આ મહિને નેપાળ સાથે સરહદ પર આ બીજી વાર વિખવાદનું કારણ ઊભું થયું છે. 12 જૂને નેપાળની પોલીસે ગોળીબાર કર્યો તેમાં ભારતના એક નાગરિકનું મોત થયું હતું અને બે ઘાયલ થયા હતા. બિહારના સીતામઢી જિલ્લાના લોકો પર આ ગોળીબાર થયો હતો. ભારતીય સત્તાધીશોએ ત્યારે તેને સ્થાનિક ઘટના ગણાવી હતી, પરંતુ 21 જૂને નેપાળે બંધનું સમારકામ અટકાવ્યું તે બંને દેશોના સંબંધોમાં તણાવ દર્શાવે છે.
કાલાપાણી, લીપુલેખ અને લિમ્પિયાધુરા અમારા વિસ્તારો છે એમ કહીને નેપાળે નવો નકશો તૈયાર કર્યો છે. તે નકશાને નેપાળની સંસદમાં પસાર કરવામાં આવ્યો તે પછી આ બનાવો બની રહ્યા છે અને બંને દેશો વચ્ચે સંબંધો તંગ થઈ રહ્યા છે.
બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશનું કારણ જાણકારો 2015માં ભારતે નેપાળ જતો પુરવઠો અટકાવી દીધો હતો તેને ગણાવે છે. ભારતે આર્થિક અવરોધો ઊભા કર્યા તેની તક લઈને ચીને નેપાળની ઉશ્કેરણી કરી તેમ પણ જાણકારો કહી રહ્યા છે.
“ત્રીજા પક્ષની દોરવણી અહીં છે અને મને લાગે છે કે હાલના વર્ષોમાં નેપાળના સંબંધો ચીન સાથે મજબૂત થતા ગયા છે. તેના કારણે નેપાળની હાલની નેતાગીરી ઘણી રીતે જોરમાં આવી છે,” એમ ભારત નેપાળ સંબંધોના જાણકાર ભૂતપૂર્વ રાજદ્વારી એસ.ડી. મુની કહે છે.
દિલ્હીની ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સિનિયર ફેલો કે. હ્યોમ કહે છે કે કાલાપાણીનો મુદ્દો ભારત અને નેપાળ વચ્ચે લાંબા સમયથી ચાલતો આવતો હતો અને તેને વાટાઘાટોથી ઉકેલી નાખવાની જરૂર હતી.
“સમસ્યા એ છે કે કાલી નદીનું મૂળ ક્યાં છે. ભારત તેને અમુક રીતે ગણે છે, જ્યારે નેપાળ તેને પોતાની રીતે જુએ છે,” એમ હ્યોમે ઈટીવી ભારતને જણાવ્યું હતું. તેઓ ઉમેરે છે કે “સરહદ અને વિસ્તારના મામલા હંમેશા ભાવનાત્મક હોય છે અને તેથી બંને પક્ષો તેનો ઉકેલ લાવી શકતા હોતા નથી.”
નેપાળે કંઈ પ્રથમવાર આ મુદ્દો ઉપસ્થિત કર્યો નથી. 2015ના વર્ષમાં પણ ભારત અને ચીનના સંયુક્ત નિવેદનમાં લીપુલેખ ઘાટનો ઉલ્લેખ કરવામાં આવ્યો તેનો નેપાળે વિરોધ કર્યો હતો.
“બંને પક્ષો કઈ વધુ પેદાશોનો વેપાર થઈ શકે છે તેની યાદી લંબાવવા તૈયાર છે અને નાથુ લા, ક્વિંગ લા/લિપુલેખ ઘાટ અને શિપકી લા માર્ગે વેપાર માટે વાટાઘાટો કરવા તૈયાર છે,” એમ 15 મે, 2015ના રોજ સંયુક્ત નિવેદનમાં ભારત અને ચીને કહ્યું હતું.
