ગુજરાત

gujarat

ETV Bharat / opinion

મ્યાંમારમાં લોકશાહીને લાગી ગયા છે તાળાં - યુનિયન સોલિડારિટી એન્ડ ડેવલપમેન્ટ

વિશ્વ કોરોના મહામારીનો સામનો કરવામાં વ્યસ્ત હતું ત્યારે મ્યાંમારમાં સેનાએ ફરી પોતાનું અસલી રૂપ દેખાડ્યું. દેશની ચૂંટાયેલી સરકારને ઉથલાવી નાખી અને સત્તા ફરી કબજે કરી લીધી. ગયા નવેમ્બર મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં નેશનલ લિગ ફૉર ડેમોક્રસીને બહુમતી મળી હતી, પણ તેની સરકારને હવે હટાવીને લોકશાહીને જ તાળાં મારી દેવાયાં છે.

Democracy
Democracy

By

Published : Mar 22, 2021, 4:44 PM IST

ન્યૂઝ ડેસ્કઃ સેનાએ દેશના પ્રમુખ વિન મિનેટ, રાષ્ટ્રના સલાહકાર ઓંગ સાન સૂકી તથા બીજા મોટા નેતાઓને સેનાએ જેલ ભેગા કરી દીધા છે. વિરોધ કરી લોકોનો અવાજ દબાવી દેવા માટે કડક હાથે અત્યાચારી કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા દોઢ મહિના દરમિયાન વિરોધ પ્રદર્શનો અને પોલીસ તથા સેના સામેની અથડામણમાં 180થી વધુ લોકોના મોત થયા છે.

સેનાના સમર્થન સાથે યુનિયન સોલિડારિટી એન્ડ ડેવલપમેન્ટ (USDP) નામના રાજકીય પક્ષે 2015માં ચૂંટણીમાં જંપલાવ્યું હતું. તે વખતે જ ચેતવણીઓ ઉચ્ચારવામાં આવી હતી કે જો USDPને ચૂંટણીમાં જીત નહીં મળે તો હિંસા જાગશે. આમ છતાં લોકોએ સૂકીના પક્ષને પસંદ કરીને તેને જીતાડી હતી.તે પછી થોડા મહિના પહેલાં ફરીથી યોજાયેલી ચૂંટણીઓમાં 2015ની ચૂંટણી કરતાંય વધારે જનસમર્થન સૂકીના પક્ષને મળ્યું હતું. બીજી વાર વધુ સારી બહુમતી મળ્યા પછી સૂકીની સરકાર હવે કેટલાક અગત્યના બંધારણીય સુધારા કરવાની તૈયારીમાં છે તેવી શંકાના આધારે સેનાએ કાર્યવાહી કરી હતી. સેનાના વડા મિન ઓંગ હલેંગ દ્વારા ચૂંટાયેલી સરકાર સામે બળવો કરીને સત્તા કબજે કરી લીધી.

હલેંગને એવી ચિંતા પણ હતી કે રોહિંગ્યા મુસ્લિમો સામે કરેલી કાર્યવાહી બદલ તેમની સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી થઈ શકે છે. જુલાઈ મહિનામાં તેઓ 65 વર્ષ પૂર્ણ કરે ત્યારે નિવૃત્ત થવાના હતા અને નિવૃત્તિ પછી કાર્યવાહીનો સામનો કરવાનો તેમને ભય હતો.

તેમણે લશ્કરી બળવો કર્યો તેના કારણે મ્યાંમારનું સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. મ્યાંમારની શેરીઓમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાથી લોહી વહી રહ્યું છે. સેનાનો અત્યાચાર વધી રહ્યો છે. પોતે સત્તા પર બેસી જશે તો પોતાની સામે કોઈ તપાસ નહીં થાય તે માનીને તેમણે બળવો કર્યો છે. તેના પરિણામે મ્યાંમારમાં ફરી એક વાર લોકશાહીને તાળાં લાગી ગયા છે.

ભારતને આઝાદી મળી તેના એક વર્ષ પછી તે વખતે બર્મા તરીકે ઓળખાતા મ્યાંમારને પણ બ્રિટિશરોની કેદમાંથી મુક્તિ મળી હતી. જોકે ત્યાં લોકશાહી લાંબું ટકી નહોતી અને 1962માં લશ્કરી શાસન આવ્યું હતું. તે દાયકાઓ સુધી ચાલતું રહ્યું. 1990માં પણ NLDને ચૂંટણીમાં ભારે બહુમતી મળી હતી, પરંતુ સેનાએ સત્તા સોંપણી માટે તૈયાર દાખવી નહોતી. બંધારણ વિના સત્તા સોંપી શકાય તેમ નથી એવું બહાનુ કાઢવામાં આવ્યું હતું. તે પછી ત્યારે પણ બધા જ મોટા નેતાઓને અને લોકશાહીની માગણી કરનારાને જેલમાં પૂરી દીધા હતા. આજે ફરી વાર ત્રણ દાયકા પહેલાં જ થયું હતું તેનું જ પુનરાવર્તન થઈ રહ્યું છે.

સેનાએ સત્તા કબજે કરીને એક વર્ષ માટે મ્યાંમારમાં કટોકટી લાદી દીધી છે. સૂકી સામે લાયસન્સ વિનાની વૉકીટૉકી રાખવાનો ગુનો દાખલ કરાયો છે. આ ઉપરાંત કોરોના ગાઇડલાઇન્સનો ભંગ કર્યાનો આરોપ પણ તેમના પર મૂકવામાં આવ્યો છે. સાથે જ તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકીને ગાળિયો કસવાની કોશિશ થઈ રહી છે. અમેરિકા, બ્રિટન અને કેનેડાએ મ્યાંમારના લશ્કરી શાસકો સામે પ્રતિબંધોની જાહેરાત કરી દીધી છે. એ જ રીતે દક્ષિણ કોરિયાએ મ્યાંમારને શસ્ત્રો નહીં વેચવાની જાહેરાત કરી છે.

ઇન્ડોનેશિયા પોતાની રીતે આ કટોકટીનો ઉકેલ લાવવા કોશિશ કરી રહ્યું છે, પરંતુ ચીનનું વલણ સૌથી જોખમી સાબિત થઈ રહ્યું છે. હાલમાં જ ચીને પોતાના ડિફેન્સ ઍક્ટમાં સુધારો કર્યો છે. તેના આધારે હવે પિપલ્સ લિબરેશન આર્મીને ચીનના હિતોની રક્ષા ખાતર બીજા દેશોમાં મોકલવાની સત્તા મળી ગઈ છે. આના કારણે ચીનની ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી બની ગઈ છે. મ્યાંમારમાં લશ્કરી શાસન આવ્યું છે ત્યારે ઈશાન ભારતમાં ભાંગફોડિયા તત્ત્વો સક્રીયના થઈ જાય તે માટેની કામગીરી ભારતે ચોકસાઇપૂર્વક કરવી પડશે.

મ્યાંમારના લોકોની આઝાદી અને તેમના કલ્યાણની ભાવના સાથે સંયુક્ત રાષ્ટ્રસંઘે પોતાની ભૂમિકા ભજવવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે મ્યાંમારમાં ફરી લોકશાહીની સ્થાપના થાય તો જ આ દેશની જનતાને લોકતંત્રના ફળ મળે, ગરીબી અને અસમાનતા દૂર થાય.

ABOUT THE AUTHOR

...view details