નવી દિલ્હીઃપાકિસ્તાનને શાહબાઝ શરીફના રૂપમાં નવા વડાપ્રધાન મળ્યા છે. સોમવારે નેશનલ એસેમ્બલીમાં મતદાન બાદ મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના પ્રમુખ શાહબાઝ શરીફને વડાપ્રધાન તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. ઈમરાન ખાનની પાર્ટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. પાકિસ્તાનમાં નવા વડાપ્રધાનની ચૂંટણી પહેલા પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીએ સંસદમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ રાત્રે 8 વાગ્યે પીએમ તરીકે શપથ લેશે.
3 વખત મુખ્યપ્રધાન પદે રહી ચૂક્યા છે - પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ શહબાઝ 70 વર્ષના છે અને તેઓ ત્રણ વખત પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. સંસદમાં મતદાન પહેલા વિપક્ષની સંયુક્ત બેઠકમાં વડાપ્રધાન પદ માટે શહબાઝ શરીફના નામને મંજૂરી આપવામાં આવી હતી. તેમના નામનો પ્રસ્તાવ પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કર્યો હતો. જરદારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના કો-ચેરમેન પણ છે.
કોણ છે શાહબાઝ શરીફ -શાહબાઝનો જન્મ 23 સપ્ટેમ્બર 1951ના રોજ લાહોરમાં થયો હતો. તેણે લાહોરથી જ ગ્રેજ્યુએશન કર્યું હતું. પછી તે પોતાના પારિવારિક વ્યવસાયમાં જોડાયો. રાજકારણમાં મોટા ભાઈ નવાઝ શરીફના આગમન બાદ તેમણે રાજકારણમાં પગ મૂક્યો હતો. જો કે નવાઝ, શહબાઝ સિવાય શરીફ પરિવારમાં ત્રીજો ભાઈ અબ્બાસ પણ હતો. તેઓ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સભ્ય પણ હતા પરંતુ વર્ષ 2013માં તેમનું અવસાન થયું હતું.
2 વખત નિકાહ કરી ચૂક્યા છે - પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના વડા શાહબાઝ શરીફ ત્રણ વખત પાકિસ્તાનના પંજાબ રાજ્યના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2018 થી દેશની નેશનલ એસેમ્બલીના સભ્ય છે. 1999 માં દેશમાં લશ્કરી બળવા પછી, શાહબાઝ સાઉદી અરેબિયામાં તેના પરિવાર સાથે નિવાસ પર ગયા હતા. આ પછી તે વર્ષ 2007માં પાછા ફર્યા, ત્યારબાદ પંજાબ વિધાનસભામાં જીત બાદ તેઓ ત્યાંના મુખ્યપ્રધાન બન્યા. વર્ષ 2013માં ત્રીજી વખત મુખ્યપ્રધાન બન્યા. શાહબાઝ શરીફે બે લગ્ન કર્યા છે. પ્રથમ લગ્ન 1973માં કજન નુસરત સાથે થયા હતા. જ્યારે બીજા લગ્ન 2003માં પાકિસ્તાનમાં ફેમસ રહેલી તેહમિના દુર્રાની સાથે થયા હતા.
પાકિસ્તાનના પીએમ માટે ભારતમાં પ્રાર્થના -એ સાંભળીને નવાઈ લાગશે કે કોઈપણ પાકિસ્તાની વડાપ્રધાન માટે ભારતમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. કારણ એ છે કે પાકિસ્તાનના નવા પીએમ શહબાઝ શરીફનું પૈતૃક ગામ ભારતમાં છે. આ ગામ અમૃતસરમાં છે જેનું નામ છે જાતિ ઉમરા. શહબાઝ વડા પ્રધાન બને તે માટે પ્રાર્થના કરવા માટે સ્થાનિક લોકો રવિવારે અહીં ગુરુદ્વારામાં એકઠા થયા હતા. વિભાજન બાદ શરીફ પરિવાર અહીંથી પાકિસ્તાન આવી ગયો હતો. જોકે તેઓ આ ગામ સાથે સંપર્કમાં રહે છે. વાસ્તવમાં શરીફનો પરિવાર મૂળ કાશ્મીરી છે. તેમના પિતા અનંતનાગથી પંજાબના આ ગામમાં આવ્યા હતા. શાહબાઝની માતા પુલવામાની છે. ભાગલા પછી તેમના પિતાએ લાહોરમાં બિઝનેસ શરૂ કર્યો અને સમયની સાથે તેમાં વધારો થયો. હાલમાં, શરીફનું ઇત્તેફાક જૂથ પાકિસ્તાનના સૌથી મોટા ઉદ્યોગ જૂથોમાંનું એક છે.