જોકે આ વિખવાદ જૂનો હોવાની વાત પ્રોફેસર મુની નકારી કાઢે છે. તેઓ કહે છે કે ભારત અને ચીન વચ્ચે 1954માં પંચશીલ કરાર થયા તેમાં લિપુલેખનો સમાવેશ થયો હતો ત્યારે તેવો કોઈ વિરોધ થયો નહોતો.
“ચીને માત્ર 2015માં જ નહિ, પણ 1954માં પણ સ્વીકાર્યું હતું કે લિપુલેખ ભારતમાં છે. તે વખતે પણ કરારમાં ભારત અને ચીન વચ્ચે કયા 8-9 માર્ગે વેપાર અને સાંસ્કૃત્તિક આદાનપ્રદાન થઈ શકે છે, તેમાં તેનો ઉલ્લેખ હતો,” એમ પ્રોફેસર મુની કહે છે.
“2015માં ચીને તેમની સ્થિતિનો માત્ર પુનરોચ્ચાર જ કર્યો હતો. ભારતની સ્થિતિમાં કોઈ ફરક નથી પડ્યો, માત્ર નેપાળના વલણમાં ફેર પડ્યો છે,” એમ તેઓ વધુમાં જણાવે છે.
જોકે ઘણા જાણાકારોને એ વાતની નવાઈ લાગી છે કે નેપાળે બહુ ઝડપથી આ મામલો ઉઠાવ્યો. એટલું જ નહિ નવો નકશો તૈયાર કરીને તેમાં ભારતીય પ્રદેશો કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાનો સમાવેશ પણ કરી દીધો. તેને સંસદમાં પાસ પર કર્યો તેના પરથી ખ્યાલ આવે છે કે કોઈ તેની દોરવણી કરી રહ્યું છે અને બંને દેશોના સંબંધો વધારે બગડ્યા છે.
આ દરમિયાન જ ભારત અને ચીન વચ્ચે ઘર્ષણના કારણે ગલવાન ખીણમાં ભારતે 20 સૈનિકોને ગુમાવવા પડ્યા.
શું ચીન જ નેપાળની ઉશ્કેરણી કરે છે?
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 8 મેના રોજ ઉત્તરાખંડમાં ભારત, ચીન અને નેપાળ ત્રણેયની સરહદ ભેગી થાય છે ત્યાં સુધીનો, LAC સુધી જતો 80 કિલોમિટરનો પાકો માર્ગ ખુલ્લો મૂક્યો હતો. આ નવો રસ્તો તૈયાર થયો છે અને તેના કારણે કૈલાસ માનસરોવરની યાત્રાએ જનારા લોકોની યાત્રા પણ સરળ બનશે. આ માર્ગે યાત્રાળુઓ સરહદે લિપુલેખ ઘાટ સુધી સીધા જ પહોંચી શકશે.
આ રસ્તો અગત્યનો છે, કેમ કે તેના કારણે સરહદ સુધીની આવનજાવન વધારે સરળ બની છે. ચીન સાથેના કોઈ પણ ઘર્ષણમાં ભારતીય સેનાને પણ આ રસ્તો પુરવઠો પહોંચાડવા માટે અગત્યનો સાબિત થઈ શકે છે.
લદ્દાખ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પ્રથમવાર પાંચમી મેના રોજ ઘર્ષણ સર્જાયું તેના ત્રણ જ દિવસ પછી આ રસ્તાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
માર્ગના ઉદ્ધાટન બાદ નેપાળે તરત જ વિરોધમાં પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે થયેલી સમજૂતિનો આનાથી ભંગ થઈ રહ્યો છે.
“નેપાળ સરકારને બહુ દુઃખ સાથે ગઈ કાલે જાણ થઈ છે કે ભારતનો લિપુલેખને જોડતો રસ્તો, જે નેપાળની ભૂમિમાંથી પસાર થાય છે તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે,” એમ 8 મેના રોજ નેપાળ સરકારે નિવેદન જાહેર કરીને કહ્યું હતું.
