દેશમાં હવામાં છોડવામાં આવતાં પ્રદૂષણના કણો ડબલ્યુએચઓએ સૂચવેલા સ્તર કરતાં 10થી 11 ગણા વધુ છે. એ હકીકત છે કે લોકડાઉનના સમયગાળા દરમ્યાન હવાનું પ્રદૂષણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટ્યું હતું. જોકે, પ્રદૂષણના કણોનો આ ઘટાડો ટૂંકા ગાળા માટે હતો. સેન્ટર ઓફ સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટે પોતાના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે ઓક્ટોબર, 2020થી જાન્યુઆરી, 2021 દરમ્યાન હવાના પ્રદૂષણનું સ્તર પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ ઊંચું હતું.
99 દેશોમાં સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસોમાં મળેલાં પરિણામોના આંકડા દર્શાવે છે કે દેશનાં 43 શહેરોમાં ચેતવણીજનક સ્થિતિ પ્રવર્તે છે. આ શહેરોમાં ગુરુગ્રામ, લખનઉ, જયપુર, આગ્રા, નવી મુંબઈ, જોધપુર, કોલકતા, વિશાખાપટનમ અને અન્ય શહેરો સામેલ છે. ડેટા દર્શાવે છે કે તાપમાન ઘટે ત્યારે પ્રદૂષણ વધતું હોય તેવાં શહેરોમાં ઔરાંગાબાદ, ઈન્દોર, ભોપાલ, કોચી, કોઝીકોડ જેવાં શહેરોનો સમાવેશ થાય છે.
દિલ્હી આઈઆઈટી અને હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા સંયુક્તપણે હાથ ધરાયેલો અભ્યાસ દર્શાવે છે કે પાંચ વર્ષથી નાનાં બાળકોમાં જે પ્રમાણમાં હવાનું પ્રદૂષણ વધ્યું હોય, તેટલી માત્રામાં એનિમિયા વધતો જોવા મળ્યો છે. કમનસીબે જ્યારે હવામાં પ્રદૂષણની સ્થિતિ વધુ બગડી રહી છે, તેવા સમયે હવાની ગુણવત્તા વધારવા માટેની અંદાજપત્રીય જોગવાઈઓમાં ઘટાડો કર્યો છે. કેન્દ્ર સરકારે ઓછામાં ઓછું સીએસઈના સંશોધનના પરિપ્રેક્ષ્યમાં આ નાણાંકીય ફાળવણી વધારવી જોઈએ.
લાંબો સમય હવાના પ્રદૂષણમાં રહેતા લોકોમાં મગજ અને કીડનીની કામગીરી ગંભીર રીતે કથળી હોવાનું જોવા મળ્યું છે. હવાની ગુણવત્તાના પ્રમાણ મુજબ ફેફસાંને લગતું જોખમ પણ વધે છે. હવાની ગુણવત્તા સુધારવા માટેના નેશનલ એક્શન પ્લાનના અમલમાં પણ ગંભીર ત્રુટિઓ છે. નીતિ આયોગે જૂના થર્મલ પાવર પ્લાન્ટ્સ બંધ કરવા સૂચવ્યું હતું અને કચરાના વ્યવસ્થાપનમાં સુધારો લાવવા માટે પણ જણાવ્યું હતું. પરંતુ આવી શાણી સલાહોને અનુસરવામાં કોઈને રસ હોય તેમ લાગતું નથી. પ્રદૂષણ નિયંત્રણ માટે ઘડાયેલા કાયદાઓના અનુપાલનમાં ભાગ્યે જ કોઈ રસ હોય તેમ જણાય છે.