- 3 સંતાનોના પિતાએ પ્રેમિકાને ભગાડ્યા બાદ પરત ફરીને આત્મહત્યા કરી
- ગામના લોકો મારશે તેવા ભયથી ઝેરી દવા ગટગટાવી
- ખેતમજૂરી કરતી પરિણીતા સાથે આંખો મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો
વડોદરા: કરજણ તાલુકાના વલણ ગામે રહેતો અને મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી જોહરસિંહ સતિષસિંહ ખેડા 3 સંતાનોનો પિતા હતો. તેમજ પત્ની તથા સંતાનોના પરિવાર સાથે રહેતો હતો. તે કરજણના વલણ ગામે રોજગાર કમાવવા માટે સ્થાયી થયો હતો. આ દરમિયાન તેને તેની સાથે ખેતમજૂરી કરતી પરિણીતા સાથે આંખો મળી જતાં પ્રેમસબંધ બંધાયો હતો. આ બંનેએ ગામમાંથી ભાગી જવાનો પ્લાન બનાવી ભાગી ગયા હતાં.
મૃતદેહને વડોદરાની એસેસજી હોસ્પિટલમાં પીએમ કરાવીને વતન લઈ જવામાં આવ્યો
પરિણીત પ્રેમીઓને પ્રેમનો ઉભરો ઓસરી જતાં તેઓ ગામમાં પરત આવી ગયા હતાં. જોહરસિંહ ખેડાએ લોકો મારશે અને સમાજમાં આબરૂ જશે તેવા ડરથી તેમણે પોતાના 3 સંતાનો તથા પત્નીને રામભરોસે મૂકી ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ કરજણ પોલીસને કરવામાં આવતાં પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ જોહરસિંહના વતનમાં તેના પરિવારજનોને પણ કરવામાં આવી હતી. જે પછી મૃતદેહને અંતિમક્રિયા માટે વતન લઇ જવામાં આવ્યો હતો.