અમદાવાદઃ શહેરના ઇસનપુરમાં કરણભાઈ દેસાઈ નામના આધેડ રહે છે. તેઓ ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને મોબીકવિક વોલેટનું એકાઉન્ટ તેમના બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલું છે. ગત જુલાઈ માસમાં તેમના માતા પિતાના રહેઠાણનું 2110 રૂપિયા લાઈટ બિલ તેમણે આ મોબીકવિક થકી ભર્યું હતું. જોકે આ બિલ ભરાયું ન હતું અને તેનો મેસેજ પણ આવ્યો હતો. પણ ખાતામાંથી તેમના 2070 રૂપિયા કપાઈ ગયા હતા.
અમદાવાદમાં પૈસા કપાયાની ફરિયાદ કરવા જતાં વધુ એક લાખ રૂપિયા કપાઈ ગયા - મોબીકવિક
અમદાવાદ શહેરના ઓનલાઇન ઠગાઇના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં લાઇટબિલ ભરવા જતાં બિલ ના ભરાયું, પરંતુ પૈસા કપાઈ ગયા ત્યારે 2070 રૂપિયા કપાવવાની ઓનલાઇન કસ્ટમર કેરનો નંબર લઈને ફોન કરીને ફરિયાદ કરતા વધુ 1 લાખ રૂપિયા ખાતામાંથી ઉપાડી ગયા હતા. જે મામલે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી છે.
પૈસા કપાતા તેમને મોબીકવિક કસ્ટમર કેરનો નમ્બર ગૂગલ પર સર્ચ કર્યો હતો. તેમાં જે નમ્બર મળ્યો તેમાં ફોન કર્યો તો સામે વાળી વ્યક્તિએ કવિક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. બાદમાં અન્ય નંબર પરથી કરણભાઈને ફોન આવ્યો અને એક લિંક મોકલી આપી હતી. લિંક અન્ય કોઈને ફોરવર્ડ કરવાનું જણાવી ફોન પર જ બેન્ક ખાતાની માહિતીઓ માંગી હતી.
માહિતી મળતા જ ગઠિયાઓએ તેમના બે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી 1 લાખથી વધુની રકમ ઉપાડી લીધી હતી. જેથી કરણભાઈને પોતે છેતરાયા હોવાની જાણ થતા જ તેમણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોધાવી હતી. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.