ગુજરાત

gujarat

ETV Bharat / opinion

ચૂંટણીપંચની વિશ્વસનીયતા ઉપર સવાલ? - ગુજરાતી ન્યૂઝ

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આડકતરી રીતે કહ્યું હતું કે ખોટા માર્ગે ચૂંટણીમાં વિજય હાંસલ કરવો એ હકીકતમાં વિજય જ નથી, પરંતુ તેમના આ વિચારો આજે કોઈને જચતા નથી. રાજકીય પક્ષો કાયદામાં નિર્દિષ્ટ નિયમોનો ભંગ કરવા માટે પરસ્પર હરીફાઈમાં ઉતર્યા હોવાને કારણે લોકશાહીનાં મૂલ્યો ઉપર ગંભીર પ્રહાર થઈ રહ્યો છે. તામિલનાડુ, પુડુચેરી, કેરળ અને આસામમાં છઠ્ઠી એપ્રિલના રોજ મતદાન સંપન્ન થયું છે અને જ્યાં રાજકીય રીતે ભારે ગરમાગરમીભર્યો માહોલ છે, તેવા પશ્ચિમ બંગાળમાં આ મહિનાની 29મી સુધી વધુ ચાર તબક્કામાં મતદાન ચાલુ રહેશે.

ચૂંટણીપંચની વિશ્વસનીયતા ઉપર સવાલ?
ચૂંટણીપંચની વિશ્વસનીયતા ઉપર સવાલ?

By

Published : Apr 15, 2021, 1:47 PM IST

હૈદરાબાદ: ચૂંટણી પંચે ગૌરવપૂર્વક દાવો કર્યો હતો કે તેણે 6400 જેટલાં સમસ્યારૂપ મતદાન મથકો ઓળખી કાઢ્યાં છે અને રાજ્યમાં આઠ તબક્કામાં યોજાનારી ચૂંટણી ઉપર દેખરેખ રાખવા મોટા પ્રમાણમાં કેન્દ્રિય દળોને કાર્યરત બનાવ્યા છે. આમ છતાં આદર્શ આચારસંહિતાને નિષ્પક્ષ રીતે અમલમાં મૂકવાની તેની વિશ્વસનીયતા ઉપર સવાલ ઉઠ્યા છે. વર્ષ 2016માં પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને ફક્ત ત્રણ બેઠકો ઉપર વિજય મળ્યો હતો. વર્ષ 2019માં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં પક્ષને લોકસભાની 18 બેઠકો ઉપર ભવ્ય વિજય મળ્યો હતો. હવે પક્ષ રાજ્યમાંથી તૃણમૂલ સરકારને ઉખાડી ફેંકવા તલપાપડ છે. આદર્શ આચારસંહિતાને નેવે મૂકી દેવાઈ છે અને મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આ પડકાર સ્વીકાર્યો અને ભાજપે ઘડી કાઢેલી પદ્મવ્યૂહ વ્યૂહરચનાનો સામનો કરવા મજબૂતીથી મેદાનમાં આવ્યાં.

મમતા દીદીનો આરોપ, ચૂંટણી પંચ કઠોર વલણ અપનાવે છે

લોકોમાં મમતા દીદીના હુલામણા નામે ઓળખાતા મમતા બેનર્જીનો આરોપ છે કે ચૂંટણી પંચ તેમની સાથે કઠોર વલણ ધરાવે છે, પરંતુ ભાજપની આગેવાનીમાં કરવામાં આવી રહેલા અતિરેક તરફ આંખ આડા કાન કરે છે. તેમણે કટાક્ષપૂર્વક મોડલ કોડ ઓફ કન્ડક્ટને મોદી કોડ ઓફ કન્ડક્ટ કહ્યા છે. આ સમગ્ર મુદ્દે ચૂંટણી પંચના ભાગે વિશ્વસનીયતા ગુમાવવાનું અસલી લોકશાહી માટે જોખમરૂપ બન્યું છે. અહીં એ યાદ કરવું યોગ્ય હશે કે અગાઉ એમ.એસ. ગિલ જ્યારે મુખ્ય ચૂંટણી આયુક્ત હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે ચોક્કસ રાજકીય પક્ષો પોતાની આસપાસ બંધારણીય નૈતિકતાનું વર્તુળ રચે છે અને તે વર્તુળની મધ્યે તેઓ જરાયે વિચલિત થયા વિના અડગ ઊભા રહી જાય છે.

