સીંગણપોરના વણઝારા વાસ તાપી નદીના કિનારે કડકડતી ઠંડીમાં ઝાડીમાંથી રડતી હાલતમાં એક નવજાત શિશુ મળી આવ્યું હતું. આ બાળકને ત્યજી દેનાર નિષ્ઠુર માતા-પિતાને શોધી કાઢવામાં ચોકબજાર પોલીસને સફળતા મળી છે. ચોક બજાર પોલીસે આ માતાપિતની ધરપકડ કરી હતી.
પુત્રીની આશામાં પુત્ર જન્મ થતા નિષ્ઠુર માતા-પિતાએ નવજાત બાળકને ત્યજી દીધું
સુરત: પુત્રીની આશામાં પુત્ર જન્મ થતા નિષ્ઠુર માતાપિતાએ નવજાત બાળકને કડકડતી ઠંડીમાં ત્યજી દીધું હતું. સુરત પોલિસે માતાપિતાની ધરપકડ કરી છે. અઠવાડિયા અગાઉ આ દંપતીએ પોતાના નવજાત બાળકને નદીના કિનારે કડકડતી ઠંડીમાં ત્યજી દીધું હતું.
અઠવાડિયા અગાઉ સીંગણપોર ગામના ટેકરા ફળિયામાં વણઝારા વાસમાં ઘોર અંધકારમાં કડકડતી ઠંડી વચ્ચે લોકોને માસૂમના રડવાનો અવાજ સંભળાતા જે દિશામાંથી અવાજ આવતો હતો. તે તરફ જઇ તપાસ કરતા એક દિવસનું તાજુ જન્મેલું માસૂમ બાળક ઝાડી-ઝાંખરામાં ત્યજી દેવાયેલી હાલતમાં જોઇ ચોંકી ગયા હતા. જે બાદ લોકોએ તાત્કાલિક 108 તેમજ પોલીસને જાણ કરી હતી. જેથી 108ની ટીમ આવી પહોંચી હતી. નવજાત શિશુને તુરંત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું હતું. આ ઘટનામાં ચોકબજાર પોલીસે નવજાત શિશુંને ત્યજી દેનાર નિષ્ઠુર માતા-પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન રાત્રે ચોકબજાર પોલીસે માસુમને ત્યજી દેનાર નિષ્ઠુર માતા ગંગાબેન મંગુભાઇ વણઝારા અને ટ્રક ડ્રાઇવર પિતા મંગુભાઇ નરસિંહ વણઝારાની ધરપકડ કરી છે. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનમાં ત્રણેય દિકરા હતા. દંપતીને પુત્રી જન્મશે તેવી આશા હતી, પરંતુ પુત્રનો જન્મ થતા માસુમને ત્યજી દીધું હોવાની કબુલાત કરી રડી પડ્યા હતા.