નવી દિલ્હી: ભારતે ઉત્તરપૂર્વના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સમાં વિદેશી સત્તાઓને સામેલ કરવાની ઇચ્છા ન દર્શાવી હોવા છતાં, નાદુરસ્ત આરોગ્યને પગલે આ સપ્તાહે રાજીનામું ધરનારા જાપાનિઝ વડાપ્રધાન શિન્ઝો આબે પર ભારતના વિશ્વાસને પગલે તે પ્રદેશના પ્રોજેક્ટ્સમાં જાપાનને સામેલ કરવામાં આવ્યું હોવાનું એક ભૂતપૂર્વ ભારતીય રાજનીતિજ્ઞએ જણાવ્યું હતું.
“પરંપરાગત રીતે, ભારત ઉત્તર-પૂર્વનાં કાર્યોમાં વિદેશી સત્તાઓની સામેલગીરી કરવા મામલે અત્યંત સંવેદનશીલ રહ્યું છે,” ગેટવે હાઉસ થિંક ટેંક ખાતે ડિસ્ટિંગ્યુઇશ્ડ (નામાંકિત) ફેલો અને મ્યાંમાર ખાતે ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂકેલા રાજીવ ભાટિયાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું, પરંતુ વાસ્તવમાં દિલ્હીએ ઉત્તર-પૂર્વ પ્રદેશના વિકાસમાં જાપાનની સામેલગીરીની માગણી કરી હતી, જે આબેની આગેવાની પર ભારતના વિશ્વાસનો સ્પષ્ટ સંકેત છે,” તેમ ઇન્ડો-પેસિફિક બાબતો પર નિયમિતપણે ટિપ્પણી કરતા ભાટિયાએ જણાવ્યું હતું. ઇન્ડો-પેસિફિક, એ ભારત અને જાપાન વચ્ચે સહકારનું ચાવીરૂપ ક્ષેત્ર ગણાય છે અને ભારતનો ઉત્તર-પૂર્વ પ્રદેશ તેમાં મુખ્ય ગણાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનને ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીની આધાર શિલા ગણાવ્યો હતો તથા બંને દેશોએ ઇન્ડો-પેસિફિક વિસ્તારના વિકાસ માટે નક્કર કામગીરી કરવા માટે સંમતિ સાધી છે, ત્યારે ઉત્તર-પૂર્વ આ સાંકળની મહત્વપૂર્ણ કડી તરીકે ઊભરી આવ્યું છે. ઇન્ડો-પેસિફિક પ્રદેશ જાપાનના પૂર્વ કાંઠાથી શરૂ થઇને આફ્રિકાના પૂર્વ કાંઠા સુધી વિસ્તરેલો છે અને જાપાન અને ભારત, બંને દેશોએ સંમતિ સાધી છે કે 10 દેશોના એસોસિએશન ઓફ સાઉથ-ઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN) પ્રાદેશિક બ્લોકે આ પ્રદેશની શાંતિ તથા સમૃદ્ધિ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવવાની રહેશે.
2018માં ટોક્યોમાં મોદી અને આબે વચ્ચેની વાર્ષિક દ્વિપક્ષી સમિટને પગલે જારી કરવામાં આવેલા ભારત-જાપાન વિઝન અનુસાર, બંને પક્ષોએ "મુકત અને ઉદાર ઇન્ડો-પેસિફિક તરફ કામ કરવાની તેમની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.” "બંને નેતાઓએ ખાતરી આપી હતી કે, ઇન્ડો-પેસિફિક વિભાવનામાં ASEANની એક્તા અને તેની મહત્વપૂર્ણતા તેમના માટે સૌથી વધુ અગત્યતા ધરાવે છે," તેમ તેમાં જણાવવામાં આવ્યું હતું.
એક્ટ ઇસ્ટ પોલિસી હેઠળ, ASEAN પ્રદેશ સાથે ઐતિહાસિક અને પરંપરાગત જોડાણ ધરાવતા ઉત્તર-પૂર્વ પ્રાંતને દક્ષિણ-પૂર્વ એશિયા સાથે ભારતની વધી રહેલી સામેલગીરી માટેના ચાલક-બળ તરીકે જોવામાં આવે છે અને આ માટે ભારતે મોટાપાયે જાપાનને સાંકળ્યું છે. ભાટિયાએ જણાવ્યું હતું કે, મોદી અને આબે વિશિષ્ટ મૈત્રી ધરાવે છે અને તેમણે 2012-2020નાં વર્ષોને ભારત-જાપાન જોડાણનો સુવર્ણકાળ ગણાવ્યો હતો.
તેમણે સમજાવ્યું હતું કે, 2014માં મોદીની જાપાન મુલાકાત દરમિયાન ભારત-જાપાન વચ્ચેના સબંધો ત્રણ પાસાંઓ ક્ષેત્રે ‘વિશિષ્ટ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી’ તરફ આગળ વધ્યા હતા. આ ત્રણ પાસાં આ પ્રમાણે છેઃ દ્વિપક્ષી આર્થિક જોડાણ, ઉત્તર-પૂર્વ પર વિશેષ ધ્યાન અને ઇન્ડો-પેસિફિકમાં ચીનના વધી રહેલા પ્રભાવનો સામનો કરવો. આ પૈકી છેલ્લા પાસાંમાં સુધારો કરવો જરૂરી છે. ઉત્તર-પૂર્વમાં ચીનનું વર્ચસ્વ વધી રહ્યું નથી. “ઉત્તર પ્રદેશમાં બે પાસાં પર ભાર મૂકવામાં આવી રહ્યો છે – વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને સાંસ્કૃતિક તથા શૈક્ષણિક પ્રોજેક્ટ્સ. જાપાન ઐતિહાસિક કારણોસર ઉત્તર-પૂર્વ પ્રત્યે વિશેષ લગાવ ધરાવે છે,” તેમ ભાટિયાએ જણાવ્યું હતું.
જાપાન છેલ્લા કેટલાક સમયથી ઉત્તર-પૂર્વમાં વિકાસ ક્ષેત્રે કામ કરી રહ્યું હોવા છતાં ડિસેમ્બર, 2017માં ભારત-જાપાન એક્ટ ઇસ્ટ ફોર્મનો પ્રારંભ થતાં કામગીરીને વેગ મળ્યો છે. ફોરમનો હેતુ નવી દિલ્હીની એક્ટ ઇસ્ટ પોલિસી અને ટોક્યોની ફ્રી એન્ડ ઓપન ઇન્ડો-પેસિફિક વ્યૂહરચના હેઠળ ભારત-જાપાન સહકાર માટે એક મંચ પૂરો પાડવાનો છે. તે પ્રવાસન, સંસ્કૃતિ અને રમત-ગમત સંબંધિત પ્રવૃત્તિઓ થકી લોકોના લોકો સાથેના સંપર્કો તેમજ જોડાણ, વિકાસાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક જોડાણો સહિતના ઉત્તર-પૂર્વના આર્થિક આધુનિકીકરણ માટે નિશ્ચિત પ્રોજેક્ટ્સની ઓળખ કરવા માંગે છે.