15 સપ્ટેમ્બર 1959ના રોજ ભારત સરકારે દુરદર્શન અથવા ટૂંકમાં જેને ડીડી કહેવાય છે તેની શરૂઆત કરી હતી. દિલ્હીથી સરકારી ટીવીની શરૂઆત થઈ હતી. 5 કિલોવૉટના નાનકડા ટ્રાન્સમિટર અને કામચલાઉ ધોરણે ઊભા કરાયેલા સ્ટુડિયોમાંથી પ્રાયોગિક ધોરણે શરૂઆત થઈ હતી અને 1982 સુધીમાં ડીડી રાષ્ટ્રીય પ્રસારણકર્તા બની ચૂક્યું હતું.
યાદગાર લોગો
“DD eye” એટલે કે બ્રહ્માંડની આંખ જેવો લોગો NIDમાં ભણેલા દેવાશિષ ભટ્ટાચાર્યે 1970ના દાયકામાં તૈયાર કર્યો હતો. NID તરફથી જુદીજુદી ડિઝાઇન આપવામાં આવી હતી, તેમાંથી આ લોગો ઇન્દિરા ગાંધીએ પસંદ કર્યો હતો. મે 2019માં ભારતીય રાષ્ટ્રીય પ્રસારણની સર્વોચ્ચ સંસ્થા પ્રસાર ભારતીએ DDના નવા લોગોની પાંચ નવી ડિઝાઇન શોર્ટલિસ્ટ કરી છે.
નાના પાયે શરૂઆત
- 1959: રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હસ્તે દિલ્હીના આકાશવાણીના સ્ટુડિયોમાંથી પાઇલટ પ્રોજેક્ટ તરીકે દુરદર્શનનો શુભારંભ થયો હતો. અઠવાડિયામાં બે દિવસ માટે તેના પરથી સમાજશાસ્ત્રના એકએક કલાકના કાર્યક્રમોનું પ્રસારણ થતું હતું.
- 1965: સવારે અને સાંજે કાર્યક્રમો સાથે રોજિંદા પ્રસારણની શરૂઆત થઈ. પાંચ મિનિટનું સમાચાર બૂલેટિન પણ શરૂ થયું. આગામી વર્ષોમાં રોજના ચાર કલાકનું પ્રસારણ થવા લાગ્યું.
- 1975: મુંબઈ અને અમૃતસર સહિત સાત નવા શહેરોમાં પણ હવે DDનું પ્રસારણ થવા લાગ્યું.
- 1976: આકાશવાણીથી હવે DDને અલગ વિભાગ કરવામાં આવ્યો.
- 1982: રાષ્ટ્રીય પ્રસારણની શરૂઆત થઈ; ભારતીય ઘરોમાં રંગીન ટીવી પહોંચવા લાગ્યા
- 1984: હવે DD નેટવર્કમાં હવે DD 2 (હવે DD Metro તરીકે ઓળખાય છે) સહિત નવી ચેનલો શરૂ થઈ.
- 1991: કેબલ ટીવીની શરૂઆત થઈ અને ખાનગી ટીવી ચેનલ્સને મંજૂરી મળી અને તે સાથે દુરદર્શનના દર્શકગણમાં ઘટાડો થવા લાગ્યો.
- 2004: DD તરફથી DD Free Dish શરૂ કરવામાં આવી, જે ભારતની એક માત્ર ફ્રી DTH સર્વિસ છે.
- 2016: DD Free Dishને અપગ્રેડ કરીને Insat-4B ઉપગ્રહમાંથી Gsat-15 ઉપગ્રહ પર લઈ જવાઈ, જેથી તેની DTH ફ્રી સર્વિસ પર વધુ ચેનલ્સ ઉમેરી શકાય.
સિમાચિહ્નરૂપ કાર્યક્રમો
- 1967: ખેડૂતો અને ગ્રામીણ દર્શકો માટેનો કૃષિ દર્શન કાર્યક્રમ પ્રજાસત્તાક દિનથી શરૂ થયો; જે ભારતનો સૌથી લાંબા સમયથી ચાલતો કાર્યક્રમ બની ચૂક્યો છે.
- 1976: લાડૂ સિંહ ટેક્સીવાલા નામની પ્રથમ ટીવી સિરિયલ DD પર શરૂ થઈ
- 1982: લોકપ્રિય કાર્યક્રમ ચિત્રહાર શરૂ થયો; છ વર્ષ પછી રંગોલી નામનો કાર્યક્રમ શરૂ થયો
- 1984: ભારતની સૌ પ્રથમ લાંબી હપ્તાવાર સિરિયલ હમ લોગ શરૂ થઈ. મધ્યમ વર્ગના જીવન સંઘર્ષોની વાત કરતી સિરિયલ 154 હપ્તાઓ સુધી ચાલી હતી.
- 1987-1990: રામાનંદ સાગરની રામાયણ (1987-88) અને બી. આર. ચોપરાની મહાભારત (1988-90) સિરિયલ દર્શકોમાં છવાઈ ગઈ અને દર્શકગણ અને આવકના નવા વિક્રમો થયા. આર.કે. નારાયણની વાર્તાઓ પરથી બનેલી 1987માં આવેલી માલગુડી ડેય્ઝ સિરિયલ પણ દર્શકોને ગમી.
- 1994: કાલ્પનિક કથા ચંદ્રકાંતા પરથી બનેલી સિરિયલ DD National પર દર રવિવારે સવારે શરૂ થઈ
- 1997: હિન્દીમાં બનેલી પ્રથમ સુપરહીરો શક્તિમાન સિરિયલ DD National પર શરૂ થઈ. મુકેશ ખન્ના અભિનિત સિરિયલ બહુ લોકપ્રિય બની પણ બાળકો તેમના જેવા જોખમી સ્ટંટ કરવા લાગ્યા તેના કારણે વિવાદો પણ થાય હતા.