વડાપ્રધાન મોદી અને અમિત શાહને આપેલી ક્લિન-ચિટના નિર્ણયમાં ભૂલ?

આશરે સાત દાયકા અગાઉ બંધારણના રચયિતા ડૉ. બી. આર. આંબેડકરે જણાવ્યું હતું કે ચૂંટણી આયોક્તોની નિમણૂકોમાં વાદ-વિવાદથી બચવા માટે સ્વતંત્ર વ્યવસ્થા અમલમાં હોવી જોઈએ. એ નોંધવું આશ્ચર્યજનક છે કે તેમની સલાહને આજસુધી કોઈએ ગણકારી નથી. તેને કારણે ચૂંટણી પંચના સર્વોચ્ચ પદે જે વ્યક્તિઓ નિયુક્ત કરવામાં આવે તે કેન્દ્રને મનગમતું હોય તે માટે કોઈ પણ હદે નીચે જવામાં આવે છે અને નવીન ચાવલાનો કિસ્સો તેનો પુરાવો હતો. ગોપાલા સ્વામીએ કરેલા તીખા આરોપોને ધ્યાનમાં લીધા વિના મુખ્ય ચૂંટણી આયુક્ત પદે ચાવલાની નિમણૂકનો નિર્ણય લેવાયો હતો. તેમના સામેના આરોપોમાં શાસકીય ગુપ્તતાને બહારના લોકો સુધી તેમણે પહોંચાડી હોવા જેવા આરોપો સામેલ છે. પાછલી સામાન્ય ચૂંટણીઓ દરમ્યાન ચૂંટણી આયુક્ત લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશ્નરના વડાપ્રધાન મોદી અને અમિત શાહને આચારસંહિતાના ભંગ સંદર્ભે આપેલી ક્લિન-ચિટના નિર્ણયમાં ભૂલ હોવાનું જણાવ્યું હતું.

બંધારણીય મૂલ્યો સાથે કદાપિ સમાધાન કરતા ન હોય તેવા જ આગેવાનોની જરૂર

જો બંધારણીય વ્યવસ્થાઓ એવા વ્યક્તિઓની આગેવાની ધરાવતી હોય, જેઓ બંધારણીય મૂલ્યો સાથે કદાપિ સમાધાન કરતા ન હોય, તો જ બંધારણીય વ્યવસ્થાઓ ચમકી ઉઠે છે. મુખ્ય ચૂંટણી આયુક્તની નિમણૂક માટે વડાપ્રધાન, ભારતના ચીફ જસ્ટિસ અને વપક્ષના નેતાને સમાવતી વિશેષ સમિતિની નિયુક્ત કરવાની માગ ઉઠી છે. ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીએ પણ આ પ્રકારની વ્યવસ્થા ઉપર ભાર મૂક્યો હતો. જોકે, આજે ભાજપે પોતાની વાત તદ્દન બદલી નાખી છે. ચૂંટણી આયુક્તની નિમણૂક માટે વિશેષ સમિતિની નિમણૂકનો કેસ હજુ પણ સુપ્રિમ કોર્ટની બંધારણીય બેન્ચની વિચારણા હેઠળ છે.

લોકોનો વિશ્વાસ લોકશાહીના પાયામાં છે

લોકોનો વિશ્વાસ લોકશાહીના પાયામાં રહેલો છે, જેમાં મજબૂત વ્યવસ્થાતંત્ર લોકોનો સાચો મત દર્શાવે છે. એ બરાબર રીતે સમજી લેવું જરૂરી છે કે લોકોના વિશ્વાસમાં ઉણપ આવતી અટકાવવા માટે મુખ્ય ચૂંટણી આયુક્તની નિમણૂક સહુ સાથે મળીને કરે તે માટે વિશેષ સમિતિ રચાવી જોઈએ અને ચૂંટણી આયુક્ત સંસદને જવાબદાર હોવા જોઈએ.

ABOUT THE AUTHOR

...view details