- સોનાચાંદીના દાગીના તથા એક ત્રણ લાખની કીમતની કારની લૂંટ ચલાવી
- ઘરના હાજર સભ્યોને છરી,દાતરડી અને ધોકાના બળે કબજે કરી ખુલ્લી લૂંટ કરી નાસી છૂટ્યાં
- પોલીસે નાકાબંધી કરી તો કાર મૂકી નાસી ગયાં
દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લો વીતેલાં થોડા સમયથી લૂંટ, હત્યા, ખૂન, ગંભીર મારામારી, ફાયરિંગ અને પોલીસ સામે માફિયાગીરી કરવામાં બે કદમ આગળ વધી રહ્યો છે. જિલ્લામાં લૂંટ, હત્યા અને ચોરીના બનાવો સતત વધી રહ્યાં છે. ભાણવડની જ વાત કરીએ તો હમણાં થોડા સમય પહેલાં માનપર ગામેથી દાગીનાની મોટી ચોરી થઇ હતી જેનું પગેરું હજી સુધી મળી શક્યું નથી. ત્યારે ગત મહિનાઓમાં ભાણવડ ટાઉનમાંથી એક ખેડૂતના હાથમાંથી લાખોની રોકડ લઈને આરોપીઓ નાસી છૂટ્યાં હતાં જે આરોપીઓ તો હમણાં થોડા સમય પહેલા ઝડપાઈ ચૂક્યાં છે. ત્યારે વધુ એક લૂંટની ઘટના બની છે. ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા ગોરધનભાઈ ટપુભાઈ પરેસાના ઘરે ગત મોડી રાત્રે સવા એક વાગ્યાની આસપાસ બુકાનીધારી ચાર વ્યક્તિઓએ તેમના ઘરના હાજર સભ્યોને છરી,દાતરડી અને ધોકાના બળે કબજે કરી અને તેમના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના કિમત રૂપિયા 537000 તથા એક ક્વીડ મોટર કાર જેની કિમત રૂપિયા 3,00,000 મળીને કુલ રૂપિયા 8,37, 000ની લૂંટ કરીને ઘરના સભ્યોને ઘરમાં કેદ કરી મોબાઈલ ફોન પણ લઈને નાસી છૂટ્યાં હતાં. બાદમાં ઘરના સભ્યોએ રાડારાડી કરતાં આજુબાજુના લોકોએ આવીને તેમને ઘર બહાર કાઢ્યાં હતાં.