અમદાવાદ ટ્રાન્સપોર્ટના ધંધાની આડમાં દારૂનો વેપલો કરતા 6 શખ્સો ઝડપાયા - Ahmedabad
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં બુટલેગરો બેફામ-રીતે દારૂનો વેપલો કરી રહ્યા છે. વર્ષે દહાડે કરોડો અબજો રૂપિયાના દારૂની હેરોફેરી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. જેને ડામવા માટે ગત વર્ષે રાજ્ય સરકાર દારૂબંધીના કાયદાઓને વધુ કડક બનાવવામાં આવ્યા હતા અને તમામ એજન્સીઓને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં શખ્સો વિરૂધ્ધ સઘન કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસ તંત્રએ કેટલાક બુટલેગરોને ઝડપીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ બુટલેગરોને પોલીસનો કોઈ ખોફ રહ્યો ન હોય તે રીતે બુટલેગરો રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા અન્ય સરહદોમાંથી રાજ્યની અંદર સુધી વિદેશી દારૂના મોટો જથ્થો ઘુસાડવામાં સફળ રહે છે. જો કે સ્થાનિક પોલીસ તથા અન્ય એજન્સીઓની સક્રિયતાને કારણે દારૂનો જથ્થો ગ્રાહકો સુધી પહોંચે તે પહેલાં જ ઝડપાઈ રહ્યો છે. આથી, કાર્યવાહી દરમિયાન નારોલ પોલીસે ગત સાંજે ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પરપ્રાંતથી આવેલી એક ગાડીમાં દારૂનો મોટો જથ્થો હોવાની બાતમીને આધારે નારોલ પોલીસે વોચ ગોઠવીને વિદેશી દારૂનો જથ્થો મોકલનાર બુટલેગર સહિત સમગ્ર ષડયંત્રમાં સંડોવાયેલા 6 શખ્સોને ઝડપી લીધા છે.