નવી દિલ્હી : ઉદ્યોગો ઉત્પાદન ખર્ચ ઘટાડી શકે તે માટે સ્પર્ધાત્મક માહોલ સરકારે ઊભો કરવો પડે અને સરકાર તથા ઉદ્યોગોએ એકબીજા પર ભરોસો રાખવો પડે. આયાતી વસ્તુઓ માટે ચીનના બદલે તાઇવાન કે વિયેટનામ પર આધાર રાખવાને કારણે ફાયદો થશે તેની કોઈ ખાતરી નથી. ભારતે ચીન તરફ વાસ્તવિક દૃષ્ટિ કેળવવી પડશે નહિતો પોતાના અર્થતંત્રને જ નુકસાન થશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. તેમની સાથેની વાતચીતના અંશોઃ
સવાલઃ ભારતે 59 ચીની ઍપ્સ પર પ્રતિબંધ મૂક્યો તે માત્ર પ્રતિકાત્મક છે કે ચીનને ખરેખર તેનાથી નુકસાન થશે?
એક સંદેશ તેમાં છે તે ખરું, પણ ખરેખર તેનાથી શું હાંસલ થશે તે સ્પષ્ટ નથી. આવા સમયે માત્ર પ્રતિકાત્મક પગલાંનું પણ મહત્ત્વ હોય છે, પરંતુ સપ્લાય ચેઇનને વિખેરવાની વાત કરતાં હો કે ચીન પરની નિર્ભરતા સાવ બંધ કરી દેવા માગતા હો તો તે શક્ય નથી. મને નથી લાગતું કે કોઈ ગંભીરતાથી તેના માટે વિચારતું પણ હોય. પ્રતિકાત્મકની જગ્યાએ નક્કર વિચારવાનું રહેશે. પડોશી દેશ સાથે વ્યૂહાત્મક યુદ્ધ કે વ્યૂહાત્મક સંબંધમાં હો ત્યારે તે લાંબા ગાળાનો હોય અને તેના માટે આયોજન અને વિચાર જોઈએ. રોમની રચના કંઈ રાતોરાત નહોતી થઈ. એ જ રીતે સપ્લાય ચેઇન રાતોરાત ઊભી થતી નથી. બાયડુ હોય કે પેટીએમ, ઘણા વર્ષોથી ચીનનું રોકાણ ભારતમાં આવતું રહ્યું છે. આપણા અર્થતંત્રમાં ચીન બરાબર વણાઈ ગયું છે. તેથી રાતોરાત તેને દૂર કરી શકાશે નહિ. માત્ર ભારત નહિ, સમગ્ર જગત તેમાં મુશ્કેલી અનુભવી રહ્યું છે. પ્રતિકાત્મક અને વાસ્તવિકતા અલગ છે તેમ સમજીને નક્કર બાબત શું છે તે સમજીને તેના પર પગલાં લેવાં જોઈએ, જે લાંબા અંતરે કામ આવશે.
સવાલઃ ટિકટોકની વાર્ષિક આવક 2019માં 17 અબજ હતી, જેમાં ભારતનો હિસ્સો માત્ર 0.03 ટકા હતો. તેના કારણે ચીનને શું ફરક પડવાનો અને શું ઉલટાનું ભારતમાં તેની નોકરી કરનારાને જ વધારે નુકસાન થવાનું?
એપ્સની દુનિયામાં રિપ્લેસમેન્ટ શક્ય છે. ભારત તેમાં બહુ પાછળ નથી. ભારતીયો મોટા પાયે એપ્સ બનાવી રહ્યા છે અને સૌથી વધુ ડાઉનલોડ પણ કરી રહ્યા છે. મારી ચિંતા મોટા પાયે સપ્લાય ચેઇનને વિખેરી નાખવાની બાબતમાં છે. ભારતમાં ફાર્મા કંપનીઓનો 70 ટકા કાચો માલ ચીનથી આવે છે. શા માટે ચીનથી આવે છે તેવો સવાલ વર્ષો અગાઉ પૂછવાની જરૂર હતી. આજે હવે અચાનક તે પુરવઠો બંધ કરી શકીએ તેમ નથી.
