ગુજરાત

gujarat

By

Published : Dec 23, 2020, 2:57 PM IST

ETV Bharat / opinion

શું ભારતમાં કાનૂની સુધારા હંમેશા ‘સ્વપ્નવત જ રહેશે?’

ભારતના બંધારણે દેશના લોકોને સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય અપાવવાની ખાતરી આપી તે વાતને આજે સાત દાયકાનો સમય વહી ગયો છે, તેમ છતાં આજ દિન સુધી અનેક લોકો માટે ન્યાય મેળવવો એ ફક્ત એક કલ્પના પૂરતો સિમિત રહી ગયો છે. ન્યાય મેળવવો એ સ્વપ્ન સમાન બની ગયું છે તે વાસ્તવિકતાનો જીવતો જાગતો પૂરાવો છે દેશની કોર્ટોમાં ખડકાયેલા ફાઇલોના મોટા મોટા ઢગલા અને આ સ્થિતિ માટે સંખ્યાબંધ કારણો જવાબદાર છે.

ETV BHARAT
ભારતમાં કાનૂની સુધારા

ન્યૂઝ ડેસ્કઃ ભારતના બંધારણે દેશના લોકોને સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય અપાવવાની ખાતરી આપી તે વાતને આજે સાત દાયકાનો સમય વહી ગયો છે, તેમ છતાં આજ દિન સુધી અનેક લોકો માટે ન્યાય મેળવવો એ ફક્ત એક કલ્પના પૂરતો સિમિત રહી ગયો છે. ન્યાય મેળવવો એ સ્વપ્ન સમાન બની ગયું છે તે વાસ્તવિકતાનો જીવતો જાગતો પૂરાવો છે દેશની કોર્ટોમાં ખડકાયેલા ફાઇલોના મોટા મોટા ઢગલા અને આ સ્થિતિ માટે સંખ્યાબંધ કારણો જવાબદાર છે.

જે જવાબદાર કારણો છે તેમાં સૌથી મોટું કારણે છે દેશમાં આવેલી 25 હાઇકોર્ટોમાં રહેલી સંખ્યાબંધ ખાલી જગ્યાઓ. હાઇકોર્ટોના કુલ 1,074 જજોની મંજૂર કરાયેલી જગ્યાઓ પૈકી હજુ પણ 414 જગ્યાઓ ખાલી રહેવા પામી છે. સુપ્રીમ કોર્ટમાં પણ હજુ 4 જજની જગ્યાઓ વણપૂરાયેલી છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર દેશમાં આવેલા તમામ જિલ્લાઓના ડિસ્ટ્રિક્ટ જજોની મંજૂર કરાયેલી 24,225 જગ્યાઓ પૈકી હાલ ફક્ત 19,345 જજ કામ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના કાનૂન મંત્રાલયનું કહેવું છે કે, હાઇકોર્ટના પ્રત્યેક જજ હાલ 4,500 જેટલા પેન્ડિંગ કેસ સંભાળી રહ્યા છે જ્યારે પ્રત્યેક ડિસ્ટ્રિક્ટ જજ 1,300 જેટલા પેન્ડિંગ કેસ હાથ ધરી રહ્યા છે. જો કે, કેટલીક હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા લાખોમાં રહેલી છે.

બંધારણનો અનુચ્છેદ 224-એ કહે છે કે, કોઇપણ રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિની પૂર્વ-મંજૂરી સાથે તે કોર્ટમાં અથવા તો અન્ય કોઇપણ હાઇકોર્ટમાં જજનો કાર્યભાર સંભાળતી કોઇપણ વ્યક્તિને જે તે રાજ્યની હાઇકોર્ટના જજ તરીકે બેસીને કામ કરવાની વિનંતી કરી શકે છે. અરજદારે આ અનુચ્છેદના આધારે જ જજની નિમણૂક કરવાની હાઇકોર્ટ સમક્ષ દાદ માગી છે.

