સુરત શહેર પોલીસ આરોપીઓ કે નિર્દોષ કોઈને પણ એક વખત તેમની ઝપટમાં આવે એટલે કઇ પણ વિચાર કર્યા વિના અમાનુષી અત્યાચાર ગુજારવામાં પાછું ફરીને જોતી નથી. આવી જ કઈક ઘટના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં બની છે. પીડિત યુવાનને સારવાર માટે કોર્ટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલતા ડીંડોલી પોલીસની નિર્દય હરકતો બહાર આવી છે. હવે પોલીસ પણ કોર્ટ કાર્યવાહીની ભીંસમાં આવે તેવી સંભાવના છે.
ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના એક ગુનામાં શકમંદ તરીકે ઝડપાયેલી યુવતીએ તેની બહેનપણીના ઘરમાં અંદાજે દોઢ લાખ રૂપિયાની ચોરી કરીને આ રૂપિયા ડીંડોલી ગોડાદરા ખાતે આવેલી વરદાન રેસીડન્સીમાં રહેતા બોબી ક્રિષ્ના યાદવને આપ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ વરદાન રેસીડન્સી ખાતે તપાસ અર્થે ગઇ હતી. પરંતુ 21 વર્ષીય યુવાન બોબી નોકરી પર ગયેલો હોવાથી તેની માતાએ બોબીને ફોન કરીને સમગ્ર વાત કરી હતી. જેથી બોબી આ કેસમાં કંઈ ન જાણતો હોવાનું કહેવા માટે 27મી તારીખના રોજ ડીંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં પોલીસ સ્ટાફ દ્વારા બોબીને ઢોર માર મારીને અર્ધ બેભાન બનાવી દેવાયો હતો. ત્યાર બાદ તેના ગુપ્તાંગમાં પેટ્રોલ નાંખવા સાથે મરચાની ભૂકી પણ નાખી હતી. માનવતા નેવે મુકીને ડીંડોલી પોલીસ દ્વારા બોબી નામના યુવાન પર અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવતા આખરે બોબીના પિતાએ પોલીસનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. જો કે, તેમને બોબીને મળવા દેવાયા ન હતા. એટલું જ નહીં પિતાને પણ અંદર કરી દેવાની ધમકી આપી હતી.