- અત્યારસુધી ઇન્સ્ટાગ્રામ લાઈવમાં માત્ર બે લોકો જ જોડાઈ શક્તા હતા
- ઇન્સ્ટાગ્રામની નવી અપડેટમાં એક સાથે 3 લોકોને લાઈવમાં જોડી શકાશે
- લાઈવ રૂમ સાથે સાથે એપ્લિકેશનને વધુ ઈન્ટરેક્ટિવ બનાવવાનો પ્રયાસ કરાયો
નવી દિલ્હી: ફેસબુકે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ રૂમની શરૂઆત કરી છે. જેથી વપરાશકર્તાઓ ફોટો શેરિંગ પ્લેટફોર્મ પર ત્રણ લોકો સાથે લાઈવ થઈ શક્શે. અગાઉ, વપરાશકર્તાઓ ઇન્સ્ટાગ્રામ લાઈવ સ્ટ્રીમમાં ફક્ત એક જ અન્ય વ્યક્તિ સાથે લાઈવ થઈ શક્તા હતા.
આગામી અપડેટમાં આવી જશે લાઈવ રૂમ
ટૂંક સમયમાં જ આ ઇન્સ્ટાગ્રામ લાઇવ રૂમ દરેક માટે ઉપલબ્ધ થશે. તેમાં લાઇવ રૂમ સાથે સાથે દર્શકો હોસ્ટ માટે બેજીસ ખરીદી શકે છે અને અન્ય ઇન્ટરેક્ટિવ સુવિધાઓનો ઉપયોગ કરી શક્શે. કંપનીએ કહ્યું હતું કે, અમે મધ્યસ્થી નિયંત્રણ અને ઑડિયો સુવિધાઓ લાવવા માટે વધુ ઇન્ટરેક્ટિવ ટૂલ્સની પણ શોધ કરી રહ્યા છીએ. જે આવતા મહિના સુધીમાં ઉપલબ્ધ થશે.
લાઈવ રૂમ કઈ રીતે કામ કરે છે?
લાઈવ રૂમ શરૂ કરવા માટે ડાબી તરફ સ્વાઈપ કરીને લાઈવ કેમેરાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ એક ટાઈટલ એડ કરીને અન્ય લોકોને જોડવાના રહેશે. જેના માટે કેમેરા આઈકોન પર ક્લિક કરવાનું રહેશે. જ્યારે કોઈપણ લાઈવ રૂમ શરૂ કરવામાં આવે અને તેમાં ગેસ્ટને એડ કરવામાં આવે ત્યારે મુખ્ય બ્રોડકાસ્ટર સ્ક્રીનની ટોચ પર રહેશે. એક સમયે એક અથવા ત્રણ ગેસ્ટને એડ કરી શકાય છે. ફેસબુકે જણાવ્યું હતું કે, "જેમનો લાઇવ એક્સેસ અમારા કોમ્યુનિટી ગાઈડલાઈન્સનાં ઉલ્લંઘનને કારણે રદ કરવામાં આવ્યો છે, તેઓ લાઇવ રૂમમાં જોડાશે નહીં." આ ઉપરાંત બ્લોક કરવામાં આવેલા લોકો પણ લાઈવ રૂમમાં ભાગ નહી લઈ શકે.