બનાસકાંઠાઃ કોરોના મહામારી વચ્ચે થરાદના એક ખેડૂતને ફોસલાવી મહિલા સાથે ફોટા પડાવી અને માર મારી પૈસા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. મૂળ સુઇગામ પંથકના ખેડૂતને ભેંસ લેવી હતી. જેથી તેમને વાવના વિષ્ણુ ઠાકોરને આ બાબતે વાત કરી હતી. જેથી વિષ્ણુ ઠાકોર આ ખેડૂતને ફોસલાવી રીક્ષામાં બેસાડી બાવળની ઝાડીઓમાં લઇ જઇ મહિલા સાથે ફોટા પડાવી અને માર મારી જે પૈસા હોય તે આપવા માગ કરી હતી. આ સાથે ફોટા વાયરલ કરવાની બીક બતાવતા ખેડૂતે 50,000 તેમને આપી દીધા બાદ પરિવારે હિંમત આપતા આ મામલે થરાદ પોલીસ મથકે 3 લોકો સામે ફરીયાદ નોંધાવી છે.
ઠગવાની નવી રીતઃ બે મહિલા સહિત 3 લોકોએ ખેડૂત પાસેથી રૂપિયા 50,000 પડાવ્યા - Tharad Police Station
કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં આવેલા થરાદમાં ખેડૂતને ફોસલાવી એક મહિલા સાથે ફોટા પડાવી લીધા બાદ તેને માર માર્યો હતો. જે બાદ રૂપિયા 50,000 પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે.
બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાના મમાણા ગામના ખેડૂત દેવજીભાઇ કુંભાર પાસેથી 3 લોકોએ 50,000 પડાવ્યા હોવાથી ફરીયાદ નોંધાઇ છે. દેવજીભાઇએ ભેંસ લેવાની હોવાથી ગત 03 સપ્ટેમ્બરના રોજ સવારે ઘરેથી 50,000 લઇ થરાદ આવ્યા હતા. જ્યાં વાવ તાલુકાના ભડવેલ ગામના વિષ્ણુ ઠાકોરે આવીને પુછ્યુ હતુ કે, કેમ અહીં આવ્યા છો? જેથી ખેડૂતે ભેંસ ખરીદવાની વાત કરી હતી. જે બાદ વિષ્ણુ એક રીક્ષામાં બે અજાણી મહિલાઓ સાથે આવીને જણાવ્યું કે, જાણદી ગામ બાજૂ એક ભેંસ છે, જે જોવા જવું પડશે.
આ દરમિયાન ખેડૂત તેની સાથે રીક્ષામાં જતાં દુધવા ગામની સીમમાં વિષ્ણુ ઠાકોરે રીક્ષા રોકાવી હતી. જે બાદમાં તેને કહ્યું કે, આ ચરેડાની બાજૂમાં એક ખેતર છે, ત્યાં ભેંસ છે. જે બાદમાં બાવળની ઝાડીઓમાં લઇ જઇ દેવજીભાઇને ગડદાપાટુંનો માર માર્યો હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. જે બાદમાં આરોપી વિષ્ણુએ મહિલા સાથે ખેડૂતના ફોટા પાડી આ ફોટાઓ વાયરલ ન કરવા હોય તો જે પૈસા પડ્યા હોય તે આપવા જણાવ્યુ હતુ. જેથી ખેડૂતે આબરૂ જવાની બીકે 50,000 આપી દીધા હતા. જો કે, બાદમાં ઘરે આવતાં પરિવારજનોને ઘટનાની જાણ કર્યા બાદ શુક્રવારે થરાદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ સામે IPCની કલમ 384, 323, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.