ગુજરાત

gujarat

By

Published : Jun 26, 2020, 11:28 AM IST

ETV Bharat / opinion

H1B વીઝા પર પ્રતિબંધ: અમેરિકાની વીઝા નીતિમાં ફેરફારોની અસર

અમેરિકામાં પાંચ પ્રકારની વીઝા કેટેગરી છે, જેના આધારે ઇમિગ્રન્ટ નાગરિકત્વ મેળવી શકે. જન્મથી, કાયમી વસવાટથી (ગ્રીન કાર્ડ), પરિવાર, નિરાશ્રીત, અને દત્તક. આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં કામ કરવા માટે આવતા પરદેશીઓને ટૂંકા ગાળાના નોન-ઇમિગ્રન્ટ વીઝા આપવામાં આવે છે, જેને H1B, H2B, J અને L વીઝા કહેવામાં આવે છે. ટ્રમ્પ વહિવટીતંત્રે હાલમાં વીઝા પર પ્રતિબંધ મૂક્યો તે આ નોન-ઇમિગ્રન્ટ કેટેગરી પર મૂક્યો છે. કેટલાક અપવાદોને બાદ કરતાં 31 ડિસેમ્બર 2020 સુધી આ વીઝા પર કોઈને પ્રવેશ મળશે નહિ.

United States
United States

હૈદરાબાદ :H1B વીઝા 1990ના યુએસ ઇમિગ્રેશન એક્ટ હેઠળ આપવામાં આવે છે. યુનિવર્સિટીની ડિગ્રી ધરાવતા કર્મચારીઓને ચોક્કસ કામગીરી માટે નોકરીએ રાખવા આ વીઝા આપવામાં આવે છે. આ વીઝા 3થી 6 વર્ષ માટે હોય છે અને જે નોકરી મળી હોય તે પૂરી થઈ જાય તે પછીય વીઝાધારકે અમેરિકા છોડીને જતું રહેવું પડતું નથી. H2B વીઝા બિનખેતી કામદારો માટે નક્કી કરાયેલા (ભારતને બાદ કરીને) 81 દેશોને અપાય છે, જેમાં શૈક્ષણિક કે ચોક્કસ જરૂરિયાત ના હોય તો પણ છ મહિના માટે કામચલાઉ કામ કરવા માટે મળે છે. J વીઝા શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે અપાય છે, પણ તેમાં વ્યક્તિએ કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી વતન પરત ફરવાનું હોય છે. L વીઝા અમેરિકાની બહારની કંપનીના એક્ઝિક્યુટિવને મળે છે, જેમને અમેરિકામાં કામચલાઉ કે વિશેષ કામગીરી માટે કંપનીએ અમેરિકા મોકલ્યા હોય છે.

પ્રમુખ ટ્રમ્પે 22 એપ્રિલ 2020ના રોજ ઇમિગ્રેશન અટકાવવાનો નિર્ણય કર્યો હતો તેને જ આ વટહુકમથી લંબાવાયો છે. તે વખતે “કોવીડ-19 રોગચાળાને કારણે અમેરિકાની શ્રમ બજારમાં કામદારો સામે જોખમ ઊભું કરી શકતા ઇમિગ્રન્ટ્સ”ને અટકાવવા માટે 60 દિવસનો પ્રતિબંધ મૂકાયો હતો. જોકે તે વખતે H1B/H2B/L કેટેગરીના વીઝા પર પ્રતિબંધ નહોતો, જે આ વખતે છે.

નવેમ્બર 2020માં અમેરિકાના પ્રમુખની ચૂંટણી થવાની છે ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેવાનો છે. પ્રમુખ ટ્રમ્પે વિદેશી લોકો વિરોધી નીતિ અપનાવીને મતો મેળવવા માટે કોશિશ કરી છે તેનો આ એક વધુ નમૂનો છે. શ્વેત રૂઢિચૂસ્ત મતદારોને આકર્ષવા માટે તેમણે આ પગલું લીધું છે.

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ટ્રમ્પની સરકારે તબક્કાવાર ઇમિગ્રન્ટ વિરોધી નીતિ અમલમાં મૂકી છે. ટ્રમ્પ સરકારે આફ્રિકાના અને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાંથી પ્રવાસન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સાથે જ અમેરિકામાં રાજ્યાશ્રય મેળવવો લગભગ અશક્ય બની જાય તેવા ચૂસ્ત નિયમો કરી નાખ્યા છે. પ્રમુખ ટ્રમ્પે વ્યક્તિગત રસ લઈને મેક્સિકોની સરહદે ઊંચી દિવાલ ચણાવી છે, જેથી ત્યાંથી થતી ગેરકાયદે ઘૂસણખોરી અટકાવી શકાય. ઇમિગ્રેશન માટેનું કામકાજ સંભાળતો વિભાગ યુએસ સિટિઝનશીપ એન્ડ ઇન્ફર્મેશન સર્વિસીઝ (USCIS)નું કામકાજ માર્ચ મહિનાથી લગભગ બંધ જેવું છે. વર્તમાન અરજીઓનું પ્રોસેસિંગ પણ તેના કારણે અટકી પડેલું છે.