એવી જ રીતે મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ માટે મેઇડ ઇન ચીન સાધનસામગ્રી આવે છે, તે બંધ કરી દેશો તો તેની અસર મેઇડ ઇન ઇન્ડિયા પર થશે. રોગચાળા પછી બેરોજગારી દૂર કરવાથી છે અને અર્થતંત્રને બેઠું કરવાનું છે ત્યારે ચીનને નહિ, તમે જાતને જ વધારે નુકસાન કરી રહ્યા છો. આ બધી બાબતોનો વિચાર કરી લેવો પડે. ચીનનો સામનો કરવા માટે લાંબા ગાળાનો વ્યૂહ વિચારવો પડે. પ્રતિકાત્મક વિરોધ અને સંદેશ આપવાની વાત ઘોંઘાટ કરવા માટે બરાબર છે, પણ તેનાથી વાસ્તવિકતામાં કંઈ ફરક પડવાનો નથી.
ચીની ઉત્પાદનોને અટકાવી દેવાથી મેઇક ઇન ઇન્ડિયાની ગતિ મંદ પડી શકે છેઃ સંજોય જોષી - gujaratinews
ચીનની 59 ઍપ્સને બૅન કરી દેવાઈ તેનું પ્રતીકાત્મક મહત્ત્વ છે, પણ તેનાથી ખરેખર શું ફાયદો થશે તે શંકાસ્પદ છે. ચીનને આર્થિક ફટકો મારવા માટે ભારતે લાંબા ગાળાનું આયોજન કરવું પડશે એમ ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશ (ORF)ના ચેરમેન સંજોય જોશી કહે છે. સિનિયર પત્રકાર સ્મિતા શર્મા સાથેની વાતચીતમાં જોષીએ કહ્યું કે પુરવઠાના પ્રવાહને રાતોરાત ફેરવી નાખવો મુશ્કેલ હોય છે. આ રીતે ચીનના ઉત્પાદનો અટકાવી દેવાના કારણે મેઇક ઇન ઇન્ડિયા કાર્યક્રમને જ અસર થશે.
ચીન સામે વ્યૂહાત્મક રીતે આપણે કેટલાંક પગલાં લેવા પડે. તમારે ઉદ્યોગોને વધારે સ્પર્ધાત્મક બનાવવા પડે અને તે કંઈ થોડા મહિનામાં થઈ જવાનું નથી. તમારે પાયાના સ્તરે કામ કરવું પડે અને મૂડીરોકાણ અને શ્રમ તમારે ભારતમાં સસ્તા બનાવવા પડે. નહિતો તમે ભારતમાં ઉત્પાદનનો ખર્ચ વધારી દેશો અને વિશ્વમાં સ્પર્ધામાંથી તમે ફેંકાઈ જશો.
સવાલઃ ભારતમાં ચીનનું રોકાણ ત્રણ વર્ષમાં પાંચ ગણું વધ્યું છે - 2014માં 1.6 અબજ ડૉલર હતું તે 2017માં વધીને 8 અબજ ડૉલર થઈ ગયું હતું. ચીનની કંપનીઓએ થર્ડ કંપનીઓ દ્વારા આડકતરી રીતે કરેલું રોકાણ જૂદું. સત્તાવાર આંકડાથી તે 25 ટકા વધુ હશે. ભારતમાં ખરેખર કેટલું ચીન રોકાણ હશે?
કોવીડ પછી દુનિયાભરમાં આવા સવાલો પૂછાઈ રહ્યા છે. કોઈ પણ એક દેશ પર કે ખાસ કરીને ચીન પર આધાર રાખવાને કારણે શું થઈ શકે તેનો ખ્યાલ ભારત સહિત સૌને આવી ગયો છે. સમગ્ર દુનિયા સપ્લાય ચેઇનની ગૂંચ ઉકેલવા પ્રયત્નશીલ છે. જોકે સમજુ લોકો જાણે છે કે તેના માટે 3થી 7 વર્ષ કે કદાચ 10 વર્ષ લાગી શકે છે. કંપનીઓ અને લોકો મોટા પાયે રોકાયેલા છે અને નાણાંકીય કંપનીઓ પણ તેમાં છે. ભારત માટે ચોક્કસ તક છે અને તે માટે આજે આપણે આયોજન કરવું જોઈએ.
સવાલઃ અહેવાલો પ્રમાણે ચીને 26 અબજ ડૉલરના રોકાણનું આયોજન કરેલું છે. ચીનથી અલગ થવાનું વિચારીએ ત્યારે વિકલ્પો શું છે?
