વલસાડ: વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચણોદ કોલોનીમાં 11મી જાન્યુઆરીએ રાત્રે રેખાબેન બ્રહ્મદેવ મહેતા અને તેમની મિત્ર અનિતા શેખર ખડસે પર બે અજાણ્યા ઈસમોએ માથાના ભાગે અને શરીરના ભાગે ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી પલાયન થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાને ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. વલસાડ જિલ્લા પોલીસે આ ચકચારી હત્યા કાંડમાં 5 લાખની સોપારી આપનાર મૃતક રેખાબેનના પુત્રની અને તેમના મિત્રની ધરપકડ કરી છે. જ્યારે હત્યારાઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીએ જણાવ્યું હતું.
જિલ્લા પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે, ચણોદ કોલોનીમાં રહેતા રેખાબેન બ્રહ્મદેવ ભાઈ મહેતા અને તેમને ત્યાં આવેલી તેમની બહેનપણી અનિતા ઉર્ફે દુર્ગા ખડશે પર 11મી જાન્યુઆરીએ રાત્રિના 9 વાગ્યા આસપાસ મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરીંગની ઘટનામાં બંને મહિલાઓ ઘટના સ્થળે જ મોતને ભેટી હતી. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવી હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે મૃતક રેખાબેનના પુત્રની પણ ઉલટ તપાસ કરી હતી. આ ઉલટ તપાસમાં રેખાબેનના પુત્રએ ગુનો કબુલ કરી હત્યા પાછળનું ચોંકાવનારૂં કારણ જણાવ્યું હતું.