સંયુક્ત રાષ્ટ્રઃ અમેરિકાએ ગાઝામાં તત્કાળ માનવીય સંઘર્ષ વિરામની માંગ કરતી સુરક્ષા પરિષદના લગભગ દરેક સભ્યો અને અન્ય દેશો દ્વારા સમર્થિત સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ પર શુક્રવારે વીટોનો ઉપયોગ કર્યો. સમર્થક દેશોએ આ દિવસને ભયાનક દિવસ ગણાવ્યો હતો તેમજ આ ભીષણ યુદ્ધના ત્રણ મહિના બાદ વધુ નાગરિકોના મૃત્યુ અને વિનાશની ચેતવણી આપી. 15 સભ્યોની પરિષદમાં વોટ 13-1 રહ્યા હતા. જેમાં બ્રિટન ગેરહાજર રહ્યું હતું.
અમેરિકી ડેપ્યૂટી એમ્બેસેડર રોબર્ટ વૂડે મતદાન બાદ હમાસે ઈઝરાયલ પર 7 ઓક્ટોબરના રોજ કરેલ હુમલાની નિંદા કરવામાં વિફળ રહેવા બદલ પરિષદની ટીકા કરી હતી. આ હુમલામાં આતંકવાદીઓએ 1,200થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા, જેમાં મોટાભાગે સામાન્ય નાગરિકો હતા. તેમણે જાહેરાત કરી કે જો સૈન્ય કાર્યવાહી અટકાવી દઈશું તો હમાસને ગાઝામાં શાસન યથાવત રાખવામાં અને યુદ્ધના બીજ વાવવાની પરવાનગી મળી જશે.
વૂડે મતદાન પહેલા કહ્યું કે, હમાસને સ્થાયી શાંતિ માટે બે દેશો વચ્ચે સમાધાન માટેની કોઈ ઈચ્છા નથી દેખાતી. આ કારણથી અમેરિકા દૃઢતાપૂર્વક સ્થાયી શાંતિનું સમર્થન કરે છે, જેમાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન બંને દેશના નાગરિકો શાંતિ અને સુરક્ષાથી રહી શકે. અમે તત્કાળ યુદ્ધવિરામના આહ્વાનનં સમર્થન નથી કરતા.
પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલય અનુસાર ઈઝરાયલે કરેલ સૈન્ય કાર્યવાહીમાં ગાઝામાં 17,400થી વધુ નાગરિકો મૃત્યુ પામ્યા. જેમાંથી 70 ટકા મહિલાઓ અને બાળકો હતા. જ્યારે 46,000થી વધુ લોકો ઘાયલ થયા છે. મંત્રાલય વધુમાં જણાવે છે કે અનેક લોકો તો કાટમાળમાં દટાયેલા છે. મંત્રાલયે નાગરિક અને સૈન્ય મોતોની સંયુક્ત સંખ્યા જણાવી છે.
સંઘર્ષ વિરામનો વિરોધ ન કરવા બદલ બાઈડન પ્રશાસન પર દબાણ કરવા માટે અન્ય દેશોએ પ્રયાસ કર્યો જે વ્યર્થ નીવડ્યો. ઈજિપ્ત, જોર્ડન, પેલેસ્ટાઈન, કતાર, સાઉદી અરબ અને તુર્કીના વિદેશ પ્રધાનો શુક્રવારે વોશિંગ્ટનમાં હતા તેમણે અમેરિકન વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન સાથે મતદાન બાદ મુલાકાત પણ કરી હતી. યુએઈના ડેપ્યૂટી એમ્બેસેડર મોહમ્મદ અબુશાહબે મતદાન પહેલા કહ્યું કે, તેમના દેશ દ્વારા પ્રાયોજિત પ્રસ્તાવે 24 કલાકથી ઓછા સમયમાં લગભગ 100 સહ પ્રાયોજકોને સામેલ કરી લીધા છે. જે યુદ્ધને સમાપ્ત કરવા અને પેલેસ્ટાઈન નાગરિકોની જિંદગી બચાવવા વૈશ્વિક સમર્થનનું પ્રતિબિંબ છે.
મતદાન બાદ અમેરિકાએ વાપરેલા વિટો પર યુએઈએ ઊંડી નિરાશા વ્યક્ત કરી અને ચેતવણી આપી કે સુરક્ષા પરિષદ વિખેરાઈ રહી છે. જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા કાયમ રાખવાના તેના જનાદેશથી વિપરિત વર્તન કરી રહી છે. અબૂશાહબે પુછ્યું કે, જો આપણે ગાઝા પર સતત થતો બોમ્બમારો રોકવાના આહ્વાન પાછળ એક ન થઈ શકીએ તો પેલેસ્ટાઈનને શું સંદેશો આપી રહ્યા છીએ ? હકીકતમાં આપણે દુનિયાભરમાં આવી સ્થિતિમાં રહેતા નાગરિકોને શું સંદેશો આપી રહ્યા છીએ?
- હમાસ સાથે યુદ્ધવિરામ સમાપ્ત થતાં ગાઝા પર ઈઝરાયલી હુમલો ફરી શરુ, 175 લોકો માર્યા ગયા
- પોપ ફ્રાંસિસે ઈઝરાયલ રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી, ગાઝા યુદ્ધ મુદ્દે શોક વ્યક્ત કર્યો