ન્યૂઝ ડેસ્કઃ ન્યાયમાં વિલંબ થવાના અનેક કારણો છે, પરંતુ સૌથી મોટું કારણ એ છે કે ન્યાયાધીશોની પૂરતી સંખ્યા નથી. દેશની હાઈ કોર્ટ્સમાં 40% જગ્યાઓ ખાલી પડી છે, જ્યારે નીચલી અદાલતોમાં પણ 20%થી વધુ પદો પર ભરતી નથી થઈ.
કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં કામકાજ અટક્યું તે રીતે ન્યાયતંત્રની કામગીરી પણ ઠપ થઈ ગઈ હતી. તેના કારણે હવે કેસોની સંખ્યાનો ભરાવો અનહદ વધી ગયો છે. બીજી બાજુ ભરતી પ્રક્રિયા પણ ના થઈ તેના કારણે ન્યાયાધીશોની જગ્યાઓ પણ ખાલી છે. સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટ્સ માટે કુલ 1,080 ન્યાયાધીશોની જગ્યાઓ મંજૂર થયેલી છે. પરંતુ તેમાંથી 441 જગ્યાઓ એટલે કે લગભગ 40 ટકા પદ આજે પણ ખાલી પડ્યા છે.
સુપ્રીમ કોર્ટે અને હાઈ કોર્ટ્સમાં 661 ન્યાયાધીશોની નિમણૂક થઈ છે, તેમાંથી 255 એટલે કે લગભગ 40 ટકા જગ્યાઓ પર છેલ્લા ત્રણ વર્ષમાં ભરતી થઈ છે. તેમાંથી મોટા ભાગની 2018 અને 2019ના વર્ષમાં ભરતી થઈ છે. હાલના વર્ષોમાં તે પ્રક્રિયા પણ અટકી છે. 2020ના વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં અને દેશની 10 હાઈ કોર્ટ્સમાં કોઈ નિમણૂક થઈ નહોતી. 15 હાઈ કોર્ટ્સમાં 66 જજોની નિમણૂક ગત વર્ષે થઈ હતી.
સુપ્રીમ કોર્ટમાં પ્રમાણમાં સ્થિતિ ઠીક છે. કુલ 34 પદો પરથી અત્યારે 4 પદો ખાલી પડેલા છે. હાલમાં 30 ન્યાયાધીશો કાર્યરત છે તેમાંથી અડધા વધુની નિમણૂકો 2018 અને 2019માં થઈ હતી.
હાઈ કોર્ટ્સમાં 40 ટકા જગ્યાઓ ખાલી
- દેશની 25 હાઈ કોર્ટ્સમાં કુલ 1,046 ન્યાયાધીશોની જગ્યાઓ છે. પરંતુ તેમાંથી 415 (એટલે કે 40 ટકા) જગ્યાઓ પર ભરતી થઈ નથી.
- ચિંતાનું કારણ એ છે કે દેશની 7 હાઈ કોર્ટ્સ એવી છે, જ્યાં અડધાથી પણ ઓછા ન્યાયાધીશોથી કામ ચાલી રહ્યું છે.
- પટણા હાઈ કોર્ટમાં કુલ 53 પદો છે, તેમાંથી માત્ર 21 ન્યાયાધીશોથી કામ ચાલી રહ્યું છે અને 32 જગ્યાઓ ખાલી છે. એટલે કે કુલ સંખ્યામાંથી 60 ટકા જગ્યાઓ ખાલી છે.
- એ જ રીતે કોલકાતા હાઈ કોર્ટમાં કુલ 72 જગ્યાઓ છે, તેમાંથી 40 ન્યાયાધીશોના પદ ખાલી પડ્યા છે. આ રીતે મંજૂર થયેલા પદો સામે 55 ટકાથી વધુ પદો ખાલી પડ્યા છે.
- રાજસ્થાન હાઈ કોર્ટમાં કુલ 50 ન્યાયાધીશોની જગ્યા છે, તેમાંથી 27 જગ્યાઓ ખાલી પડી છે. જોધપુર અને જયપુરની બે બેન્ચોમાં માત્ર 23 ન્યાયાધીશોથી કામ ચાલી રહ્યું છે.
- મધ્ય પ્રદેશમાં કુલ 53માંથી 26 જગ્યાઓ ખાલી પડી છે. આંધ્ર પ્રદેશમાં પણ 37માંથી 18 જગ્યાઓ ખાલી પડેલી છે. આ રીતે મંજૂર થયેલી સંખ્યાથી અડધાથી ઓછી સંખ્યામાં ન્યાયાધીશોથી કામ ચાલી રહ્યું છે.
- દેશની રાજધાનીમાં બેસતી દિલ્હી હાઈ કોર્ટની સ્થિતિ પણ કંઈ સારી નથી. કુલ 60 જગ્યાઓ છે, તેમાંથી 29 ખાલી હોવાનું કેન્દ્ર સરકારે બુધવારે સંસદમાં જણાવ્યું હતું.
- ઓડિશા હાઈ કોર્ટમાં 27 જગ્યાઓ છે, તેની સામે માત્ર 15થી કામ ચાલી રહ્યું છે. 12 જગ્યાઓ ખાલી પડી છે એટલે કે 45 ટકા જેટલી ભરતી થઈ નથી.
નિમણૂક કરવાની સંકુલ પ્રક્રિયા
- સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટ્સમાં ન્યાયાધીશોની નિમણૂક કરવાની પ્રક્રિયા સંકુલ બની છે અને તેમાં પણ વિવાદો થાય છે. સમિતિની ભલામણોના આધારે એટલે કે કૉલેજિયમ પદ્ધતિથી ન્યાયાધીશોની નિમણૂક થાય છે.
- બંધારણની કલમ 124, 217 અને 224 પ્રમાણે સુપ્રીમ કોર્ટ તથા હાઈ કોર્ટ્સમાં ન્યાયાધીશોની નિમણૂક કરવાની હોય છે. 6 ઑક્ટોબર, 1993ના રોજ સેકન્ડ જજીસ કેસમાં ચુકાદો આવ્યો તેના આધારે, તથા થર્ડ જજીસ કેસમાં 28 ઑક્ટોબર, 1998માં સુપ્રીમ કોર્ટના ચુકાદા આવ્યા હતા. તેના આધારે 1998માં મેમોરેન્ડમ ઑફ પ્રોસિજર (MoP) તૈયાર કરવામાં આવ્યો હતો.
- આ મેમોરેન્ડમ પ્રમાણે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની ભરતી કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરે છે, જ્યારે રાજ્યોમાં હાઈ કોર્ટ્સમાં મુખ્ય ન્યાયાધીશે આ પ્રક્રિયાનો આરંભ કરવાનો હોય છે.
- કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે સંસદમાં જણાવ્યું હતું કે હાઈ કોર્ટ્સમાં ન્યાયાધીશોની નિમણૂકોનો મામલો કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સહયોગ અને સહકારથી પાર પાડવાનો હોય છે. “કેન્દ્ર તથા રાજ્યમાં જુદી જુદી બંધારણીય સંસ્થાઓ પાસેથી મંજૂરી તથા વિચારવિમર્શને આધારે તે કાર્ય થતું હોય છે,” એમ તેમણે કહ્યું હતું.