વિશાલ ગોસ્વામી ગેંગના મુખ્ય સૂત્રધાર વિશાલ ગોસ્વામી,અજય ગોસ્વામી, રીંકુ ગોસ્વામી જે હાલમાં સાબરમતી જેલમાં બંધ છે, તથા અન્ય ગેંગના સભ્યો જામીન પર મુક્ત થયેલા છે. તેઓ સાથે મળીને એકબીજાનો સંપર્ક કર્યો હતો. જે બાદ વિશાલ ગોસ્વામીએ જેલમાં અનઅધિકૃત રીતે મોબાઈલ ફોન મેળવી કેટલાક વેપારીઓ પાસેથી ખંડણી મેળવવા વોટ્સએપ કોલ તથા મેસેજ કરી ધાકધમકી આપી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે GCTOC એક્ટ હેઠળ 4 વોન્ટેડ આરોપીની કરી ધરપકડ
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃત્તિ તથા ઓર્ગેનાઇઝ ક્રાઈમ કરતા ગુનેગારોને અંકુશમાં લેવા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ એક્ટનો (GCTOC) અમલ કરવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક વેપારી પાસેથી ખંડણી મંગાતી હોવાની અરજી મળી હતી. આ બાબતે બાતમીના આધારે તપાસ કરતા હત્યા, લૂંટ, હત્યાની કોશિશ, ધાક-ધમકી અને ખંડણી માંગવી જેવા ગુનામાં સંડોવાયેલા વિશાલ ગોસ્વામી તેમજ ગોસ્વામી ગેંગના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
જો વેપારી આ ખંડણીની રકમ નહીં ચૂકવે, તો તેને જાનથી મારી નાખવામાં આવશે તેવી ધમકી પણ આપી હતી. ઉપરાંત વિશાલ ગોસ્વામી પર જૂના ગુના ચાલે છે. તેમના સાક્ષીઓને પણ કેસોમાંથી ફરી જવા અંગે ધમકી આપતા હતા. GCTOC કાયદા મુજબ આ ગુનો નોંધી તપાસ આદરી હતી. આ અંતર્ગત 4 ઇસમને મેઘાણીનગરમાંથી ઝડપી પાડ્યા હતા. મેઘાણીનગરથી પકડાયેલા આરોપી બ્રિજેન્દ્ર, અનુરાગ, જયપુરી અને સૂરજ પાસેથી 20 મોબાઈલ ફોન, 50,000 રૂપિયા રોકડા, ગેરકાયદેસર પિસ્તોલ અને 40 જીવતા કારતુસ, બાઇક તથા એક ગાડી પણ જપ્ત કરી હતી.
ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે તપાસ કરી વિશાલ ગોસ્વામી તથા અજય અને રીંકુ પાસેથી 2 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન, 1 સાદો ફોન, 2 સીમકાર્ડ અને મોબાઈલનું ચાર્જર, 2 હેન્ડ ફ્રી જપ્ત કર્યા હતા. તપાસ બાદ વિશાલ ગોસ્વામી જેલમાંથી જ સમગ્ર રેકેટ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલો સામે આવતા જેલમાં મોબાઈલ કેવી રીતે લઈ જવામાં આવ્યા તે અંગે પણ સવાલો ઉભા થાય છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે પણ આ મામલે પણ તપાસ શરૂ કરી છે. જેલ પ્રશાસને આ માટે જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવાની ખાતરી આપી છે.