અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા રેખા વાઘેલા નામના મહિલાએ ફરિયાદ નોંધાવી કે, તેમના મોબાઈલ નંબર પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં એક મહિનામાં સોફ્ટવેરની મદદથી ત્રણથી ચાર લાખ રૂપિયા કમાઈ શકાશે એવી લોભામણી જાહેરાત આપવામાં આવી હતી. જે બાદ રેખાબહેને મોબાઈલ નંબર ઉપર ઇન્વેસ્ટમેન્ટ માટે ફોન કર્યો હતો. ત્યારે ફોન પર વાત કરનાર અંકિત રાવલ નામના વ્યક્તિએ તેની કંપનીમાં એક લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી બે લાખ રૂપિયા જેટલો પ્રોફિટ મળશે તેવું જણાવ્યું હતું.
ફોન પર વાત કરનાર અંકિત રાવલ તેમની કંપનીનું સોફ્ટવેરનું આઈડી અને પાસવર્ડ પણ રેખા બેનને આપ્યું હતું. જે બાદ બેન્ક એકાઉન્ટ એક લાખ રૂપિયા જમા કરાવ્યા હતા અને paytmના બેંક એકાઉન્ટમાં બીજા બે લાખ રૂપિયા જમા કરાવ્યા હતા અને ત્યારબાદ વિશ્વાસમાં લેવા માટે 64,800 પરત આપ્યા હતા, પરંતુ બાકીના 2.35 લાખ પરત આપ્યા નહોતા અને છેતરપિંડી કરી હતી.
પૈસા રોકાણ કરવાથી ડબલ થશે તેવી લાલચ આપી છેતરપીંડી કરતી ગેંગ સાયબર ક્રાઇમે ઝડપી સમગ્ર મામલે સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી હતી અને બેંક એકાઉન્ટની માહિતી મેળવી હતી તથા પૈસા કોણે ઉપાડ્યા હતા, તે બાબતે પણ તપાસ કરી હતી. ત્યારે જયેશ હિંમતભાઈ વાઘેલા નામના વ્યક્તિઓની સંડોવણી સામે હતી અને વધુ તપાસ કરતા વરુણ ખુરાના અને ચિરાગ ગામીત નામના આરોપીની પણ ભૂમિકા સામે આવી હતી. જેથી પોલીસે સુરતથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તેઓ એક નંબરથી લોકોને મેસેજ મોકલતા હતા. તે બાદ મોબાઇલ ફોનથી વાત કરીને ભોગ બનનારને શેર ટ્રેડિંગ કરવા માટે તૈયાર કરતા હતા અને આરોપીઓની કંપની દ્વારા રોકાણ કરવાથી ઘણો મોટો ફાયદો થાય છે તેવી લાલચ આપતા હતા. જો ભોગ બનનાર પૈસા ભરવા તૈયાર થઈ જાય તો ભોગ બનનાર પાસે અલગ-અલગ બેન્ક એકાઉન્ટ તથા paytm એકાઉન્ટમાં નાણા જમા કરાવતા હતા અને ત્યારબાદ મોબાઇલ ફોન પર એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા હતા. જે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. તેનું આઈડી પાસવર્ડ પણ આપતા હતા અને ભોગ બનનારને વિશ્વાસમાં લેવા માટે શરૂઆતમાં તેને નફો થયો છે, એવું એપ્લિકેશનમાં પણ તેઓ બતાવતા હતા. બાદમાં જ્યારે ભોગ બનનાર રોકાણ કરવાનું બંધ કરી દે ત્યારે તેને યોગ્ય જવાબ પણ આપતા નહતા અને પૈસા પણ પાછા આપતા ન હતા.
આ ગુનાનો મુખ્ય આરોપી જયેશ વાઘેલા છે, જ્યારે ચિરાગ અને વરુણ કોલ સેન્ટર દ્વારા ભોગ બનનારને લાલચ આપીને આગળની પ્રક્રિયા કરાવતા હતા. હાલ સાયબર ક્રાઇમેં ત્રણેય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.