા નીતિની ભાવનાનું ઉલ્લંઘન થાય છે, ત્યારે આપણે આજે અસંખ્ય હતભાગી જીવોના મૃત્યુ થતા જોઈ રહ્યા છીએ. વર્તમાન આરોગ્ય કટોકટીનાં મૂળ સરકાર દ્વારા અનુસરવાની નીતિમાં રહેલાં છે. જેમ સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું, પોષાય તેવી તબીબી સારવાર આરોગ્યના અધિકારનો અખંડ ભાગ છે. આરોગ્ય સુરક્ષા ત્યારે જ શક્ય બનશે જ્યારે યોગ્ય નીતિઓ ઘડવામાં આવશે અને આ ક્ષેત્રને પૂરતું ભંડોળ પૂરું પાડવામાં આવશે. રાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રને તાત્કાલિક નવજીવન આપે તેવા ઉપચારની આવશ્યકતા છે.

ABOUT THE AUTHOR

...view details