મૂડીરોકાણ માટે ભારતને સ્પર્ધાત્મક બનાવવું પડે, તેને સરળ અને સહજ બનાવવું પડે. દાખલા તરીકે ભારતમાં ઉત્પાદન ખર્ચ બહુ આવે છે તેને નીચે લાવવો પડે. ચીન કે પાકિસ્તાને કશુંક કર્યું તેના કારણે ઉત્પાદન ખર્ચ વધુ છે તેવં નથી. આપણી નીતિઓને કારણે ઉત્પાદન મોંઘુ બન્યું છે. વીજળીના દરો ઘટાડો. આજે દરેક સમસ્યાનો સહેલો રસ્તો શોધવામાં આવે છે. નાણાકીય કટોકટી ઊભી થાય એટલે વેરો વધારી દો. ઉર્જા સેક્ટરમાં એ જ થઈ રહ્યું છે. આ જે ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં પણ એ જ થયું છે.
કટોકટીના સમયે ખર્ચ ઘટાડવાથી અર્થતંત્રને ફાયદો થઈ શકે છે. ઉત્પાદન, બાંધકામ, માળખું અને પુરવઠાનો પ્રવાહ વિશે વિચારો ત્યારે આકરી રીતે વિચારવું પડશે અને જોવું પડશે કે ઉદ્યોગો કેવી રીતે પ્રોત્સાહક બને. તે પછી જ ચીનના પડકારનો સામનો થઈ શકે. થોડી ઍપ્સ પર પ્રતિબંધ મૂકવાથી ચીનનો પડકાર ઉપાડી શકાશે નહિ.
સવાલઃ સરકારી નીતિઓને શું નડે છે? ઉદ્યોગો કેવી રીતે તેમાં સક્રિય થઈ શકે?
ઉદ્યોગો એવી સ્થિતિ ઇચ્છે છે કે જેના કારણે તેઓ સસ્તામાં ઉત્પાદન કરી શકે. ઉદ્યોગો શ્રમ કાયદાને હટાવી દેવાનું નહિ, પણ તેને તાર્કિક કરવાનું કહે છે. કોઈ ઉદ્યોગો એવું નથી કહેતું કે કામદારોના શોષણ માટે તેમને હક આપો. તેઓ સારા શ્રમ કાયદા ઇચ્છે છે જેથી ઉદ્યોગોને જ રક્ષણ મળે. ભારતમાં કામદારો માટે લગભગ 51 જાતના કાયદા છે. આમ છતાં સંકટ આવ્યું ત્યારે કોઈ કામદારને કશું રક્ષણ મળ્યું નહોતું. આ તંત્રની નિષ્ફળતા છે, જેને બદલવાની જરૂર છે.
ઉદ્યોગો અને સરકાર વચ્ચે સંવાદ થાય તે માટે આપણે ધ્યાન આપી રહ્યા નથી. ઉદ્યોગો અને સરકાર વચ્ચે દિલ્હીના સત્તાધીશો નથી, પરંતુ જીએસટી અને એક્સાઇઝના અધિકારીઓ સાથે સીધો પનારો પડતો હોય છે. જમીન સંપાદન માટે ઉદ્યોગોને બહુ મુશ્કેલી આવે છે. તેના ઉકેલ માટે મહેતન કરવી પડે તેમ છે. માત્ર કાયદા કરવાથી નહિ ચાલે.
સવાલઃ બંદરો પર આયાતી સામાન અટક્યાના અહેવાલો છે. ટેલિકોમ, ઇલેક્ટ્રોનિક્સ, આઈટી બધા ચીની વસ્તુઓ પર નિર્ભર છે. ફાર્મા કંપનીઓની આયાતને કારણે દવાઓ મોંઘી બનવાનો પણ ભય છે. શું વિચારીને લેવાયેલું આ પગલું છે?
અહીં દેખીતો જ વિરોધાભાસ છે. આવા નિયંત્રણો અને અવરોધો મૂકીને ઉલટાનું વેપારમાં સરળતાના સિદ્ધાંતનો જ ભંગ થઈ રહ્યો છે. ઉત્પાદનમાં ચીનની જગ્યાએ ભારતને મૂકવા માટે તમારે થોડા ડગલાં પાછળ જવું પડે તેમ છે. વધુ વિશ્લેષણની જરૂર છે અને પોતાના ઉદ્યોગો પર વિશ્વાસ મૂકવો પડે.
