ચાર મહિના પહેલાં, એક લોકપ્રિય ઊર્જા સંશોધન અને સલાહકારી સંસ્થા- વૂડ મેકેન્ઝીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૩૦ સુધીમાં રાંધણ ગસ (એલપીજી)ના વપરાશની રીતે ભારત ચીનને પાછળ છોડી દેશે. જોકે આજની સરકારો જાહેરમાં સ્વીકારતા ખચકાય છે, પણ હકીકત એ રહે છે કે ભારતે ઈંધણ પર લાદેલા વેરાની રીતે વિશ્વ વિક્રમ કરી દીધો છે. આ વેરાઓના પરિણામે, એલપીજી સિલિન્ડરના ભાવ સામાન્ય માનવી માટે અસહ્ય બની ગયા છે અને ત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં રૂ. ૨૨૫ સુધી પહોંચી ગયા છે. પેટ્રોલિયમ ખાતાના કેન્દ્રીય પ્રધાને જાહેર કર્યું છે કે ઈંધણના ભાવ એપ્રિલ સુધીમાં નીચે આવશે, એવો અંદાજ છે કે તે સમય દરમિયાન ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. ૧,૦૦૦ એ પહોંચી જશે. એ સાચે જ અવિશ્વસનીય છે કે દરેક વ્યાવસાયિક એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. ૧,૮૦૦ની નજીક પહોંચી ગયો છે.
દેશના દરેક રાજ્યમાં લાખો રાંધણ ગેસ જોડાણો છે. રાંધણ ગેસના ભાવમાં ખૂબ જ વધારો દરેક પરિવારના બજેટને અસર કરે છે. રાંધણ ગેસ પર સબસિડી માટે લાભનું સીધું હસ્તાંતરણ (ડીબીટી) ખૂબ જ ઝડપથી નાબૂદ થઈ રહ્યું છે. વર્ષ ૨૦૧૭માં, દરેક સિલિન્ડર પર ડીબીટી રૂ. ૫૩૫ હતું જ્યારે દરેક બાટલાનો ભાવ રૂ. ૧,૦૦૦ હતો. ગત મહિનાથી, સબસિડીમાં એક સિલિન્ડર દીઠ રૂ. ૪૧નો ઘટાડો થયો હતો. રાંધણ ગેસના ભાવમાં સાપ્તાહિક ભાવ વધારો સામાન્ય માણસના ખિસ્સામાં કાણાં પાડી રહ્યો છે. ઈંધણ એજન્સીઓ સતત એમ કહે છે કે ગેસ પૂરાવવાનાં મથકથી ઘણે દૂર રહેતા લોકોને સબસિડી લાગુ કરાઈ રહી છે. અન્યો માટે, રાંધણ ગેસ બજારના દરે વેચાઈ રહ્યો છે. ગરીબમાં ગરીબ વર્ગોને બજારના ઉતારચડાવમાં ધકેલી દેવા તે બીજું કંઈ નહીં પણ એક ક્રૂર મજાક જ છે.
વર્ષ ૨૦૧૫માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાંધણ ગેસ પર તેમની સબસિડી જતી કરવા ખમતીધર વર્ગોને આહ્વાન કર્યું હતું. તેના જવાબમાં, ૧.૧૩ કરોડ લોકોએ તેમનો સબસિડીનો દાવો જતો કર્યો હતો. આનાથી અંદાજે રૂ. ૫,૦૦૦ કરોડની બચત થઈ હતી.