- પ્રધાનમંત્રી મુન્દ્રા યોજના હેઠળ લોનના નામે લોકોના ID પ્રૂફ મેળવ્યા
- ID પ્રૂફથી લોકોના નામે મોબાઈલ લોન લીધી
- સાયબર ક્રાઇમ દ્વારા 4 આરોપીઓની ધરપકડ
અમદાવાદ : શહેરમાં રહેતા રંગનાથ મિશ્રાના નામના અજાણ્યા વ્યક્તિઓએ બજાજ ફાઇનાન્સમાં તેમજ IDFC બેંકમાંથી લોન મેળવી કબીર મોબાઈલ શોપમાં APPLE અને ONE PLUS કંપનીના મોંઘા ફોન ખરીદ્યા હતા. આ લોનના હપ્તા તેમના બેંકના ખાતામાંથી કપાતા હતા. આ અંગે તેમને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેમના નામે કોઈ 2 ફોન ખરીદી લીધા છે. જેથી તેમને સાયબર ક્રાઈમ ફરિયાદ નોંધાવી હતી.
કેવી રીતે સાયબર ક્રાઈમ ગુનાનો ભેદ ઉકેલ્યો?
ફરિયાદ મળતા સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે મોબાઈલ જે દુકાનમાંથી ખરીદ્યો હતો. આ અંગે તપાસ કરવામાં આવતા સામે આવ્યું હતું કે, 4 શખ્સો આવીને આ ફોન ખરીદ્યા ઉપરાંત અન્ય વ્યક્તિના નામે પણ આવી જ રીતે ફોન ખરીદ્યા છે. આરોપીઓ આ ફોન ખરીદીને સીધા વેચી દેતા હતા અને પૈસા અંદરોઅંદર વહેચી દેતા હતા.
4 આરોપીઓની ધરપકડ કરાઈ
આ સમગ્ર છેતરપિંડી મામલે સાયબર ક્રાઈમ દ્વારા કૌશલ ધોળકિયા, રાહુલ પાંડે, નિશાંત શાહ અને શૈલેષ દેસાઈ નામના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે. હાલ સાયબર ક્રાઈમ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.