નેપાળે અચાનક આ રીતે વિરોધ કર્યો તેના કારણે ભારતમાં ઘણાને નવાઈ લાગી હતી, કેમ કે આ રસ્તો તૈયાર કરવા માટેની યોજનાને 2005માં મજૂરી અપાઈ હતી. 81 કરોડ રૂપિયાના ખર્ચે તે તૈયાર કરવાનો હતો, પણ ખર્ચ વઘતો ગયો અને 2018માં તેના માટે 439 કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી. 17 એપ્રિલના રોજ રસ્તો તૈયાર થઈ ગયો હતો, પણ તેનું ઉદ્ધાટન મે મહિના સુધી લંબાયું હતું.
આવા વિરોધ પછી ભારતીય ભૂમિ દળના વડા એમ.એમ. નરાવણેએ ચીનનું નામ લીધા વિના કહ્યું હતું કે કોઈ દેશની ઉશ્કેરણીને કારણે આવું થઈ રહ્યું છે.
“આપણે કાલી નદીની પશ્ચિમ તરફ રસ્તો બનાવ્યો છે. નેપાળે સ્વીકારેલું છે કે કાલી નદીની પૂર્વ તરફ તેમની હદ છે. ત્રણેય દેશોની સરહદ ભેગી થાય છે તે સ્થળ વિશે ક્યારેય કોઈ બાબત વિવાદમાં આવી નથી,” એમ જનરલ નરાવણે 15મેના રોજ કહ્યું હતું.
તેમણે ઉમેર્યું કે “એવું માનવાનું કારણ છે કે તે કદાચ અન્ય કોઈની ઉશ્કેરણીને કારણે આવું કરી રહ્યું છે અને તેવી પુરી શક્યતા છે.”
ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો હતો ત્યારે, ભારતના વિરોધ છતાં નેપાળના પ્રધાનમંડળે 18 મેના રોજ નવો નકશો તૈયાર કરી લીધો હતો.
ગયા અઠવાડિયે તે નકશો નેપાળની સંસદના બંને ગૃહોમાં રજૂ કરાયો અને તેને મંજૂર કરાયો. તેમાં કાલાપાણી, લિપુલેખ અને લિમ્પિયાધુરાને નેપાળના હિસ્સા તરીકે દર્શાવાયા છે. ભારતે કૃત્રિમ રીતે સરહદી દાવાના આ પ્રયાસને નકારી કાઢ્યો છે.
જોકે નેપાળે નવો નકશો માન્ય કર્યો તેનાથી સમસ્યાનો અંત આવી જતો નથી. હાલના સમયમાં એવી ઘટનાઓ બની રહી છે કે જેમાં નેપાળ અન્યત્ર પણ સરહદ મામલે વિખવાદ કરવા માગતો હોય.
બિહારના અધિકારીઓએ પૂર્વ ચંપારણ જિલ્લામાં લાલબકેયા નદી પર પૂર રોકવા માટે એક આડબંધનું સમારકામ કરવાની કોશિશ કરી ત્યારે રવિવારે નેપાળની પોલીસે તેમને અટકાવ્યા હતા. તે પહેલાં 12 જૂને ભારતીય નાગરિકોનું એક જૂથ નેપાળ ગયું હતું ત્યારે તેમના પર પણ પોલીસે ગોળીબાર કર્યો હતો.
લાલબકેયા નદી નેપાળમાંથી નીકળે છે અને બિહારના સીતામઢી જિલ્લામાં બાગમતી નદીમાં ભળી જાય છે. નેપાળમાંથી આવતી નદીઓમાં ભારે પૂર આવે ત્યારે બિહારને ભોગવવાનું આવે તેવું કાયમ થતું આવ્યું છે.
ભારતે આ નદી પર ઘણી જગ્યાએ આડ બંધ બાંધ્યા છે. દર વર્ષે ચોમાસ પહેલાં તેનું સમારકામ કરી લેવામાં આવે છે. પરંતુ આ વખતે નેપાળના સત્તાધીશોએ ભારતીય અધિકારીઓને કામ કરતાં અટકાવ્યા હતા.