ન્યૂઝ ડેસ્ક: ચીન અને બાંગ્લાદેશ અપરાધીઓને મૃત્યુદંડની સજા ફટકારે છે, તો યુનાઇટેડ કિંગ્ડમ, બ્રાઝિલ, ફ્રાન્સ અને સ્પેન જેવા દેશો દેખરેખની કાર્યવાહી વધારી રહ્યા છે અને ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ્ઝ પર નજર રાખી રહ્યા છે. જો કે, સ્થાનિક બજારમાં યોગ્ય પ્રતિકારક કાર્યવાહીના અભાવનો ગેરલાભ ઊઠાવીને આવી ગેંગ તેમનો ધંધો ચલાવી રહી છે. કાયદો અને નિયંત્રણો માત્ર ત્યારે જ અસરકારક બની શકે, જ્યારે કોઇપણ પ્રકારના વિઘ્ન વિના તે ઘડવામાં આવે અને યોગ્ય રીતે તેનો અમલ કરવામાં આવે.
હાલની કટોકટીની સ્થિતિને લાભ ખાટવા માટેની તકમાં પલટાવવાની કામગીરીમાં રત આ પૈસાના પૂજારીઓને નાણાં રળવા માટેનો ગેરકાયદેસર વિચાર સ્ફૂર્યો છે. ચાંપતી દેખરેખની વ્યવસ્થા ભ્રષ્ટાચારીઓની ગેંગને નાબૂદ કરવામાં અને જનતાના સ્વાસ્થ્યનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડી છે. આ દરમિયાન, કેગના અહેવાલે દેશમાં વહીવટી અને વ્યવસ્થાની દ્રષ્ટિએ રહેલી ખામીઓની નોંધ કરી છે, જેમાં દૂધ અને કઠોળથી માંડીને તેલ અને મસાલામાં પણ ભેળસેળ થતી હોય છે.
કોરોના વાઇરસની મહામારીના સમયમાં વિવિધ ગેંગ હાથની સ્વચ્છતાના વધી રહેલા મહત્વમાંથી રોકડી કરવામાં લાગી ગઇ છે. સેનિટાઇઝર્સની માગમાં એકાએક વધારો થતાં, કેન્દ્ર સરકારે આશરે પાંચ મહિના પહેલાં 200 મિલી સેનિટાઇઝર માટે 100 રૂપિયાની મહત્તમ કિંમત નક્કી કરતી નીતિ રજૂ કરી હતી. ઇથાઇલ આલ્કોહોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અને પ્રોપાઇલ આલ્કોહોલનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત સેનિટાઇઝર્સ બનાવવા માટેની માર્ગદર્શિકાઓ જારી કરવામાં આવી છે. જોકે, ગણતરીના અઠવાડિયાઓમાં જ, નકલી સેનિટાઇઝર બનાવતી ગેંગ નોઇડા, જમ્મુ અને કાશ્મીર, મુંબઇ, વડોદરા, બેંગલોર તથા હૈદરાબાદમાંથી ઝડપાઇ હતી.
નાની અમથી તપાસથી થયો મોટા રેકેટનો પર્દાફાશ
પ્રકાસમ, કડપા અને ચિત્તૂર જિલ્લાઓમાં દારૂની લત ધરાવનારી આશરે 50 જેટલી વ્યક્તિઓ આવેશમાં આવીને સેનિટાઇઝરનું સેવન કરતાં મોતને ભેટી હતી. મોતની આ ઘટનાના સ્વરૂપ મામલે તપાસ કરી રહેલી પોલીસ સમક્ષ ઘણા મોટા રેકેટનો અને તેને પગલે ગેરકાયદેસર ઉદ્યોગનો પર્દાફાશ થયો હતો!! કેમિકલ મિથેનોલ બજારમાં એક લીટરદીઠ સરેરાશ 10થી 15 રૂપિયાના સસ્તા ભાવે મળી રહે છે. આ જાણ્યા બાદ અસામાજિક ટોળકીઓએ કેમિકલ મિથેલોનમાં અન્ય કેમિકલો ભેળવવાનું શરૂ કર્યું અને આ રીતે ભેળસેળવાળાં ઉત્પાદનો બનાવવા માંડ્યાં. આ નકલી ચીજવસ્તુઓનો વ્યવસાય હવે હૈદરાબાદના પરાં વિસ્તારોમાં ગૃહ ઉદ્યોગના સ્વરૂપમાં વિકસી રહ્યો છે. આ તકસાધુ વેપારીઓ અંગત સ્વચ્છતાના પ્રોટોકોલના સ્વાંગમાં કેવી રીતે લાખો લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છે, તે જોઇને સાચે જ આશ્ચર્ય ઉપજે છે.