ગાંધીનગરઃ શહેરના સેક્ટર-7 પોલીસ સ્ટેશન પીઆઈ જે. એચ. સિંધવના માર્ગદર્શનમાં ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી. ત્યારે સેક્ટર-3 એ ન્યુ પ્લોટ નં-132/2 ખાતે કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રાત્રે સવા એક વાગ્યે રેડ કરતાં ઘરના પ્રથમ માળે લાઈટ ચાલુ જોવા મળી હતી. પોલીસે ઉપર જઈને તપાસ કરતાં પાંચ શખ્સો ઝડપાયા હતા. જેઓની પ્રાથમિક પૂછપરછ કરતાં અમેરિકા ખાતે રહેતો લોકો સાથે લોનના નામે ઠગાઈ કરતાં હોવાનું જણાવ્યું હતું.
બે ભાઈનું કારસ્તાન, પાટનગરમા બેસી અમેરિકાના નાગરિકોને ફોન કરી બાટલામા ઉતારતું કોલ સેન્ટર ઝડપાયું
ગાંધીનગરના સેક્ટર-3-એના રહેણાંકમાં કોલ સેન્ટર ખોલીને લોન આપવાના નામે વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરતા પાંચ યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે. બે ભાઈઓ દ્વારા સંચાલિત કોલ સેન્ટર પર સેક્ટર-7 પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં 5 લેપટોપ, 6 મોબાઈલ અને ટાઉટર મળી કુલ 80,500ની કિંમતનો મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયા હતા.
ઝડપાયેલા લોકોમાં પ્લોટ નં-132/2, સેક્ટર-3-A ન્યૂ ખાતે રહેતા અને મુખ્ય સુત્રધાર પાર્થ અશ્વિનભાઈ શાહ (36 વર્ષ) તથા સનિ અશ્વિનભાઈ શાહ (29 વર્ષ), દિપ અખીલકુમાર પટેલ (24 વર્ષ,પ્લોટ નં-612/1, સેક્ટર-7-A), ધીરજ કાલીદત્ત પાંડે (26 વર્ષ,ગોલ્ડરતન સોસાયટી, કોલવડા), નિકોલસ બર્થોલોમેયુ રાયન (24 વર્ષ, નેનો સિટી-2, સરગાસણ)નો સમાવેશ થાય છે.
પોલીસે 50 હજારની કિંમતના 5 લેપટોપ, 30 હજારની કિંમતના 5 મોબાઈલ અને રાઉટર મળી 80,500ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પાંચેય યુવકો સામે છેતરપીંડી અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તેમના કોરોના ટેસ્ટ કરાવવા સહિતની પ્રક્રિયા હાથધરીને વધુ કાર્યવાહી હાથધરી હતી. આરોપીઓ ઈન્ટરનેટના માધ્યમથી કોલ અમેરિકાના નાગરિકોને ફોન કરતાં હતા. જેમાં સામાવાળાને લોન અપાવવા માટે વિશ્વાસ અપાવીને તેમની પાસેથી ઈન્સ્ટોલમેન્ટના 10થી 15 ટકા પૈસા એડવાન્સ ભરાવતા હતા.