હાલના વટહુકમ પાછળનું કારણ કોવિડ-19 મહામારીને કારણે અમેરિકામાં વધી ગયેલી બેકારીનું છે. ફેબ્રુઆરીથી એપ્રિલ 2020 સુધીમાં અમેરિકાના 2 કરોડ નાગરિકોએ રોજગારી ગુમાવી હોવાનું નોંધાયું છે. કંપનીઓ જે ક્ષેત્રમાં H1B અને L વીઝા માગતી હોય છે ત્યાં આટલી નોકરીઓ ગઈ છે. તે સિવાયના ઉદ્યોગોમાં કે જ્યાં H2B વીઝા હેઠળ કામદારો આવતા હોય છે, તેમાં પણ 1.7 કરોડ લોકોએ રોજગારી ગુમાવી છે.

આ પગલું લઈને પ્રમુખે નાગરિકો માટે લગભગ 525,000 નોકરીઓ બચાવી છે એવું અનુમાન તેમના ટેકેદારો લગાવી રહ્યા છે. આફ્રિકન અમેરિકન, કોલેજ ડિગ્રી ના હોય, લઘુમતી અને અપંગ હોય તે લોકોને આ પગલાંને કારણે નોકરીની તકો મળશે તેમ જણાવાઈ રહ્યું છે. પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે “અમેરિકન કર્મચારીએ દરેક સેક્ટરમાં નોકરી માટે, કામચલાઉ નોકરી માટે આવનારા વિદેશીઓ સાથે સ્પર્ધા કરવી પડે છે. કામચલાઉ કર્મચારીઓ સાથે તેમના જીવનસાથી અને બાળકો પણ આવતા હોય છે અને તે લોકો પણ અમેરિકન કામદારો સામે રોજગારી માટે સ્પર્ધા ઊભી કરે છે”.

અનાજ વિતરણ માટે તથા રાષ્ટ્રીય હિતમાં જેમની જરૂર હોય તેવા પ્રકારના કર્મચારીઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ મળશે. રાષ્ટ્રીય હિતની કેટેગરીમાં પાંચ પ્રકારના લોકોને પ્રવેશ અપાશે – સંરક્ષણ દળોમાં કામ કરનારા; પોલીસ વિભાગમાં કામ કરનારા; રાજદ્વારી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે કામ કરનારા; કોવીડ-19ની સારવારમાં ઉપયોગી તબીબી કામ કરનારા; અને અમેરિકાના અર્થતંત્રને બેઠું કરવા માટે જરૂરી હોય તેવી તાકિદની કામગીરી કરનારા લોકો. આમાંની છેલ્લી કેટેગરી એવી છે કે વગ ધરાવતી અમેરિકન કંપનીઓ ટ્રમ્પ સરકાર વગ વાપરીને પોતાની જરૂરિયાતના થોડા કર્મચારીઓને H1B અને L વીઝા પર આવવા દેવા માટે મંજૂરી મેળવી લેશે.

વીઝા પર પ્રતિબંધની સીધી અસર ભારત પર પડવાની છે. અમેરિકા દર વર્ષે 85,000 H1B વીઝા આપે છે. તેમાંથી 75 ટકા ભારતીયોને જ મળે છે, જે ટેક્નોલૉજી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે. H1B વીઝાનો 2004થી 2012નો ટ્રેન્ડ જોઈએ તો ખ્યાલ આવે છે કે 500,000 ભારતીય નાગરિકોને આ વીઝા મળેલા છે. તેમના જીવનસાથી, પરિવારજનોને ગણી લો તો 750,000 લાખ લોકોને આ વીઝા પર અમેરિકામાં પ્રવેશ મળ્યો છે. અમેરિકામાં આ સંખ્યા સાથે કુલ ભારતીય સમુદાયની વસતિ 30 લાખને પાર થઈ ગઈ છે. ભારતીય સમુદાય અમેરિકાના અર્થતંત્ર તથા રાજકારણમાં બહુ જ સક્રિય અને વગદાર બની ગયો છે.

ભારતીય ટેક્નોલૉજી કંપનીઓમાંથી H1B વીઝાનો સૌથી વધુ લાભ લેનારી કંપનીઓમાં તાતા કન્સલ્ટન્સી, ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલૉજીસ અને એલએન્ડટી ઇન્ફોટેક છે. આ કંપનીઓ સહિત 100 જેટલી ભારતીય કંપનીઓ છે, જેમણે અમેરિકામાં 2017 સુધીમાં $17.9 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. અમેરિકાના 50 રાજ્યોમાં આવું રોકાણ કરીને 113,000 નોકરીઓ ઊભી કરી છે.

ગૂડ્સ અને સર્વિસમાં અમેરિકા ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ છે. અમેરિકાની કંપનીઓમાં કામ કરવા જતા ટેક્નોલૉજી નિષ્ણાતોને અચાકન વીઝા મળતા બંધ થઈ જશે તેની સીધી અસર અમેરિકાના ટેક્નોલૉજી, એકાઉન્ટિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સને થશે. અમેરિકા માટે આ સેક્ટર્સ અગત્યના છે અને તેમાં જ વીઝા પ્રતિબંધના કારણે અર્થતંત્રને બેઠું કરવાના પ્રયાસોને પણ અસર થઈ શકે છે.

અશોક મુખરજી, સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના ભૂતપૂર્વ કાયમી પ્રતિનિધિ

ABOUT THE AUTHOR

...view details