આજે મને લાગે છે કે આપણા ઉદ્યોગો પર જ વિશ્વાસ નથી. આપણે વિચારીએ છીએ કે ઉદ્યોગોમાં બધા કરપ્ટ જ છે અને પૈસો બનાવવા જ આવ્યા છે. કમાણી માટે જ આવ્યા છે, પણ સૌના હિતો સંકળાયેલા છે. નફો એ ખરાબ શબ્દ નથી. અર્થતંત્ર માટે નફો સારો શબ્દ છે અને લોકો માટે પણ. ઉદ્યોગ સાહસિકોને માન આપવું પડે અને વિચારવું પડે કે તે લોકો રોજગારીનું સર્જન કરી રહ્યા છે. માનસિકતા બદલવી પડશે. દરેક ખેડૂત પણ એન્ટ્રપ્રન્યોર જ છે. તેમને સન્માન આપો. આપણે તેમના પર નિર્ભર છીએ. આપણે વિશ્વાસતી કામ કરીશું તો જ અર્થતંત્ર ચાલશે. બંને બાજુનું આ છે. લોકો સરકાર પર ભરોસો નથી કરતા. સરકારી નીતિઓ કાયમી છે તેનો ભરોસો હોતો નથી. બંને બાજુથી ભરોસો પેદા કરવો પડે.
સવાલઃ ચીન પર આધાર ઓછો કરવા તાઇવાન સહિત બીજા વિકલ્પો ભારતે વિચારવા જોઈએ?
એવું થઈ પણ રહ્યું છે. પરંતુ મૂળ સ્રોતની ઘણી વાર ખબર નથી હોતી. આપણે તાઇવાન કે વિયેટનામથી આયાત કરીએ, પણ તે કંપનીઓ ચીનથી જ વસ્તુઓ લાવતી હોય. ચીન સુધી છેડા કેટલા પહોંચે છે તે નક્કી કરવું મુશ્કેલ હોય છે. વૈવિધ્યકરણ એક રસ્તો છે, પણ તેનાય જોખમો છે. તેથી દેશમાં જ થઈ શકે તેટલું કરો અને જોખમ છે તેમ માનીને વૈકલ્પિક પુરવઠા પ્રવાહ ઊભો કરો. મોટા પાયે ઉત્પાદન ચીનમાં થવા લાગ્યું, ત્યારે ઘણા દેશોમાં પણ ઉત્પાદન થવા લાગ્યું. મેઇડ ઇન ચાઇના જ મેઇન ઇન તાઇવાન કે મેઇડ ઇન વિયેટનામ થઈ ગયું. તે બધી બાબતોમાં સૌથી વધુ મૂલ્ય વધારો ચીનમાં જ થતો રહ્યો.
સવાલઃ LACના મામલે સમાધાનની કેટલી આશા છે? પબજી કે પેટીએમમાં શું થશે?
ચીનમાંથી આવેલું રોકાણ ભારત માટે સૌથી સારું રોકાણ છે એટલે તે બગડે નહિ તે જોવું પડશે. તેમનો સ્ટેક અહીં ના હોય ત્યારે તે વધારે આકરું વલણ લે તેવું બને. ચીન આજે કેમ અમુક રીતે વર્તી રહ્યું છે? તેને તક દેખાઈ રહી છે. તેને લાગે છે કે કેટલાક દેશો તેના માટે સ્પર્ધાત્મક બની શકે છે. તેથી તે દેશો માટે સ્થિતિ કેમ મોંઘી બનાવવી? ચીન LAC પર અથવા દક્ષિણ સમુદ્રી ચીનમાં કાર્યવાહી કરે છે કે ઓસ્ટ્રેલિયા પર સાયબર એટેક કરે છે તેની પાછળ પાકી ગણતરી છે. ભારત સહિત આ બધા દેશો માટે સ્થિતિ મોંઘી બને તેવું કરવાનું છે. ચીન વિચારીને ચાલ ચાલી રહ્યું છે, ત્યારે ભારતે પણ વિચારીને પગલાં લેવાં પડે. આપણે કોઈ વિકલ્પ છોડવો જોઈએ નહિ અને તૈયારીઓ કરવી પડે. આપણે અહીં લાંબુ ટકવાનું છે. એશિયા આપણા બંનેનું છે.
-સ્મિતા શર્મા