હાઇકોર્ટોમાં પેન્ડિંગ કેસોના ઢગલા એ કોઇ એક રાજ્ય પૂરતા સીમિત નથી. આ એક રાષ્ટ્રવ્યાપી સમસ્યા છે. હાલમાં દેશભરમાં 3 કરોડથી વધુ કેસોનો ભરાવો થયેલો છે અને દર વર્ષે 2 કરોડ નવા કેસ ફાઇલ થતાં જાય છે. આ સ્થિતિ જોઇને ન્યાયમૂર્તી વી.વી.રાવે એક દાયકા પહેલાં કહ્યું હતું કે, પેન્ડિંગ કેસોના જે ઢગલાં ખડકાયા છે તેનો નિકાલ લાવતા 320 વર્ષો લાગી જશે. આશ્ચર્યની વાત તો એ છે કે, આટલી હદ સુધીની કટોકટીભરી સ્થિતિ હોવા છતાં તેનો ઉકેલ લાવવા કોઇ પગલાં લેવાતા નથી. 2016ની મુખ્યપ્રધાનો અને જજોની વાર્ષિક સભાને સંબોધતા ભારતના તત્કાલિન મુખ્ય ન્યાયમૂર્તી ટી.એસ.ઠાકુરે આક્રોશપૂર્વક કહ્યું હતું કે, પેન્ડિંગ કેસોના ખડકાયેલા ઢગલાનો નિકાલ લાવવા દેશમાં 70,000 જજોની જરૂર પડશે. કાયદાપંચે પ્રત્યેક 10 લાખ લોકોની વસ્તી માટે 50 જજોનું આદર્શ પ્રમાણ જાહેર કર્યું હતું. જો કે, હાલમાં પ્રત્યેક 10 લાખ લોકોની વસ્તી સામે ફક્ત 17 જજ કામ કરી રહ્યા છે. હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, હાલ 12 હાઇકોર્ટોમાં મંજૂર કરાયેલા જજોની સંખ્યાની તુલનાએ ફક્ત 2 તૃત્યાંશ જજો કામ કરી રહ્યા છે જ્યારે રાજસ્થાન, પટણા અને કોલકાતામાં 50 ટકા જજોની જગ્યાઓ ખાલી છે.

દેશના એટર્ની જનરલે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ખાલી રહેલી જગ્યાઓ માટે કેન્દ્ર સરકાર સહેજપણ જવાબદાર નથી. વાસ્તવમાં સંબંધિત હાઇકોર્ટના કોલિજયમ તરફથી નામની દરખાસ્ત કરવામાં થઇ રહેલાં વિલંબના કારણે આ જગ્યાઓ ખાલી રહેવા પામી છે. ઓક્ટોબર-2015માં પ્રતિષ્ઠિત નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન એક્ટ-2014 અને તે સાથે સંબંધિત અન્ય બંધારણીય સુધારા રદ કર્યા બાદ આ બાબત તદ્દન સ્થગિત થઇ ગઇ છે.

પશ્ચિમ જગતના દેશો તેઓના ન્યાયતંત્રમાં સમયસર સુધારા લાવી શક્યા છે એટલું જ નહીં પરંતુ સમયાંતરે તે સુધારાને એડવાન્સ ટેકનોલોજી સાથે જોડી પણ શક્યા છે અને તેમ કરીને તેઓ કેસની તપાસમાં ઝડપ વધારી શક્યા છે અને શક્ય એટલા વહેલા કેસોનો નિવેડો લાવી શક્યા છે. આ દેશોના વિકાસમાં જવાબદાર વિવિધ પરિબળો પૈકી આ પણ એક મોટું પરિબળ બની શક્યું છે.

બળદગાડાના યુગમાં થંભી ગયેલી આ સિસ્ટમ અને ન્યાયતંત્રમાં પેન્ડિંગ રહેલી નિમણૂકો વચ્ચે અટવાયેલો દેશનો સામાન્ય નાગરિક એક તદ્દન સીધો સાદો પ્રશ્ન પૂછે છે કે શું કાનૂની સુધારા હંમેશા માટે એક કલ્પના જ બની રહેશે?

ABOUT THE AUTHOR

...view details