ન્યૂઝ ડેસ્ક : આ સાઇબર અપરાધીઓ દ્વારા તાજા કૌભાંડો પૈકીનું એક કૌભાંડ છે. તેમનું લક્ષ્ય અગાઉની આંધ્ર બૅન્કના ગ્રાહકો છે. આંધ્ર બૅન્કનું તાજેતરમાં યુનિયન બૅન્કમાં વિલિનીકરણ થઈ ગયું છે. કૌભાંડીઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા લેખિત સંદેશાઓ મોકલી રહ્યા છે. કૌભાંડની જાળમાં સપડાઈને કેટલાક પીડિતોએ લાખો રૂપિયા ગુમાવ્યા છે. બૅન્કના અધિકારીઓનો સંપર્ક કર્યા પછી તેઓ સમજ્યા કે તેમની સાથે ઠગાઈ થઈ છે. હવે તેઓ સાઇબર ક્રાઇમ પોલીસ તરફ જોઈ રહ્યા છે.
કસ્ટમરની માહિતી તફડાવ્યા પછી આ કૌભાંડીઓ નિવૃત્ત અધિકારીઓ અને ગૃહિણીઓને આવા લેખિત સંદેશાઓ મોકલી રહ્યા છે. પોલીસ કહે છે કે તેઓ આ લક્ષ્ય કરાયેલા સમૂહો તરફથી ઝડપી પ્રતિસાદનું અનુમાન કરીને આમ કરી રહ્યા છે. રોકડ ઉપાડના લેખિત સંદેશ મળ્યા પછી પીડિતો ભયમાં આવી જાય છે અને કૌભાંડીઓનો સંપર્ક કરે છે. બીજી તરફ કૌભાંડીઓ અસ્ખલતિ હિન્દી અને અંગ્રેજીમાં બોલે છે, ગ્રાહકોનાં નામ અને સરનામાની સાચી વિગતો આપે છે. હૈદરાબાદના બંજારા હિલ્સમાં રહેતા એક પૂર્વ બૅન્ક અધિકારીની સાથે આ રીતે ઠગાઈ થઈ છે. તેમના તરફથી યુપીઆઈ ક્રમાંક મળ્યા પછી કૌભાંડીઓએ તેમના ખાતામાંથી ૯૦,૦૦૦ ઉપાડી લીધા.